ભરૂચના નિવૃત્ત અધિકારીના આમરણાંત ઉપવાસ આંદોલનમાં વિપક્ષ જોડાયા
પાલિકા વિપક્ષના સભ્યો રજૂઆત કરવા જતા તૂ તૂ મેં મેં.
ભરૂચ: ભરૂચ શહેરની વિવિધ સમસ્યાઓને લઈને આમરણાંત ઉપવાસ પર બેઠેલા નિવૃત્ત અધિકારીની સમર્થનમાં તેમના ધર્મ પત્નીએ પણ ઉપવાસની શરૂઆત કરી છે.તો પાલિકા વિપક્ષ પણ આ મુદ્દે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસરને રજૂઆત કરવા જતા તૂ તૂ મેં મેં થઈ હતી.
ભરૂચના પાંચબત્તી ખાતે નિવૃત્ત સરકારી અધિકારી બિપીનચંદ્ર જગદીશવાલા તારીખ ૨૦ મી નવેમ્બર થી રસ્તા, લાઈટ, સફાઈ પાણી વિગેરે જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નગરપાલિકા સત્તાધીશો સામે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. પરંતુ આમ છતાં કોઈ સમાધાન ન થતા તેઓના સમર્થન માં તેમના ધર્મ પત્ની વિલાસબેન પણ આજથી ઉપવાસ પર ઉતરતા તંત્ર માં દોડધામ થઈ છે.
બીજી બાજુ આમરણાંત ઉપવાસ આંદોલનના સમર્થન માં ભરૂચ નગર પાલિકા વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠીવાલા અને અન્ય વિપક્ષી સભ્યો પહોંચ્યા હતા.આ બાબતે ભરૂચ નગર પાલિકા કચેરી ખાતે પ્રમુખ સુરભીબેન તમાકુવાલા અને ચીફ ઓફિસર સંજય સોની સમક્ષ રજૂઆત કરવા જતા તૂ તૂ મેં મેં થતા મામલો ગરમાયો હતો.પાલિકા વિપક્ષ ના નેતા સમશાદઅલી સૈયદે પ્રાથમિક સુવિધા ના મુદ્દે સિનિયર સીટીઝન ના આમરણાંત ઉપવાસ માં સામેલ થવાની ચીમકી આપી હતી.
તો બીજી તરફ ભરૂચ નગર પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ ઉપવાસી સિનિયર સીટીઝન સાથે તેઓ ના તમામ મુદ્દે સમાધાન માટે ના પ્રયાસો કરાયા હોવાનું અને ચૂંટણી આગામી દિવસો માં આવી રહી હોય કોંગ્રેસ દ્વારા ક્રેડિટ લેવા માટે આવું કરાઈ રહ્યુ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ભરૂચ ના સિનિયર સીટીઝન ના આમરણાંત ઉપવાસ નું આંદોલન હવે રાજકીય રંગ પકડી રહ્યું હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે આ મુદ્દે સમાધાન ક્યારે થાય છે તે જોવુ રહ્યુ.