નેત્રંગના બલડેવા,પિંગોટ અને ધોલી ડેમમાંથી મે માસ સુધી જ સિંચાઈ માટે પાણી મળી રહેશે
(પ્રતિનિધિ) ભરૂચ,
ભરૂચ – નર્મદા જીલ્લાના સાતપુડા ડુંગર વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાની પૂર્વ પટ્ટીમાં બલડવા,પિંગોટ અને ધોલી ડેમ આવેલા છે.ચોમાસાની સિઝનમાં સરેસાશ વરસાદના પગલે ત્રણેય ડેમો પાણીથી છલોછલ ભરાઈ જતાં ઓવરફ્લો થતાં ખેડુતોમાં આનંદ વ્યાપી જવા પામતો હતો.પરંતુ ફેબ્રુઆરી માસના પ્રારંભની સાથે જ નેત્રંગ તાલુકામાં ગરમીના પ્રમાણમાં દિવસેને દિવસે વધારો થતાં તેની વિપરીત અસર જનજીવન ઉપર પડી રહી છે.જેમાં મુખ્યત્વે ગરમીના પ્રમાણમાં વધારો થતાં બલડેવા,પિંગોટ અને ધોલી ડેમની પાણીની સપાટીમાં નિત્યક્રમ ૪-૫ સેમી જેટલો ઘટાડો થઈ રહ્યાનું જાણવા મળ્યું છે.જેમાં હાલના સમયમાં બલડેવા ૧૪૦.૯૫ મીટર,ધોલી ૧૩૪.૫૩ મીટર અને પિંગોટ ૧૩૮.૬૦ મીટર જેટલું પાણીની સપાટી છે.બલડવા,પિંગોટ અને ધોલી ડેમમાંથી ખેડુતોને સિંચાઈ માટે સિંચાઈ વિભાગ દ્વારા પાણી આપવામાં આવે છે.જેમાં પાણીના સ્તરમાં થઈ રહેલા ઘરખમ ઘટાડાના પગલે આગામી મે માસના સુધી જ ખેડુતોને સિંચાઈ માટે પાણી મળી રહેવાની શક્યતાઓ જણાઈ રહી છે.જેની વિપરીત અસર ૪૬૦૦ હેક્ટર જમીનને પડવાથી શેરડી,કેળ,પપૈયા જેવા પાકો સહિત ખેતીમાં ભારે નુકસાન થવાનું લાગી રહ્યું છે.