સતત ફ્લોપ શો બાદ પણ કેએલ રાહુલને કેમ આપવામાં આવી રહી છે રમવાની તક?
નવી દિલ્હી, બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય વાઈસ કેપ્ટન કેએલ રાહુલનું પર્ફોર્મન્સ નબળું રહ્યું છે. માત્ર આ જ નહીં વનડે તેમજ ટી૨૦માં પણ તે બેટિંગથી કમાલ દેખાડી શક્યો નથી. ઓસ્ટ્રેલિયા સામે નાગપુર ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ક્રિકેટર માત્ર ૨૦ રન બનાવીને આઉટ થયો હતો.
આ ૨૦ રન બનાવવા માટે તેણે ૭૧ બોલ બગાડ્યા હતા. તેના આવા પર્ફોર્મન્સ બાદ પણ સતત પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી રહી છે અને આ માટે સવાલો ઉભા થયા છે.
જાે કે, ટીમ મેનેજમેન્ટ હજી પણ તેને વધારે તક આપવાના પક્ષમાં છે. બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કેએલ રાહુલને સપોર્ટ આપ્યો હતો અને હાલ તેને ટીમમાંથી બહાર કરવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું. વિક્રમ રાઠોડે કેએલ રાહુલનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે ‘પ્રામાણિકતાથી કહું તો તેની છેલ્લી ૧૦ ટેસ્ટ ઈનિંગમાં તેના નામ પર બે સદી અને બે અડધી સદી છે.
સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં સદી ફટકારી હતી. મને નથી લાગતું કે, અમે અત્યારે તેને પ્લેઈંગ ૧૧માંથી બહાર રાખવા પર સવાલ ઉઠાવવાની સ્થિતિમાં નથી. વિક્રમ રાઠોડે ઓસ્ટ્રેસિયા સામે શાનદાર સદી ફટકારનારા રોહિત શર્માના વખાણ પણ કર્યા હતા.
તેમણે કહ્યું હતું, ‘તેની આ ખાસ ઈનિંગ હતી અને તેને રન બનાવતો જાેઈને સારું લાગ્યું. તારે સારો જુસ્સો દેખાડ્યો અને તે ખૂબ જ મહત્વપૂર્ણ ઈનિંગ હતી કારણ કે આ પિચ પર બેટિંગ કરવી સરળ નહોતી’. રોહિત આમ તો ઘણી શાનદાર ઈનિંગ રમી ચૂક્યો છે પરંતુ તેમાંથી ત્રણ સદી ખાસ છે, જેમાં ચેન્નઈમાં ૧૬૧ રન, ઓવલમાં સદી અને શુક્રવારે સ્લો પિચ પર ફટકારેલી સદી સામેલ છે.
રાઠોડે આગળ ઉમેર્યું હતું કે ‘આ તેની બેટિંગની વિશેષતા છે. તેણે ઈંગ્લેન્ડની ફાસ્ટ પિચ પર રન બનાવ્યા છે પરંતુ આપણે તેની આ ઈનિંગની વાત કરીએ તો તેણે રન બનાવવા માટે ઘણી મહેનત કરવી પડી. રોહિત શરૂઆતમાં કેટલાક રન બનાવ્યા બાદ સરળાથી રમે છે પરંતુ નાગપુરની પિચ પર તેણે મહેનત કરવી પડી હતી’.
શું સારો બેટ્સમેન હોવાના કારણે કુલદીપ યાદવ પર અક્ષર પટેલને પ્રાથમિકતા આપવામાં આવી તેના જવાબમાં તેમણે કહ્યું હતું ‘અક્ષર સારો બોલર પણ છે, તેથી તેના બેટિંગ પર વિચાર કરવામાં આવ્યો નહીં. તેની બેટિંગ બોનસ છે’.SS1MS