ભરૂચ પોલીસ દ્વારા સામાન્ય માણસોને લોન મળી રહે તે માટે લોન મેળો યોજાયો
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા સામાન્ય વ્યક્તિઓને પણ તેમની નાની જરૂરિયાત અથવા સ્વરોજગારી માટે સરળતાથી લોન મળી રહે તે માટે પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરો સામે ઝુંબેશ ચાલી રહી છે.વ્યાજખોરીના ચક્કર માંથી લોકોને બહાર લાવવા જનજાગૃતિના કાર્યક્રમો પોલીસ વિભાગે કર્યા હતા.આ ઉપરાંત વ્યાજખોરો સામે ફરિયાદો દાખલ કરી જેલ ભેગા પણ કર્યા હતા.પોલીસ વિભાગની ઝુંબેશ આટલે થી અટકી નથી.સામાન્ય માણસોને પણ સરળતાથી લોન મળી રહે તે માટે બેંકો સાથે મળી લોન મેળાનું આયોજન ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે થયું હતું.
લોન મેળામાં એસ.પી ડૉ.લીના પાટીલે વ્યાજખોરોથી દુર રહી સરકારે બનાવેલ ધિરાણ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી.લીડ બેન્ક મેનેજર જીગ્નેશ પરમારે પણ વિવિધ યોજનાઓ સમજાવી સ્વ રોજગાર માટે બેન્ક ઓફ બરોડાની વડદલા ખાતે આવેલ સ્વરોજગાર વિકાસ સંસ્થાનો સંપર્ક કરવા અપીલ કરી હતી. જ્યારે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ધિરાણ પોલિસી મુજબ નગરપાલિકા ઓ ઘ્વારા નાના વેપારીઓ અને સ્વસહાય જૂથો માટે ધિરાણ યોજના ચાલતી હોવાનું જણાવી આ યોજનામાં સરકાર તરફથી વિશેષ વ્યાજ રાહત અપાતી હોવાનું પણ જણાવ્યું હતું.
આ લોન મેળામાં એસ.સી.,એસ.ટી.સેલના ડી.વાય.એસ.પી આર.આર.સરવૈયા, એસ.ઓ.જી. પી.આઈ ચૌધરી સહિત પોલીસ અધિકારીઓ, વિવિધ બેંકોના પ્રતિનિધિઓ અને લોન મેળવવા ઈચ્છતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.