Western Times News

Gujarati News

સ્વામી દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મજયંતી ‘જ્ઞાન જ્યોતિ પર્વ’ની ઉજવણીનો ગરિમાપૂર્ણ શુભારંભ

સ્વામી દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતીની ઉજવણીનો આ અવસર ભવિષ્યના ઇતિહાસનું નિર્માણ કરનારી પળ છે :  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી

આગામી ત્રણ વર્ષ સુધી આર્ય સમાજ યુવાનોને નશામુક્ત કરવા વિશેષ અભિયાન શરૂ કરશે :  રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતીનો આ અવસર ભવિષ્યના ઇતિહાસનું નિર્માણ કરનારી, સમગ્ર વિશ્વની માનવતા માટે પ્રેરણાની પળ છે. નવી દિલ્હીમાં સ્વામી દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતીની ગરિમાપૂર્ણ ઉજવણીના અવસરે બોલતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે,

સ્વામી દયાનંદજીએ સમગ્ર વિશ્વને શ્રેષ્ઠ બનાવવાનું અને વિશ્વમાં શ્રેષ્ઠ વિચારો અને માનવીય આદર્શોનો સંચાર કરવાનું પ્રણ લીધું હતું. આજે તેમના આ જ વિચારો કરોડો લોકોમાં નવી આશાનો સંચાર કરે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, એ મારું સદભાગ્ય છે કે જે પવિત્ર ધરતી પર મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ જન્મ લીધો, એ જ ગુજરાતની પવિત્ર ધરતી પર મને જન્મ લેવાનું સૌભાગ્ય સાંપડ્યું. એ ભૂમિમાંથી મળેલા સંસ્કાર, એ ધરતીમાંથી મળેલી પ્રેરણા આજે મને મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના આદર્શો પ્રતિ આકર્ષિત કરે છે.

તેમણે કહ્યું કે, જે આત્મવિશ્વાસહીન હોય છે એ જ આડંબરના આધારે જીવન જીવવાનો પ્રયત્ન કરતા હોય છે. સ્વામી દયાનંદ સરસ્વતીજીએ વેદના બોધથી સમાજને પુનર્જીવિત કર્યો. સામાજિક ભેદભાવ, ઊંચ-નીચ, અસ્પૃશ્યતા જેવી સામાજિક વિકૃતિઓ વિરુદ્ધ સશક્ત અભિયાન આદર્યું. પૂજ્ય ગાંધીજીએ પણ મહર્ષિ દયાનંદજીના અસ્પૃશ્યતા વિરોધી વિચારને સમાજ માટેનું સૌથી મોટું પ્રદાન ગણાવ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, ભારત આઝાદીનો અમૃતકાળ  ઉજવી રહ્યું છે ત્યારે મહર્ષિ દયાનંદજીની 200 મી જન્મજયંતિ પુણ્ય પ્રેરણા લઈને આવી છે. તેમણે આપેલા મંત્રો પર આજે આખો દેશ પૂર્ણ વિશ્વાસપૂર્વક આગળ વધી રહ્યો છે. આજે આપણે સ્વાભિમાનપૂર્વક આપણી વિરાસત પર ગર્વ લઈ રહ્યા છીએ. આધુનિકતા અને પરંપરાના બે પાટા પર ભારત પ્રગતિના પંથે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે, ધર્મ એટલે માત્ર પૂજા-પાઠ કે આસ્થા-ઉપાસના નહીં, ભારતીય વેદ પરંપરા પ્રમાણે ધર્મ એટલે સંપૂર્ણ જીવન પદ્ધતિ. ધર્મ એટલે કર્તવ્ય. રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે આપણી જવાબદારી. સ્વામી દયાનંદ સરસ્વતીજીએ પોતાના ક્રાંતિકારી વિચારોને સંસ્થાકીય સ્વરૂપ આપ્યું અને સેંકડો લોકોને પ્રેરણા પણ આપી. આજે આ સંસ્થાઓ દેશ માટે સમર્પિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જે અભિયાન માટે સમર્પિત છે, એ પ્રાકૃતિક કૃષિ માટેના અભિયાનને ગામેગામ પહોંચાડવાનું છે. આર્ય સમાજના લોકો યજ્ઞની આહુતિમાં એક સંકલ્પ આ પણ લે કે, પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતોને તૈયાર કરવાના છે. ‘શ્રીઅન્ન’ને પણ રોજિંદા ખોરાકનો ભાગ બનાવવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, અત્યંત મહત્વના તબક્કામાં દુનિયાના દેશોએ G20 ની અધ્યક્ષતા ભારતને સોંપી છે. આપણે પર્યાવરણને G20 ના વિશેષ એજન્ડા તરીકે મહત્વ આપી રહ્યા છીએ. આર્ય સમાજ આવા મહત્વના અભિયાનમાં આગળ આવે અને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે એ માટે તેમણે આહ્વાન કર્યું હતું.

