Western Times News

Gujarati News

અમદાવાદ મેયરના મત વિસ્તારમાં જ પારાવાર ગંદકી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચરાના નિકાલ માટે કરોડો રૂપિયા ખર્ચ કરી રહયું છે. તથા નાગરીકો પાસેથી કચરા એકત્રીકરણ માટે દૈનિક રૂ.એકનો ચાર્જ પણ વસુલ કરે છે. પરંતુ કચરા એકત્રીકરણ માટે કોન્ટ્રાકટરોની ગાડીઓ નિયમીત જતી નથી તે મતલબની ફરીયાદ નાગરીકો દ્વારા કરવામાં આવે તો તેની તરફ ધ્યાન આપવામાં ન આવે તે બાબત સમજી શકાય તેમ છે. પરંતુ શહેરના પ્રથમ નાગરીકના વોર્ડમાં ડોર ટુ ડમ્પની સેવા કથળી ગઈ છે.

તથા પારાવાર ગંદકી થાય છે તેવી ફરીયાદો પ્રત્યે પણ વહીવટીતંત્ર દ્વારા ધ્યાન આપવામાં ન આવે તે બાબત કોનું કદ વધારે છે કે કોનું કદ ઓછું કરે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. કેન્દ્ર સરકાર ના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમદાવાદને અગ્રીમ ક્રમાંક મળે તે માટે મનપા દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. તથા મ્યુનિ. હોદેદારો પણ સ્વચ્છતા મામલે શહેરભરમાં પ્રવચનો આપે છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે શહેરને સ્વચ્છ કરવા દોડી રહેલા મેયર તેમના ઘરને જ સ્વચ્છ નથી કરી રહયા.

મેયરના મતવિસ્તાર પાલડી વોર્ડમાં ડોર ટુ ડમ્પની ગાડીઓ આંતરે દિવસે કચરો એકત્રીત કરવા જાય છે. તથા ઘણી વખત ત્રણ-ચાર દિવસ પણ થઈ જાય છે.  આ મતલબની ફરીયાદ મેયરના મતદારોની સાથે-સાથે તેમના સાથી કાઉન્સીલર પણ કરી રહયા છે.

મ્યુનિ. હેલ્થ કમીટીની છેલ્લી બે મીટીગ દરમ્યાન કમીટી સભ્ય અને મેયરના સાથી કોર્પોરેટરો ડો.સુજય મહેતાએ ડોર ટુ ડમ્પની કથળતી જતી સેવા અંગે રજુઆત કરી હતી.

તથા તેમના મતવિસ્તાર પાલડી વોર્ડમાં ડોર ટુ ડમ્પ ગાડી આંતરે દિવસે જ કચરો લેવા માટે આવે છે.  કમીટીમાં બે થી ત્રણ વખત રજુઆત કરવા છતાં ડોર ટુ ડમ્પની સેવામાં સુધારો થયો નથી. પાલડી વિસ્તારમાં નવા અર્બન હેલ્થ સેન્ટર માટે પણ તેમણે માંગણી કરી હતી. હાલ પાલડી વોર્ડમાં ફતેહપુરા પાસે અર્બન હેલ્થ સેન્ટર છે. પરંતુ પાલડીના સ્થાનીક નાગરીકો માટે અલગથી અર્બન સેન્ટર બનાવવામાં આવે તેવી માંગણી પણ તેમણે કરી હોવાનું કમીટી સુત્રોએ જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે પાલડી વોર્ડમાં ભૂતકાળમાં પણ ગંદકી અને કચરાપેટી મામલે સમસ્યા થઈ હતી. પાલડીગામમાં કચરાપેટી મુકવામાં આવતા નાગરીકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હોવાની ચર્ચા પણ તે સમયે ચાલી હતી.

પાલડી વોર્ડમાં રોડ સફાઈના સ્તરમાં પણ સુધારો થયો નથી. તદ્‌ઉપરાંત રોડ-ફુટપાથો પરના દબાણ વધી રહયા હોવાની વ્યાપક ફરીયાદો જાવા મળે છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ વોર્ડના કોર્પોરેટર ને ઉચ્ચ હોદ્દો મળે તે આવકાર્ય છે. પરંતુ તેનો લાભ વોર્ડના નાગરીકોને પણ મળવો જાઈએ. વાસણા વોર્ડના કોર્પોરેટર અમિતભાઈ શાહ મેયર હતા તે સમયે અને હાલ પક્ષ નેતા છે.

ત્યારે પણ વોર્ડમાં સતત વિકાસલક્ષી કામો થતા રહયા છે. જેની સામે પાલડી વોર્ડમાં વિકાસ તો ઠીક, પ્રાથમિક સુવિધા ના કામો પણ થતા નથી. તેવો આક્રોશ સ્થાનિક નાગરીકોએ વ્યકત કરી રહયા છે ! latest news from gujarat


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.