મોરીયાણા ગામે ચાલુ શાળાએ સ્લેબના પોપડા પડતા ધોરણ ૧૦ ની છાત્રાઓ ઘાયલ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના આદિવાસી નેત્રંગ તાલુકામાં ૫૯ વર્ષ જૂની ઉચ્ચતર માધ્યમિક શ્રી નવરંગ વિદ્યામંદિર શાળામાં ચાલુ વર્ગખંડમાં શુક્રવારે બપોરે સ્લેબનો પોપડો તૂટી પડતા ધોરણ ૧૦ ની ૮ થી વધુ વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત થઈ હોવાની ઘટનાએ શિક્ષણ જગતને પણ હચમચાવી છે. નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ ના ચાલુ વર્ગે સ્લેબ તૂટી પડવાની ઘટનામાં ૮ થી વધુ વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત થઈ છે.
મોરિયાણા ગામે શ્રી મોરિયાણા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી નવરંગ વિદ્યામંદિર ઉચ્ચતર માધ્યમિક શાળાની વર્ષ ૧૯૬૪ માં સ્થપના કરાઈ હતી.શાળા ૫૯ વર્ષમાં સમારકામ અને સારસંભાળના અભાવે જર્જરિત અને જાેખમી બની ગઈ હતી. શુક્રવારે બપોરે ૧૨ઃ૩૦ કલાકે જ ધોરણ ૧૦ ની વિદ્યાર્થીનીઓ વર્ગખંડમાં અભ્યાસ કરી રહી હતી. ત્યારે જ એકાએક જજરીત છટ માંથી સ્લેબનો મોટો પોપડો તૂટીને નીચે પડતા છાત્રાઓની બુમરાણ વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી.છત પરથી મોટો પોપડો તૂટી પડતા ૮ થી વધુ વિદ્યાર્થીઓને શરીરે નાની મોટી ઇજાઓ થઈ હતી. ઘટનાને લઈ અન્ય વિધાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.શાળા સંચાલકો પણ ગભરાટ વચ્ચે રઘવાયા બની દોડતા થઈ ગયા હતા.