SVP હોસ્પીટલનું માસિક વીજબીલ રૂ.૮૬ લાખ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે એસવીપી હોસ્પીટલ “સફેદ હાથી” સાબિત થઈ રહી છે. રાજય સરકારે ગ્રાન્ટ આપી હોવાથી હોસ્પીટલ બનાવવી જ પડે તેવી વિચારસરણી ધરાવતા મહાનુભવો તંત્રની તિજારી ખાલી કરી રહયા છે ! સરકારની ગ્રાન્ટ અને મેટ સંચાલિત એસવીપી હોસ્પીટલનું આર્થિક ભારણ મનપાની તિજારી પર આવી રહયું છે.
હોસ્પીટલ કાર્યરત થઈ તે પહેલા દર મહીને રૂ.ત્રણ કરોડ મેઈન્ટેનસ ખર્ચ થશે તેવા દાવા થઈ રહયા હતા. પરંતુ માંડ દસ ટકા કાર્યરત થયેલ હોસ્પીટલમાં જ દર મહીને એક કરોડ કરતા પણ વધુ નિભાવ ખર્ચ થઈ રહયો છે. જયારે ચોકાવનારી બાબત એ છે કે એસવીપીનું લોકાર્પણ થયા બાદ વી.એસ.બોર્ડની મીટીંગ માત્ર એક જ વખત મળી છે.
શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલના કેમ્પસમાં બહુમાળી મલ્ટીસ્પેશીયાલીટી એસવીપી હોસ્પીટલ મનપાને મોઘી પડી રહી છે. વી.એસ.ને નામશેષ કરવા અને ચુંટણી સમયે પ્રજાની વાહ-વાહ મેળવવાના આશયથી ઉતાવળે લોકાર્પણ કરવામાં આવેલ એસવીપીમાં સેવાના નામે શૂન્ય બરાબર છે.
તેમ છતાં તેના નિભાવ ખર્ચ પાછળ દર મહીને કરોડો રૂપિયા ખર્ચ થઈ રહયા છે. એસવીપી હોસ્પીટલમાં ત્રણ કે ચાર માળ સુધીનું જ કામ પૂર્ણ થયું છે. તથા ૩૦૦ બેડની સુવિધા છે. જેમાં વી.એસ.માંથી આયાત કરવામાં આવેલ તબીબો ફરજ બજાવી રહયા છે.
જેને મ્યુનિ. કમીશ્નર “મેટ” ના તબીબ માની રહયા છે. એસવીપી હોસ્પીટલનું લોકાર્પણ કરવામાં આવ્યું તે સમયથી જ વહીવટી કામનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. ખાનગી સંસ્થાના કર્મચારીઓ ઓફીસ સમય મુજબ જ કામ કરી રહયા છે.
તેથી સાંજે ૬ વાગ્યા બાદ નવા કેસ લેવામાં આવતા ન હતા. તથા ઈમરજન્સી સેવા પણ બંધ હતી. આ બંનેસેવા થોડા સમય પહેલા જ શરૂ કરવામાં આવી છે. પરંતુ ઈમરજન્સી સેવામાં માત્ર “પાટાપીંડી” જ થઈ રહયા છે. આમ સામાન્ય રીતે એસવીપી હોસ્પીટલ સવારે દસ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી સંપૂર્ણપણે કાર્યરત હોય છે. જેમાં ૩૦૦ બેડ અને ત્રણ માળનો જ સમાવેશ થાય છે.
તેમ છતાં તેના માસિક લાઈટ બીલની રકમ રૂ.એક કરોડ સુધી પહોચી ગઈ છે. એસવીપીના આંતરિક સુત્રોએ જણાવ્યા મુજબ મે મહીનાના ઈલેકટ્રીક બીલ ની રકમ રૂ.૮૬ લાખ છે. હોસ્પીટલનું લોકાર્પણ કરવામાં આવ્યું તે સમયથી મે મહીના સુધી ઈલેકટ્રીક બીલની કુલ રકમ રૂ.ચાર કરોડને આંબી ગઈ છે.
સદ્દર બીલ મેટ દ્વારા ભરવામાં આવે છે. પરંતુ વર્ષોન્તે મનપા તરફથી ગ્રાન્ટ કે લોન સ્વરૂપે સહાય આપીને સરભર કરવામાં આવે છે. એસવીપી હોસ્પીટલ રાજય સરકારની ગ્રાન્ટમાંથી તૈયાર કરવામાં આવી છે તેવા દાવા થઈ રહયા છે. પરંતુ છેલ્લા સાત-આઠ મહીના દરમ્યાન સ્ટેન્ડીંગ કમીટી દ્વારા સાધનોની ખરીદી કે અન્ય કામો અંદાજે રૂ.પ૦ કરોડના કામ મંજૂર કરવામાં આવ્યા છે.
