Western Times News

Gujarati News

ગ્રામ વિકાસ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને મંજુરીપત્ર પ્રશસ્તિપત્ર, જોબકાર્ડ અને ચેક વિતરણ કર્યા

પાટણ: પાટણ જિલ્લાના સમી તાલુકા આઇ.ટી.આઇ. ખાતે રાજયના કેબીનેટ શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત આવાસ દિવસની ઉજવણી અને ગ્રામ્ય વિકાસ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને મંજૂરીપત્ર, પ્રશસ્તિપત્ર, જોબકાર્ડ, ચેક વિતરણ કાર્યક્રમ અને સમી ખાતે પીએમઓવાય આવાસ અને સામુહિક શૌચાલયનું ખાતમૃહૂર્ત કાર્યકમ યોજાયો જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી રઘુભાઇ દેસાઇ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઇ પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ર૦૧૬-૧૭ માં માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા અમલમાં આવેલ નવીન યોજના છે. જેનો વિધીસર પ્રારંભ તા.૨૦/૧૧/૧૬ થી થયેલ. આ યોજનાનો હેતું રાજયમાં ગ્રામ્ય વિસ્તારમાં સામાજીક, આર્થિક અને જાતી આધારીત વસ્તી ગણતરી મુજબ પાત્રતાના આધારે કાચું આવાસ ધરાવતા અને પ્લોટ વિહોણા લાભાર્થીઓને આવાસ બાંધવા માટે આર્થિક સહાય આપવાનો છે. ર૦૨૨ સુધીમાં દરેક લાભાર્થીઓને પાકા મકાનો આપવાનો નિર્ધાર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

આ યોજના હેઠળ લાભાર્થીઓને ત્રણ હપ્તામાં ૧.ર૦ લાખ મનરેગા યોજના હેઠળ મજુરી કામના રૂા.૧૭,૨૮૦/- તથા શૌચાલય સહાય પેટે રૂા.૧૨,૦૦૦/- મળી કુલ રૂા.૧,૪૯,ર૮૦/- મળવાપાત્ર સહાય યોજના વર્ષ ર૦૧૮-૧૯ દરમ્યાન કે ત્યારબાદ આવાસ મંજુર થયેથી ૬ માસના સમય ગાળામાં લાભાર્થી દ્વારા આવાસ બાંધકામ પૂર્ણ કરવામાં આવે તો રૂા.૨૦,૦૦૦/- હજાર વધારાની સહાય લાભાર્થીને આપવામાં આવે છે. જે પણ મહત્વની બાબત છે. પાટણ જિલ્લામાં કુલ ૧૩૪૩૯ લાભાર્થીઓને આવાસ સહાય પુરી પાડવામાં આવી છે. તે પૈકી ૯૮૧૪ આવાસો પૂર્ણ થયેલ છે.

પ્રોત્સાહક સહાય પેટે પાટણ જિલ્લામાં કુલ ૩૦૩ લાભાર્થીઓને રૂપિયા ૬૦.૬૦ લાખ રકમની અતિરીકત સહાય પણ આપવામાં આવી છે. સમી તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી ૧૩૦ કુટુંબો કે જેઓ દબાણમાં કાચા મકાનો ધરાવતા હતા, તેઓને ગામ દફતરે આકારણી રજીસ્ટરે ચઢાવી ચાલુ નાણાકીય વર્ષમાં આવાસ સહાય પુરી પાડવામાં આવી છે.

પાટણ જિલ્લાને સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-ર૦૧૮ માં રાષ્ટ્રીય કક્ષાએ સ્વચ્છતા એવોર્ડ મેળવેલ હતો, ચાલુ વર્ષે પણ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-ર૦૧૯ માં પાટણ જિલ્લાને દેશમાં ૪ ક્રમાંકે અને પશ્ચિમ ઝોનમાં પ્રથમ ક્રમાંક મેળવેલ તે બદલ મંત્રીશ્રીએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખનુંશાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સ્વચ્છતા અંગે દરેક નાગરિકોને જાગૃત બનાવવા અને સ્વચ્છતા જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ હોય છે. રાજય સરકારે નર્મદાના નેટવર્કથી પાટણ જિલ્લાને ખેતી અને પીવા માટે પાણી પુરૂ પાડેલ છે.

પાણીનો કરકસર રીતે ઉપયોગ કરવા અને ટપક પધ્ધતિ અપનાવવા જણાવ્યું હતું. વરસાદી પાણીને જમીનમાં ઉતારો અને સંગ્રહ કરવા જણાવ્યું હતું. સમી અને શંખેશ્વર તાલુકા તથા ગામો માટે છેલ્લા ત્રણ વર્ષમાં રૂા.૧૩૦ કરોડ જેટલી રકમનો ખર્ચ કરી,ફિલ્ટર પાણી પુરૂ પાડવામાં આવે છે.સમી માં વિકાસ માટે અનેકવિધ યોજનાઓ, ભવનો, શૈક્ષણિક સંસ્થાઓ, આઇ.ટી.આઇ. વગેરે વિકાસમાં સહભાગી બન્યા છે. રોજગાર મેળા યોજી ઉદ્યોગોને આમંત્રણ આપી રોજગાર આપવાનું કામપણ રાજય સરકાર કરી રહી છે.

આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી રઘુભાઇ દેસાઇએ પણ જણાવ્યું હતું કે, આ વિસ્તારના ગરીબ વ્યક્તિને પોતાના આવાસ મળવાથી હવે પોતાનો વિકાસ જાતે કરી શકેશે અને આગળ વધી શકશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લાને ચાલુ વર્ષે પણ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-ર૦૧૯ માં દેશમાં ૪ અને પશ્ચિમ ઝોનમાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખે જણાવ્યું હતું કે ભારત સરકારના ર૦૨૨ સુધીમાં તમામ લોકોને પાકા મકાન આપવાનો લક્ષ પૂર્ણ કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જે ગરીબોનું દર્દ સમજે તે વિભાગ ડી.આર.ડી., મનરેગા યોજના હેઠળ ૧૦૦ દિવસની રોજગારી આપવાનું કામ ગ્રામ ખાતે લોકોને રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય તેવા સામુહિક કામો હાથ ધરવામાં આવે છે. જેને પાકા મકાન ન હોય તો જીવનમાં ઘણાજ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આવાસ યોજનાનો લાભ લઇ ઝડપથી આવાસ પૂર્ણ કરવા લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો.

પ્રધાનમંત્રી આવાસ દિવસની ઉજવણી અંતર્ગત ખાતમુહૂર્ત, લાભાર્થીઓને મંજૂરીપત્ર, પ્રશસ્થિપત્ર, જોબકાર્ડ, ચેક વિતરણ મિશન મંગલમ યોજના દ્વારા ચેક વિતરણ મંત્રીશ્રી તથા મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું.

સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મુકેશભાઇ પરમારે કરી યોજના ઉપર પ્રકાશ પાડયો હતો. આ કાર્યક્રમમાં સમી પ્રાંત અધિકારીશ્રી ગીતાબેન, મામલદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી, સંગઠનના હીરાભાઇ ચાવડા, ભીખાભાઇ પરમાર, મફાભાઇ ઠાકોર, બાબુજી ઠાકોર, મુકેશભાઇ દવે, સોમાભાઇ પરમાર, ગોવિંદભાઇ દેસાઇ, વીરાભાઇ બાબુજી, ભવાનભાઇસિંધવતેમજ અધિકારીગણ કર્મચારીઓ, લાભાર્થીઓ, શહેરીજનોઅને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.