Western Times News

Gujarati News

AC અને ફ્રિઝમાં વપરાતી અત્યાધુનિક કોપર ટ્યુબનું ગુજરાતમાં ઉત્પાદન થશે

કોપર ટ્યુબ ઉત્પાદનનો અદ્યતન પ્રથમ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશેઃ-૧પ૦૦ જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારીનું સર્જન થશે

મેટટ્યુબ કોપર ઇન્ડીયા પ્રા.લિ અને ગુજરાત સરકાર વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં MoU થયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ સંદર્ભમાં ગુજરાત સરકારના ઉદ્યોગ, ખાણ વિભાગ અને કોપર ટ્યુબના ઉત્પાદન તથા વિકાસમાં અગ્રણી કંપની મેટટ્યુબ કોપર ઇન્ડીયા પ્રા.લિ. વચ્ચે ગાંધીનગરમાં MoU સંપન્ન થયા હતા.

ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત તેમજ ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી અને સાંસદ શ્રી નરહરિ અમીન પણ આ MoU એક્સચેન્જ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

સાણંદ-II ઔદ્યોગિક વિસ્તારમાં મેટટ્યુબ ઇન્ડીયા પ્રા.લિ પોતાનો આ  અત્યાધુનિક કોપર ટ્યુબ મેન્યૂફેકચરીંગ પ્લાન્ટ શરૂ કરશે જે સંભવતઃ જાન્યુઆરી ર૦ર૪માં ઉત્પાદન શરૂ કરે તેવી નેમ રાખવામાં આવી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના ધ્યેયને સાકાર કરતો આ કોપર ટ્યુબ ઉત્પાદન પ્લાન્ટ ભારત અને ગુજરાતમાં પ્રથમવાર શરૂ થશે તેમ આ પ્રસંગે જણાવવામાં આવ્યુ હતું.

કેન્દ્ર સરકારે કોપર ટ્યુબ ઉત્પાદનને દેશમાં જ પ્રમોટ કરવા આપેલા પ્રોત્સાહનોને પગલે આ સૂચિત પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે.

ફિફથ જનરેશનના કોપર ટ્યુબના નિર્માણથી ભવિષ્યમાં ઉપકરણોના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં આ સૂચિત પ્લાન્ટ મદદરૂપ થશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આ સૂચિત પ્લાન્ટ શરૂ કરવા માટેની યોગ્ય જરૂરી મદદ રાજ્ય સરકાર કરશે તેમ આ પ્રસંગે જણાવ્યું હતું.

મેટટ્યુબ કોપર ઇન્ડીયાના ચેરમેનશ્રી અપૂર્વ બાગરીએ કહ્યું કે, તેઓ મલેશિયામાં એક મોટો પ્લાન્ટ ચલાવે છે. ઉચ્ચ કાર્યક્ષમ ઇકો ફ્રેન્ડલી કોપર ટ્યુબના ઉત્પાદનનો ઉપયોગ મુખ્યત્વે વર્લ્ડકલાસ એપ્લાયન્સ મેન્યૂફેકચરીંગ કરતા ઉત્પાદકો કરે છે. હવે કોપર ટ્યુબનો સૂચિત પ્રોજેક્ટ શરૂ કરવા તેઓએ ગુજરાતના સાણંદ પર પસંદગી ઉતારી છે.

આ સૂચિત પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની ઇકો સિસ્ટમ દ્વારા અંદાજે ૧પ૦૦ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળતી થશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની તથા મેટડીસ્ટ ગૃપના અધ્યક્ષશ્રી અપૂર્વ બાગરી એ આ MoU ની પરસ્પર આપ-લે કરી હતી.

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન, ઉદ્યોગ કમિશનરશ્રી રાહૂલ ગુપ્તા તેમજ વરિષ્ઠ અધિકારીઓ અને મેટટ્યુબ ઇન્ડીયાના સહયોગીઓ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.