Western Times News

Gujarati News

વલસાડ જિલ્લામાં પારનેરા ડુંગર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ

વલસાડ, જિલ્લા વહીવટીતંત્ર અને રમત-ગમત વિભાગ કચેરી, વલસાડ આયોજિત પારનેરા ડુંગર આરોહણ-અવરોહણ સ્પર્ધા સીઝન ૨ યોજવામાં આવી હતી. આ પ્રસંગે આઇ.એ.એસ. નિશા ચૌધરી, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, પ્રાંત અધિકારી, વલસાડ તેમજ રમતગમત વિભાગ, વલસાડનાં સિનિયર કોચ ઉપસ્થિતિ રહ્યાં હતાં. ૧૪ થી ૩૦, ૩૧ થી ૫૦ , ૫૧ થી ઉપર એમ ત્રણ કેટેગરીમાં મહિલા અને પુરુષ તેમજ સ્પેશ્યલ કેટેગરીમાં ડબલ પર્વતારોહણ ઓપન જૂથ મુજબ સ્પર્ધા યોજવામાં આવી હતી. સવારે સાત વાગ્યાનાં સુમારે ઉપસ્થિત અગ્રણીઓએ ફ્લેગ ઓફ આપી સ્પર્ધાની શરૂઆત કરાવી હતી.

સૌ સ્પર્ધકો પોતપોતાની ક્ષમતા અનુસાર દોડી, પગથિયા ચઢી ક્ષેમકુશળ પરત ફર્યા હતાં. દરેક વિભાગમાં પ્રથમ ત્રણ સ્પર્ધકોને પ્રમાણપત્ર, ટ્રોફી તથા રોકડ પુરસ્કાર પારનેરા ટ્રસ્ટ તરફથી આપવામાં આવ્યાં હતાં. ગત વર્ષે પ્રથમ ક્રમ મેળવનાર સુરત રન એન્ડ રાઇડર ૧૩ નાં રમતવીર શિક્ષક અશ્વિન ટંડેલે આ વર્ષે ઓપન કેટેગરી ડબલ ટ્રેકિંગ ક્ષેત્રે ‘ધ મોસ્ટ એનરજેટિક હાઇકર’ તરીકે માત્ર ચોવીસ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી સાબિત કરી બતાવ્યું કે ચાલીસી નજીકની ઉંમર હોવા છતાં સાહસ અને સામર્થ્યને કોઈ સીમા હોતી નથી.

જિલ્લાની યુવાશક્તિ વિકસે, ખીલે અને આગળ આવે એવી મહેચ્છાઓ સાથે વહીવટીતંત્ર અને પારનેરા ટ્રસ્ટે ખાતરી આપી હતી. જિલ્લા કક્ષાએ યુવા ધન અને નાગરિકો તંદુરસ્ત રહે, સ્વાસ્થ્ય તરફ સભાનતા કેળવે તેમજ ફીટ ઇન્ડિયા મૂવમેન્ટને વેગ આપવાનાં સંકલ્પ સાથે સૌએ એકમેકને શુભેચ્છાઓ પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.