ડાંગમાં ‘આયુષ મેળો’ અને ‘આયુર્વેદિક નિદાન’ સારવાર કેમ્પ યોજાયો
પ્રમુખ મંગળભાઇ ગાવિતના હસ્તે નવીનીક્રુત આયુષ એચ.ડબલ્યુ.સી. ગલકુંડને ખુલ્લો મુકાયો
(ડાંગ માહિતી) આહવાઃ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની આયુષ નિયામકશ્રીની કચેરી, તથા ડાંગ જિલ્લા આયુર્વેદિક કચેરીના સંયુકત ઉપક્રમે, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિતના અધ્યક્ષ સ્થાને ગલકુંડના આયુર્વેદિક દવાખાના ખાતે ‘આયુષ મેળો’ યોજાયો હતો. જેમા નિઃશુલ્ક આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિ દ્વારા નિદાન સારવાર અને દવાઓનુ વિનામુલ્યે વિતરણ કરવામા આવ્યુ હતુ. આ વેળા પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિતના હસ્તે નવીનીક્રુત આયુસ એચ.ડબલ્યુ.સી ગલકુંડને ખુલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિતે જણાવ્યુ હતુ કે, સ્થાનિક વિસ્તારના લોકો દ્વારા આયુર્વેદિક દવાખાનાની માંગ ને લઈને, આજે સરકારે આયુર્વેદિક દવાખાનાની ભેટ આપી છે. જેને લોકો આવકારી રહ્યા છે. પ્રમુખશ્રી એ વધુમા વધુ લોકોને આયુર્વેદિક દવાઓનો લાભ લેવા જણાવ્યુ હતુ. ડાંગ જિલ્લાના આયુર્વેદિક ભગતો પાસે દૂર દૂરથી લોકો પરંપરાગત સારવાર માટે આવી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોને પણ એલોપેથી દવાઓ સિવાય વધુમા વધુ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવાનું આહવાન કરતા પ્રમુખશ્રીએ, રાસાયણિક ખાતરોના ઉપયોગના કારણે બીમારીઓનો ફેલાવો થાય છે.
જેને નાબૂદ કરવા સરકારે ડાંગને દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે, તેમ જણાવ્યું હતું. ગલકુંડ ખાતે યોજાયેલા આયુષ મેળામા વિવિધ પ્રકારના ૧૦ આયુર્વેદિક ઉપચાર સહિત વિવિધ માહિતી પુરા પાડતા સ્ટોલ પણ પ્રદર્ષિત કરવામા આવ્યા હતા. જેમા આયુર્વેદિક નિદાન સારવાર જનરલ ઓ. પી. ડી, બાળરોગ, સ્ત્રી રોગ, ડાયાબિટીસ, પંચકર્મ ઓ.પી.ડી, સુવર્ણ પ્રાશન, યોગ, આયુર્વેદિક વનસ્પતિનું વિતરણ, ફિઝિયોથેરાપી સારવાર કેદ્રના સ્ટોલ રાખવામા આવ્યા હતા.
આયુષની વિવિધ પદ્ધતિઓ દ્વારા થતા નિદાન અને સારવાર મેળાનો ગલકુંડ ખાતે મોટી સંખ્યામા લોકોએ લાભ લીધો હતો. આ મેળામા આયુર્વેદ તથા હોમિયોપેથી દ્વારા વિવિધ રોગો જેવા કે પાચન તંત્રના રોગો, મળમાર્ગના રોગો, શ્વસન તંત્રના રોગો, મુત્રમાર્ગના રોગો, સાંધાના રોગો, ચામડીના રોગો, વાળના રોગો, અંતઃસ્ત્રાવી તંત્ર/હોર્મોનલ રોગો, લાઇફ સ્ટાઇલ રોગો, મહિલાઓના રોગો, બાળકોના રોગો, માનસિક રોગોનો ઉપચાર તેમજ વ્યશન છોડ અંગે માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય અધ્યક્ષા શ્રીમતિ હેતલબેન ચૌધરી, જિલ્લા સદસ્ય શ્રીમતિ મયનાબેન બાગુલ, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ કમળાબેન રાઉત, મેડીકલ ઓફિસર શ્રી અંકિતભાઇ પટેલ, સામાજિક કાર્યકર શ્રી હીરાભાઈ રાઉત તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.