Western Times News

Gujarati News

10 વંદે ભારત ટ્રેનની સેવાઓ 17 રાજ્યોના 108 જિલ્લાઓ સાથે જોડાયેલી છે

vande bharat train

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો મુસાફરોમાં ત્વરિત હિટ બની ગઈ છે -આ ટ્રેનની લોકપ્રિયતા આકાશને આંબી રહી છે -વંદે ભારત એક્સપ્રેસને મુસાફરો તરફથી મળ્યો જંગી ‘ થમ્સ  અપ’

ભારતીય રેલવે એ દેશના બહુઆયામી વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. આરામદાયક અને ઉન્નત રેલ મુસાફરીના અનુભવના એક નવા યુગની શરૂઆત કરીને, નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો રેલ પરિવહનમાં ભારતની વધતી શક્તિનો નવો ચહેરો બની છે.

આ આધુનિક સેમી  હાઇ સ્પીડ ટ્રેન  મુસાફરોને એક  સુખદ મુસાફરીનો અનુભવ પ્રદાન કરતી વખતે બહેતર ડિઝાઇન, આંતરિક અને ઝડપના પરિમાણો પર ભારતીય રેલ્વે માટે એક મોટી છલાંગ છે. આ ટ્રેન ‘આત્મનિર્ભર ભારત’નું મહાન પ્રતીક અને ઉદાહરણ છે.
પશ્ચિમ રેલવે ના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, ફેબ્રુઆરી 2019 માં તેની શરૂઆત થઈ ત્યારથી, 10 વંદે ભારત ટ્રેનો હાલમાં 17 રાજ્યોના 108 જિલ્લાઓને જોડતી અત્યંત લોકપ્રિય સેવા તરીકે ચાલી રહી છે.

મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ એ દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે.આ ટ્રેન 30 સપ્ટેમ્બર, 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે મુંબઈ અને ગુજરાત રાજ્યની રાજધાની ઓ ને બોરીવલી, વાપી, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતેના હોલ્ટ્સ સાથે જોડે છે અને રસ્તામાં સાત જિલ્લાઓ ને આવરી લે છે.

130% ની એવરેજ ઓક્યુપન્સી સાથે, ટ્રેન મુસાફરોમાં ત્વરિત હિટ બની ગઈ છે. અન્ય વંદે ભારત ટ્રેનો નવી દિલ્હી-વારાણસી, નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા, નવી દિલ્હી-અંબ અંદૌરા, ચેન્નાઈ સેન્ટ્રલ-મૈસુર, નાગપુર-બિલાસપુર, હાવડા- ન્યૂ જલપાઈગુડી, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ, છત્રપતિ શિવાજી ટર્મિનસ-સોલાપુર અને છત્રપતિ શિવાજી  ટર્મિનસ – શિરડી વચ્ચે ચાલી રહી છે.

આ અંગે વધુ વિગતો આપતાં શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસ અસંખ્ય શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરે છે જે મુસાફરોને હવાઈ મુસાફરીનો અનુભવ અને અદ્યતન અત્યાધુનિક સલામતી પ્રણાલી/સિસ્ટમ પ્રદાન કરે છે. તેને 160 કિમી પ્રતિ કલાકની ઓપરેટિંગ સ્પીડ માટે ટ્રેક્શન મોટર્સ સાથે સંપૂર્ણ સસ્પેન્ડેડ બોગી સાથે બનાવવામાં આવી છે.

ઉન્નત  અદ્યતન સસ્પેન્શન સિસ્ટમ મુસાફરો માટે સરળ, સલામત મુસાફરી અને સરળ આરામની ખાતરી આપે છે. ટ્રેનના તમામ વર્ગોમાં આરામવાળી બેઠકો છે, જ્યારે એક્ઝિક્યુટિવ કોચમાં 180° સ્વીવેલ બેઠકોની વધારાની સુવિધા છે. દરેક કોચ 32” સ્ક્રીનોથી સજ્જ છે જે મુસાફરોની માહિતી અને ઇન્ફોટેનમેન્ટ પ્રદાન કરે છે.

વિકલાંગો ને અનુકૂળ શૌચાલય અને બ્રેઇલ અક્ષરોમાં સીટ નંબર સાથે સીટ હેન્ડલ પણ પ્રદાન કરવામાં આવ્યા છે.વંદે ભારત એક્સપ્રેસમાં કેટલાક અદ્યતન સુરક્ષા પગલાં પણ સામેલ છે. આ ટ્રેન સ્વદેશી રીતે વિકસિત ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ – કવચથી સજ્જ છે.

આ ટેક્નોલોજીને મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે જેના કારણે તેની કિંમત ઘણી ઓછી છે.આ ટ્રેનમાં કોચની બહાર ચાર પ્લેટફોર્મ સાઈડ કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેમાં પાછળના વ્યુ કેમેરાનો પણ સમાવેશ થાય છે.

આ ટ્રેન પાવર કાર વિના અને અદ્યતન રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ સાથે લગભગ 30% વીજળીની બચત કરીને ભારતીય રેલવે ના ગ્રીન ફૂટપ્રિન્ટને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

શ્રી ઠાકુરે વધુમાં માહિતી આપી હતી કે પશુઓ પાટા પર ઉતરી આવતા  બનાવોને રોકવા માટે, પશ્ચિમ રેલવે એ મુંબઈ-અમદાવાદ રૂટ પર મેટલ બીમ ફેન્સીંગનું કામ શરૂ કર્યું છે.મેટલ બેરિયર ફેન્સીંગ મુંબઈથી અમદાવાદ વચ્ચે આશરે 622 કિમીની લંબાઇને આવરી લેશે અને અંદાજે રૂ. 245.26 કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવશે.

આ માટે તમામ 8 ટેન્ડરો આપી દેવામાં આવ્યા છે અને કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ કામ મે, 2023ના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.વંદે ભારત એક્સપ્રેસ એ એક નવા યુગની ટ્રેન છે જે ભારતમાં મુસાફરોની મુસાફરીને ફરીથી વ્યાખ્યાયિત કરી રહી છે. આ ટ્રેન દેશના મોટા ભાગના નાના અને મોટા શહેરો ને જોડવા માટે તૈયાર છે.

વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા’ના વિઝનને અનુરૂપ, આ ટ્રેનો આપણા દેશમાં સ્વદેશી રીતે બનાવવામાં આવી રહી છે. હાલમાં આ વંદે ભારત ટ્રેનો ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નઈ માં બનાવવામાં આવી રહી છે. હવે આ કોચના ઉત્પાદનને ઝડપી બનાવવા માટે, આ ટ્રેનોનું ઉત્પાદન ટૂંક સમયમાં મહારાષ્ટ્રના લાતુર, ઉત્તર પ્રદેશના રાયબરેલી અને હરિયાણાના સોનીપતમાં શરૂ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.