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સમારોહમાં સ્વાગત ઉદબોધન કરતાં કહ્યું હતું કે, આર્ય સમાજ દ્વારા આગામી ત્રણ વર્ષ સુધી વૈવિધ્યસભર ઉજવણીઓ કરાશે. આ વર્ષે ઋષિ દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતીની ઉજવણી કરાશે.

આગામી વર્ષે આર્ય સમાજની સ્થાપનાના 150 મા વર્ષની ઉજવણી કરાશે. જ્યારે ત્રીજા વર્ષે ઋષિ દયાનંદ સરસ્વતીજીના પરમ શિષ્ય અને મહાન સ્વાતંત્ર સેનાની સ્વામી શ્રદ્ધાનંદજીના બલિદાનની શતાબ્દી વર્ષની ઉજવણી કરાશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઋષિ દયાનંદ સરસ્વતીજીના જન્મ શતાબ્દી વર્ષને ‘જ્ઞાન જ્યોતિ પર્વ’ એવું નામ આપ્યું એ માટે તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ આર્ય સમાજના તમામ લોકો વતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખાતરી આપતાં કહ્યું હતું કે, દેશની દશા અને દિશા બદલવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે અભિયાન આદર્યાં છે, અને ભારત જેવા મહાન રાષ્ટ્રને પુનઃ વિશ્વ ગુરુ બનાવવાની દિશામાં જે પ્રયત્નો કર્યાં છે તથા જનમાનસનેમાં નવી ચેતના અને નવો ઉત્સાહ પ્રદાન કરવા માટે જે પ્રયત્નો કર્યા છે તે તમામ પ્રયત્નોમાં આર્ય સમાજ સહભાગી બનશે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સ્વામી દયાનંદ સરસ્વતીજીએ આર્ય સમાજના જે દશ નિયમો બનાવ્યા છે તેમાં છઠ્ઠો નિયમ છે કે, ‘સંસારનો ઉદ્ધાર કરવો’. શારીરિક, આત્મિક અને સામાજિક ઉન્નતિ માટેના  દયાનંદ સરસ્વતીજીના આ સંદેશને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વ્યવહારિક સ્વરૂપ આપ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને એક જન આંદોલનનું સ્વરૂપ આપીને સમગ્ર ભારત વર્ષમાં તેના અમલ માટે અભિયાન આદર્યું છે. તેમણે આર્ય સમાજના સૌ લોકોને આ મિશનને અગ્રતાના ક્રમે લેવા અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, આગામી ત્રણ વર્ષ દરમિયાન આર્ય સમાજ યુવા પેઢીને નશામુક્ત કરવા અભિયાન ચલાવશે. તેમને કહ્યું હતું કે, સર્વદેશીય આર્ય પ્રતિનિધિ સભાએ નિર્ણય કર્યો છે કે, આગામી ત્રણ વર્ષ સુધી સમાજની યુવા પેઢીને નશામુક્ત કરવા અસરકારક અભિયાન હાથ ધરાશે.

સમારોહના આરંભે આચાર્ય દેવવ્રતજી અને સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સમાજના શ્રી સુરેન્દ્રકુમાર આર્યએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઋષિ દયાનંદ સરસ્વતીજીના વાસ્તવિક ફોટોગ્રાફ્સ અર્પણ કર્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સન્માનપત્ર અર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વામી દયાનંદ સરસ્વતીજીના દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના પ્રતીક ચિન્હનું અનાવરણ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.