“શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત” અંતર્ગત શિવ સંદેશ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) ગોધરા, આગામી મહાશિવરાત્રીના પુનિત પર્વ નિમિત્તે બ્રહ્મા કુમારીઝ, ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા શિવ સંદેશ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત ગોધરાના અલગ અલગ સ્થળો પર તા.૧૭ સુધી શિવ સંદેશ સ્નેહમિલન કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ગત રોજ તા.૧૪ ફેબ્રુઆરીના રોજ સાંજે ૬ કલાકે કોમન પ્લોટ, આનંદ નગર, આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની આગળ,જાફરાબાદ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહેતા સ્કૂલના આચાર્ય દક્ષેશભાઈ શાહ,જલારામ આયુર્વેદિક અને હોમિયોપેથીક કોલેજના ટ્રસ્ટી પી.એમ.પટેલ, ટ્રસ્ટી નવનીતભાઈ તનેજા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહીને શિવસંદેશનો લાભ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત બ્રહ્મા કુમારીઝ સંસ્થાનો પરિચય આપતા શૈલેષભાઈ દ્વારા કરાઈ હતી તથા આભારવિધિ કુ.કલ્પનાબેન પટેલ દ્વારા રજૂ કરાઈ હતી.
આ સાથે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મકાઈ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક કનુભાઈ દ્વારા કરાયું હતું.આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દેહના શૃંગાર માટે અનેક બ્યુટીપાર્લરો બન્યા છે જ્યારે આત્માના શૃંગાર માટે આ સંસ્થામાં વિનામૂલ્યે જ્ઞાન આપવામાં આવે છે જેનો લાભ લેવા અનુરોધ કરાયો હતો. મહાશિવરાત્રિનું આધ્યાત્મિક રહસ્ય સમજાવતા બ્ર.કુ. ઇલાબેને કહ્યું હતું કે શિવ અને શંકર એક નથી,અલગ છે તથા ઉપવાસ,જાગરણ,નંદી,કાચબો વગેરેના મહત્વ વિશે સાચી સમજ આપી હતી.
બ્રહ્મા કુમારીઝ સંસ્થાના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના મુખ્ય સંચાલિકા બ્ર.કુ. સુરેખાદીદીએ શિવરાત્રીનો શિવ સંદેશ અને આશીર્વચન આપતા જણાવ્યું કે આ કળી કાળનો અંત છે અને ભગવાનનું અવતરણ થઈ ચૂક્યું છે ત્યારે તેમને ઓળખી પ્રભુ પિતા સાથે સબંધ બાંધવા અને સ્વ પરિવર્તનથી વિશ્વ પરીવર્તન કરવા અનુરોધ કર્યો હતો.