પાણી પુરવઠા મંત્રીએ ‘ગાંધીનગર ખાતેથી અટલ ભૂજલ પખવાડિયા’નો કરાવ્યો શુભારંભ
ભૂગર્ભ જળના વ્યયને અટકાવવા રાજ્ય સરકાર કટિબદ્ધઃ કુંવરજીભાઈ બાવળીયા
(માહિતી) અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા ‘અટલ ભૂજલ યોજના’ અંતર્ગત તા. ૧૩ થી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમ્યાન ‘અટલ ભૂજલ પખવાડિયા’ની ઉજવણીનો શુભારંભ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ગાંધીનગર ખાતેથી કરાવવામાં આવ્યો હતો.
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ પખવાડીયાનો શુભારંભ કરાવતાં કહ્યું હતું કે, ભૂગર્ભ જળના વ્યયને અટકાવવા રાજ્ય સરકાર હરહંમેશ પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારે ગંભીરતા દાખવી જળ સમસ્યાઓને પહોચી વળવા આગોતરું આયોજન કર્યું છે. જળ વ્યવસ્થાપનના ભાગ રૂપે શું થઇ શકે અને શું કરી શકાય તે માટે આ યોજનાની શરૂઆત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જળ સંપત્તિના ભાગરૂપે પાણીની ગુણવત્તા પરીક્ષણ કીટ, ડિજિટલ પાણી સૂચક, અને પાણીનું ઓડિટ થાય તે માટે પણ સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં સૌએ સાથે મળીને ભૂગર્ભ જળના ઉપયોગની સાથે સાથે પાણીની બચત, વપરાશ અને ઓછા પાણીથી સિંચાઈ કેવી રીતે થઇ શકે તે માટે જળસમુદાયને ભાગીદાર બનાવવા પડશે. ખેડૂતો, ગામડાઓ સુધી જળવ્યવસ્થાપનની વાત લઇ જવી પડશે. આવનારા સમયમાં ભૂગર્ભજળના સંકટથી અસરગ્રસ્ત અન્ય વિસ્તારોને પણ આવરી લેવા સરકાર પ્રયત્નશીલ છે. સાથે સાથે પાણીનું બજેટિંગ અને જળ સલામતીનું આયોજન કરવું પડશે.
પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, જળવ્યવસ્થાપનને જનઆંદોલનમાં પરિવર્તિત કરવું જાેઈશે. દરેકે પાણીની કિંમત સમજવી પડશે. જળવ્યવસ્થાનપનના કાર્યોને જનઆંદોલન તરીકે આગળ ધપાવી સહિયારા પ્રયાસોથી કામગીરી કરવામાં આવશે તો જ આગામી દિવસોમાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.
જળસંપત્તિ વિભાગના ખાસ સચિવ કે.બી. રાબડીયાએ જણાવ્યું હતું કે, અટલ ભૂજલ યોજના પેર્ફોર્મન્સ આધારિત યોજના છે. આ યોજના હેઠળ ભૂગર્ભ જળના સ્તરને ધ્યાને લઈ રાજ્યના જિલ્લાઓને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છેઃ ક્રિટીકલ, સેમી ક્રિટીકલ અને ઓવર એક્સપ્લોઈટેડ. આવા જિલ્લાઓમાં જળસંચય થકી પાણી પુરવઠાની સ્થિતિ સુધારવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળની દરેક ગ્રામ પંચાયત પોતાના વિસ્તારની સ્થિતિને અનુરૂપ ‘વોટર સિક્યુરિટી પ્લાન’ બનાવે મહત્વનું પાસુ છે. હાલમાં રાજ્યના ૬ જિલ્લાઓના ૩૬ તાલુકાઓની ૧૮૭૩ ગ્રામપંચાયતોમાં આ યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે.
‘અટલ ભૂજલ પખવાડિયા’ની ઉજવણી અંતર્ગત જળસંચય અંગે જાગૃતિ માટે વિશેષ રીતે તૈયાર કરાયેલ પ્રચાર-પ્રસાર રથનું યોજના હેઠળના વિસ્તારોમાં પરિભ્રમણ કરાવવામાં આવશે. જે અંતર્ગત ગ્રામસમુદાયના તમામ લોકોને ભૂગર્ભ જળની જાગૃતિ મળે તે માટે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જેમાં બાળકોની પ્રભાત ફેરી, શાળાઓમાં ચિત્ર, વકૃત્વ સ્પર્ધા, મહિલાઓની રેલી, મિટિંગ, રોડ ટુ રોડ કેમ્પેન, પ્રેરણા પ્રવાસ, શેરી નાટક જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન આ પખવાડિયા દરમિયાન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ‘અટલ ભૂજલ યોજના’ કેન્દ્ર પુરસ્કૃત યોજના છે, જેની શરૂઆત ૨૫ ડિસેમ્બર, ૨૦૧૯માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવી હતી.
જેમાં પરિણામલક્ષી અભિગમથી યોજનાનું અમલીકરણ કરીને ભૂગર્ભ જળની ઉપલબ્ધતામાં વધારો કરશે. આ યોજના પંચવર્ષીય યોજના છે, જે વર્ષ ૨૦૨૫ સુધી અમલી રહેશે, જેમાં રાજ્યના ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ એમ ગુજરાતના ૬ જિલ્લાઓ, ૩૬ તાલુકાઓની ૧૮૭૩ ગ્રામ પંચાયત હેઠળ આવેલા ૨૨૩૬ ગામડાઓ આવરી લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને રૂ. ૭૫૬.૭૬ કરોડની રકમ ફાળવવામાં આવી છે. ગ્રામપંચાયતો દ્વારા જળ વ્યવસ્થાપન સમિતિ બનાવામાં આવી છે, જેમાં જનસમુદાયને જાેડી આ કાર્યક્રમ સફળ બને તેવો પ્રયાસો અમલમાં છે. આ પ્રસંગે ધારસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર તથા ધારસભ્ય સુશ્રી રીટાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી. કે., જળસંપતિ વિભાગના સચિવ શ્રી કે. એ. પટેલ, ‘અટલ ભૂજલ યોજના’ના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને વહીવટી સંચાલક શ્રી આર. એમ. પટેલ, યોજના અમલીકરણ હેઠળની વિવિધ જળ વ્યવસ્થાપન સમિતિના સભ્યો તથા તજજ્ઞો-મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યાં હતાં.