એસવીપી હોસ્પીટલ “મેટ” નું અભિન્ન અંગ હોય તો પછી મ્યુનિ. કોર્પોરેશન શા માટે રૂપિયા ખર્ચ કરે છે ? તેમજ કમીટીમાં પણ દરખાસ્તો શા માટે મંજૂર કરવામાં આવે છે. તે પક્ષ પ્રશ્ન છે. એસવીપી હોસ્પીટલ બનાવવા માટેની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ રજુ કરવામાં આવી ન હતી. તથા સ્ટે.કમીટી ની મંજૂરી લેવામાં આવી ન હતી.
તો પછી ૮૦ ટકા કામ પૂર્ણ થયા બાદ સ્ટેન્ડીંગ કમીટીની મંજૂરી શા માટે લેવામાં આવી રહી છે ! મેટ સંચાલિત એસવીપી હોસ્પીટલમાં કોર્પોરેશનનું પણ “ફંડીગ” છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે એસવીપીનું લોકાર્પણ થયા બાદ વી.એસ. બોર્ડની માલિક મીટીગ મળી નથી. બોર્ડના એક સભ્યએ જણાવ્યા મુજબ બજેટ મીંટીગ બાદ બોર્ડ મીટીંગ થઈ નથી. તે આશ્ચર્યજનક બાબત છે. વી.એસ.માંથી બેડની સંખ્યાઓ અને સારવારના વિભાગો ઓછા કરવામાં આવ્યા બાદ ચૂંટાયેલી પાંખ પાસે કોઈ કામ પણ રહયું નથી.
એસવીપી અને વી.એસ.મામલે શુ રૂંધાય છે તે પણ સમજવું મુશ્કેલ છે. વી.એસ. બોર્ડની મીટીંગમાં તબીબો ને એસવીપીમાં લઈ જવા મામલે ટ્રસ્ટીઓ દ્વારા પ્રશ્ન પુછવામાં આવે કે હોબાળો કરવામાં આવે તેવા ડરથી પણ બોર્ડ અધ્યક્ષ મીટીંગ બોલાવતા નહી હોય તેમ પણ માનવામાં આવી રહયું છે.
મ્યુનિ.કોગ્રેસ પક્ષના પૂર્વનેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એસવીપી હોસ્પીટલ સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ તેનો નિભાવ ખર્ચ રૂ.૩૦૦ કરોડ થાય તેવો અંદાજ છે. મ્યુનિ. કોર્પોરેશન પર તેનું ભારણ આવશે જયારે એનએસએલ કોલેજનો મેટમાં સમાવેશ કરી તે તેની તમામ આવક “મેટ” માં જવાની છે
તે બાબત નિશ્ચિત છે.
તેથી એસવીપીના નિભાવથી ૧૦૦ ટકા જવાબદારી પણ “મેટ”ને જ આપવી જાઈએ. મ્યુનિ.શાસકો એસવીપી હોસ્પીટલ કોઈ કોર્પોરેટ કંપની ને ચલાવવા આપે તેવી શકયતા પણ નકારી શકાય નથી. જા ખાનગી કંપનીને એસવીપી આપવામાં આવશે તો તેને પ્રજા દ્રોહ ગણવામાં આવશે.
કારણકે એસવીપી ચલાવવા માટે વી.એસ.ને ખંડેર બનાવવામાં આવી છે. ગરીબ-મધ્યમવર્ગના નાગરીકો ને રાહત દરે મળતી સારવાર સદંતર બંધ કરવામાં આવી છે. તથા દર્દીઓને એસવીપીમાં મોકલવામાં આવી રહયા છે.
ખાનગી સંસ્થાના હાથમાં એસવીપી જશે પછી તેમાં પણ સારવાર મોઘી થઈ જશે. વી.એસ. હોસ્પીટલને નામશેષ કર્યા બાદ મીટીંગ બોલાવવાની નૈતિક હીંમત વી.એસ.ના અધ્યક્ષમાં રહી નથી.
અન્યથા આચારસંહીતામાં પણ મીટીંગ તો બોલાવી શકાય છે. પરંતુ પ્રજાની સવલત છીનવી લીધા બાદ બોર્ડના અધ્યક્ષ તેમના જ સભ્યો ને જવાબ આપવા તૈયાર નથી. વી.એસ.બોર્ડ અધ્યક્ષે હોસ્પીટલ મુદ્દે શ્વેતપત્ર જાહેર કરવો જાઈએ તથા નાગરીકોને સત્ય હકીકતથી વાકેફ કરવા જાઈએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.