Palanpur BJP કાર્યાલય ખાતે નવીન જીલ્લા પ્રમુખે કાર્યભાર સંભાળ્યો
(પ્રતિનિધિ) પાલનપુર, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નો ચાર્જ કાંકરેના પૂર્વ ધારાસભ્યશ્રીને સોંપવામાં આવતા મંગળવારે પ્રમુખ તરીકેનો ચાર્જ વિધિવત સંભાળતા ભાજપના સમર્થકો અને હોદ્દેદારો અને કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
ભાજપના અધ્યક્ષશ્રી સી .આર પાટીલ દ્વારા સોમવારે કમલમ ખાતે બેઠક યોજાઈ હતી જેમાં ચાર જિલ્લાનું માળખું બદલવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પૂર્વ રાજ્યમંત્રીશ્રી અને પૂર્વ ધારાસભ્યશ્રી કિર્તીસિંહ વાઘેલાને નવા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેના પગલે મંગળવારે વહેલી સવારે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કિર્તિસિંહ વાઘેલાએ ભાજપ કાર્યાલય ખાતે આવી વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.
જેના પગલે સમર્થકોએ ફટાકડા ફોડી આતશબાજી કરી શ્રી કિર્તીસિંહ વાઘેલાને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી વધાવી લીધા હતા .જ્યારે આ અંગે શ્રી કિર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પાર્ટીએ સોંપેલી જવાબદારી હું નિષ્ઠાપૂર્વક બજાવીશ તેમજ પાર્ટીની જવાબદારીના ભાગરૂપે હું પ્રમુખ છું, પરંતુ મારે મન તમે બધા જ પ્રમુખ છો એવી વાત કરી આગામી સમયમાં આવતી જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વધુમાં વધુ બેઠકો કબજે કરશે તે દિશામાં તેમજ સંગઠન વધુ મજબૂત બને તે દિશામાં કામ કરવાની ખાતરી આપી હતી.