ચમત્કારીક બચાવઃ કાટમાળમાંથી એક જ પરિવારના ૫ સભ્યોને સુરક્ષિત બહાર કઢાયા
ઈદલિબ, સીરિયા અને તુર્કીમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ અનેક વિસ્તારો તબાહ થઈ ચૂક્યા છે. સીરિયા અને તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હજારોની સંખ્યામાં રાહતકર્મીઓ હજુ પણ ધરાશાયી થયેલી ઈમારતોની નીચે શોધખોળ કરી રહ્યાં છે.
તબાહી અને નિરાશા વચ્ચે અસ્તિત્વની ચમત્કારીક કહાણી સામે આવી રહી છે. આવામાં એક બચાવ અભિયાન દરમિયાન પશ્ચિમ સીરિયાના ઈદલિબ પ્રાંતમાંથી એક આખા પરિવારને બચાવી લેવામાં આવ્યો છે. ત્રણ બાળકો અને બે વયસ્કોને તેમના ઘરના કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટના પછી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને પછી નારેબાજી કરવા લાગ્યા કે, ઈશ્વર મહાન છે.
બચાવનો એક વીડિયો સીરિયા નાગરિક સુરક્ષા સ્વયંસેવી સંગઠન ધ વ્હાઈટ હેલ્મેટ્સ દ્વારા શેર પણ કરવામાં આવ્યો છે. ટિ્વટમાં લખ્યું છે કે, ચમત્કાર, ખુશીઓનો અવાજ આકાશને ગળે લગાવે છે. વિશ્વાસથી અલગ ખુશી. સાત ફેબ્રુઆરી, મંગળવારની બપોરે વિસ્ત્રિયા ગામમાં એક આખા પરિવારને તેમના ઘરના કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યો હતો.
વિડીયોમાં દેખાય છે કે બચાવકર્મીઓ બાળકોને એમ્બ્યુલન્સ સુધી લઈ જઈ રહ્યાં છે અને વયસ્કોને પણ સ્ટ્રેચર પર બહાર લઈ જવામાં આવી રહ્યાં છે. ગયા સોમવારે આવેલા શક્તિશાળી ૭.૮ની તીવ્રતાના ભૂકંપથી તુર્કી અને સીરિયામાં હજારો ઈમારતો ધ્વસ્ત થઈ ચૂકી છે. જેમાં ૨૮ હજારથી પણ વધુ લોકોનાં મોત થયા છે અને લાખો લોકો બેઘર થયા છે.
તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપે અનેક વિસ્તારોને તબાહ કરી નાખ્યા છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે ૨૮ હજાર લોકોનાં મોત થયા છે. આ મૃત્યુઆંક હજુ પણ વધે એવી શક્યતા છે. હજુ પણ તુર્કીના કેટલાંક વિસ્તારો એવા છે કે જ્યાં રાહત અને બચાવ કાર્ય યથાવત છે.
તુર્કીના મલત્યામાં ચાલી રહેલાં આવા જ એક રાહત કાર્ય દરમિયાન ભારતીય મૂળના યુવકની લાશ મળી હતી. તુર્કીમાં ભારતીય દૂતાવાસ હાલ લાશને સ્વદેશ પરત લાવવા માટે તૈયારીઓ કરી રહ્યો છે. ભારતીય દૂતાવાસના જણાવ્યા મુજબ, મૃતકની ઓળખ વિજયકુમાર તરીકે થઈ છે. તે ઉત્તરાખંડનો રહેવાસી હતો અને બિઝનેસ ટ્રિપ પર કેટલાંક દિવસ પહેલાં જ તુર્કી ગયો હતો. વિજય ઉત્તરાંખંડના કોટદ્વાર જિલ્લાનો રહેવાસી હતો.