પાકિસ્તાનને મળી આતંકને પોષવાની સજા
પાકિસ્તાનની સૌથી મોટી સમસ્યા એ છે કે તે ક્યારેય ભૂતકાળની ભૂલોમાંથી કોઈ સબક શીખતું જ નથી. આતંકવાદને પોષણ આપવાની ભૂલ હવે પાકિસ્તાન ખુદને જ ભારે પડી રહી છે
સૃષ્ટિનો અફર નિયમ છે કે તમે જે કંઈ બ્રહ્માંડમાં ફેંકો છો એ બમણા વેગથી ફરી તમારા ઉપર જ આવીને પડે છે. તમારા ઈરાદા શુભ ન હોય ત્યારે તમને મદદ કોઈ કરી શકતું નથી. પેશાવરમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાથી પાકિસ્તાનના લોકો ખૂબ નારાજ છે. તેમનું કહેવું છે કે હવે બહુ થયું. સામાન્ય જનતાને સૈન્ય નેતૃત્વ વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે પ્રેરિત કરી શકે એવું કોઈ ઈમાનદાર કે સક્ષમ નેતૃત્વ હાલ પાકિસ્તાનમાં રહ્યું નથી.
સેના પ્રમુખ તરીકેની વિવાદાસ્પદ ત્રણ વર્ષના કાર્યકાળ બાદ જનરલ કમર જાવેદ બાજવાએ જ્યારે પોતાની વરદી ઉતારી ત્યારે નિખાલસપણે દ્વારા રાષ્ટ્રીય રાજનીતિમાં દાયકાઓથી થઈ અવારનવાર પાકિસ્તાનની સેના જાહેરમાં ટીકાનું પાત્ર બની છે. તેમણે કહ્યું હતું કે મારું માનવું છે કે છેલ્લાં ૭૦ વર્ષથી સેનાએ ઘણા વિચાર-વિમર્શ બાદ એવો નિર્ણય કર્યાે છે કે તે ભવિષ્યમાં કોઈપણ રાજનૈતિક બાબતે ક્યારેય પણ દખલગીરી કરશે નહીં. હું આપને વિશ્વાસ અપાવું છું કે અમે આ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.
સાધારણ અને સમજદાર પાકિસ્તાની માટે આ કોઈ મોટા આશ્ચર્યની વાત ન હતી, પરંતુ ત્યારે એવો સવાલ જરૂર પૂછવામાં આવ્યો હતો કે ૭૦ વર્ષના નુકસાનની ભરપાઈ આખરે કોણ કરશે ? જાેકે એ વાત પણ સ્વીકારવી રહી કે જ્યારે પણ પાકિસ્તાનમાં મોટી ઊથલપાથલ થાય છે અને લોકો કુશાસન તથા ભ્રષ્ટાચારથી તંગ આવી જાય છે ત્યારે તેઓ ખુદ સેના સામે આશાની નજરે જુએ છે અને તેની મદદ માંગે છે. એવી ભૂલનું પુનરાવર્તન વારંવાર કરવામાં આવ્યું છે. જ્યારે પણ દેશમાં માર્શલ લો એટલે કે લશ્કરી શાસન લાગુ થયું છે ત્યારે દુનિયાએ નેતાઓ અને સામાન્ય લોકોને ગલીઓમાં મન મૂકીને નાચતા અને મીઠાઈ વહેંચતા જાેયા છે. આ બધું થવાથી લોકતાંત્રિક સંસ્થાઓ નબળી પડવા લાગે છે અને પાકિસ્તાન અગાઉની તુલનાએ વધુ તૂટતું જાય છે.
પેશાવરમાં પોલીસ લાઈનમાં આવેલી મસ્જિદ પર થયેલા ભીષણ આત્મઘાતી હુમલાથી આ ચર્ચા ફરી એક વખત જાેર પકડી રહી છે. સૌથી કમનસીબ ગણાતા ખૈબર પુખ્તુનખ્વા પ્રાંતમાં આ પહેલાં પણ અનેક વખત આતંકી હુમલા થયા છે. આ વખતે જાેકે હુમલાની ભીષણતા અને ભયાનક નુકસાનને જાેઈ તમામ લોકો હતપ્રભ થઇ ગયા છે. બધાંના મનમાં એક જ સવાલ ઊભો થાય છે કે આ હુમલામાં કયા પ્રકારનો ગોળા-બારૂદ વાપરવામાં આવ્યો હતો, જેનાથી એક મોટી છત તૂટીને નીચે પડી. આ કોઈ સામાન્ય પેટર્ન નથી, જેમાં મોટા ભાગે નજીકની દીવાલો, દરવાજા અને બારીઓને જ નુકસાન પહોંચે એ રીતે વિસ્ફોટ કરવામાં આવે છે. તપાસ જારી છે અને અધિકારીઓનું કહેવું છે કે કોઈપણ પરિણામ પર પહોંચવામાં ઘણો સમય લાગશે.
બીજાે એક મહત્ત્વનો સવાલ એ પણ છે કે આટલો વજનદાર અને મોટો બોમ્બ લઈને કોઈ વ્યક્તિ મસ્જિદની અંદર આસાનીથી કઈ રીતે ઘૂસી શકે ? એક સામાન્ય માણસને સુરક્ષા ચકાસણીના અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે તો આ હુમલામાં પોલીસ કે સેનાનો કોઈ હાથ ખરો ? આ આતંકી હુમલો પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સીઓની પણ સૌથી મોટી નિષ્ફળતા છે, કેમ કે પોલીસ લાઈન સૌથી વધુ સુરક્ષિત ક્ષેત્રમાં આવેલી છે અને ત્યાં સેનાના કોર કમાન્ડરના કાર્યાલય સહિત અનેક મહત્ત્વપૂર્ણ સરકારી ભવન પણ આવેલાં છે. આ હુમલો એક મોટી સુરક્ષા ચૂક હોવાની સાથે-સાથે પાકિસ્તાનની દોષપૂર્ણ આતંકવાદ વિરોધી નીતિનો પણ મોટો પુરાવો છે, જે વધુ એક વખત નિષ્ફળ સાબિત થઇ છે.