નવા જંત્રીદરનો અમલ હાલ મોકુફઃ 15 મી એપ્રિલથી લાગુ થશે
ગાંધીનગર, ગુજરાત સરકારે જંત્રીદરમાં રાતોરાત ઝીંકેલા 100 ટકાના વધારા સામે રાજયભરમાં ઉઠેલા વિરોધ વંટોળ તથા આંદોલનના અલ્ટીમેટમ બાદ છેવટે શરત જાહેર કરી છે અને નવા જંત્રીદરનો અમલ હાલ તુર્ત મોકુફ રાખીને 15 મી એપ્રિલથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય જંત્રી દરમાં કરાયેલો વધારો તા. ૧૫/૦૪/૨૦૨૩થી અમલી બનશે : ઋષિકેશભાઈ પટેલ, પ્રવક્તા મંત્રી, ગુજરાત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય
જંત્રી દરમાં કરાયેલો વધારો તા. ૧૫/૦૪/૨૦૨૩થી અમલી બનશે : ઋષિકેશભાઈ પટેલ, પ્રવક્તા મંત્રી, ગુજરાત સરકાર@Bhupendrapbjp @Rushikeshmla pic.twitter.com/HsgEiM3p5R
— Pankaj Sharma (Journalist) (@Anchor_Pankaj) February 11, 2023
રાજય સરકારે ગત સપ્તાહમાં જંત્રીદરમાં ઓચિંતો 100 ટકાનો વધારો જાહેર કર્યો હતો અને તે સાથે જ મિલકત ખરીદનારા ગ્રાહકોથી માંડીને બીલ્ડરો સુધી તમામ વર્ગોમાં વિરોધ વંટોળ સર્જાયો હતો. બીલ્ડર સંગઠન દ્વારા તો બીજા જ દિવસે મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજુઆત કરી હતી. જંત્રીદર વધારો 1લી મેથી લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી.
જંત્રીદર વધારાથી નવી શરતની જુની શરતમાં ફેરવવાના પ્રિમીયમ તથા પેઈડ એફએસઆઈમાં મોટો વધારો થાય તેમ હોવાથી તેના દર 40 ટકાથી ઘટાડીને 20 ટકા કરવાની માંગ કરી હતી. આ પગલાથી પ્રોપર્ટી ટેકસ પણ વધવા વિશે ધ્યાન દોર્યું હતું.
આ ઉપરાંત રહેણાંક તથા દુકાનો પરનાં જંત્રીદરમાં ઘટાડો કરવાની પણ માંગ કરી હતી. સામાન્ય ગ્રાહકથી માંડીને બિલ્ડરો સુધીનાં વર્ગોનાં વ્યાપક વિરોધને પગલે સરકારે તાત્કાલીક અધિકારીઓ સાથે મેરેથોન બેઠક શરૂ કરી જ દીધી હતી. અને તેના આધારે રાહત મળવાનો આશાવાદ સર્જાયો હતો.
રાજયના રીયલ એસ્ટેટ ક્ષેત્ર તથા સામાન્ય જનસમુદાયનાં હિતમાં આ નિર્ણય લેવાયાનો દાવો કરવામાં આવ્યો છે. જંત્રીદર વધારાનો અમલ પાછો ઠેલવાનો નિર્ણય આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો તે પૂર્વે ગઈ મોડીસાંજે તેઓએ મુખ્ય સચીવ તથા મહેસુલ સચીવ સાતે મહત્વપૂર્ણ બેઠક કરીને જંત્રીદર વધારાથી ઉદભવેલી સ્થિતિની સમીક્ષા કરી હતી અને ત્યારબાદ આજે સવારમાં જ રાહત આપતો નિર્ણય લીધો હતો.
જંત્રી એટલે શું અને તે કોણ નક્કી કરે છે?
– જંત્રી એટલે કે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતું લૅન્ડ વૅલ્યૂ સર્ટિફિકેટ. જંત્રી એટલે જમીન કે કોઈપણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા લઘુતમ ભાવ.
– જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી કરતા વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે પ્રૉપર્ટીના માલિક છો તેવી નોંધણી થશે નહીંતર નહીં થાય.
– જંત્રીના ભાવથી કોઈપણ પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે તમારે કેટલી સ્ટેમ્પ ડ્યુટી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો એ નક્કી કરવામાં મદદ મળે છે. બીજા રાજ્યોમાં તેને સર્કલ રેટ તરીકે ઓળખવામાં આવે છે.
– રાજ્ય સરકાર દ્વારા જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સમીક્ષા કરવામાં આવે છે. અને ત્યાર બાદ સર્કલ રેટ એટલે કે જંત્રીના દર નક્કી કરવામાં આવે છે.