મેક્સિકો હાઇવે પર ત્રણ બસ વચ્ચે અકસ્માતઃ 13નાં મોત
મેક્સિકો, મધ્ય મેક્સિકોના રાજમાર્ગ પર ત્રણ બસ વચ્ચે થયેલા અકસ્માતમાં મૃતક આંક વધીને 13 થયો છે. આ ઉપરાંત અકસ્માતમાં ઘાયલ થયેલા 29 લોકો પૈકી 16 લોકોની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે.મેક્સિકોના એકાટેપેક શહેર પાસે આવેલા હાઈવે પર ત્રણ બસો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. જાણવા મળ્યા મુજબ અકસ્માત બાદ ત્રણ વર્ષના બાળક અકિલા સહિત 11 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.
ત્યાર બાદ અન્ય બે ઘાયલોના સારવાર દરમિયાન મૃત્યુ થતા મૃતક આંક વધીને 13 થયો છે. કથિત અહેવાલ પ્રમાણે એક બસે રોડના કિનારે રહેલા સ્ટોપ પર ઉભેલી અન્ય બે બસને ટક્કર મારતા આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં 19 પુરૂષો અને 10 મહિલાઓ સહિત 29 લોકોને ઈજાઓ પહોંચી હતી જે પૈકીના 16 લોકોની સ્થિતિ હાલ સ્થિર છે. અકસ્માત બાદ ત્રણેય બસના ચાલકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા પરંતુ અધિકારીઓએ તે પૈકીના એકને ઝડપી લીધો છે અને કાર્યવાહી શરૂ કરી છે.