પાર્કિંગ વિવાદમાં ૫૦થી વધુ રાઉન્ડ ફાયરિંગ : બેનાં મોત
પટના, પટનાના ફતુહાના નદી પોલીસ સ્ટેશનના જેઠુલી ગામમાં રવિવારે પાર્કિંગ વિવાદમાં બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનામાં થયેલા ફાયરિંગમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે પીએમસીએચ, એનએમસીએચમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બે લોકોના મોત થઈ ગયા હતા. બંને પક્ષો તરફથી ૫૦થી વધુ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. મોતના સમાચાર મળતાં જ ગામલોકો ગુસ્સે થઈ ગયા અને ઉમેશ રાયના ઘર, લગ્નમંડપ અને એક કારને આગ ચાંપી દીધી હતી.
ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ, ફાયર બ્રિગેડ અને વિવિધ પોલીસ સ્ટેશનના આરએએફના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. અત્યાર સુધી પોલીસે આ કેસમાં આરોપી સતીશ કુમાર, બલદેવ સિંહ, વિજય કુમાર, રાહુલ કુમાર, સુનીલ કુમાર, આર્યન કુમાર અને અમન રાજની ધરપકડ કરી છે.
સાથે જ ફરાર આરોપીઓની શોધમાં દરોડા પણ ચાલુ છે. એસએસપી માનવજીત ધિલ્લોને જણાવ્યું હતું કે, ઉમેશ રાય અને બિટ્ટુ કુમાર વચ્ચે છેલ્લી પંચાયત ચૂંટણીમાં ઉમેદવારી અંગે પરસ્પર સમજૂતી થઈ હતી પરંતુ રાજકીય કારણોસર બાદમાં સમજૂતી ટકી શકી ન હતી અને બંને પક્ષો વચ્ચે લડાઈ શરૂ થઈ હતી. રવિવારે બપોરે બિટ્ટુ કુમાર અને ઉમેશ રાય તેમના ભાઈ બચા રાય સાથે ગંગા ઘાટના કિનારે ટ્રેક્ટર પાર્કિંગ અંગે ગાળાગાળી કરવા લાગ્યા હતા. અને મામલો વધુ વણસી ગયો. આ દરમિયાન ઉમેશ રાયના માણસો સશસ્ત્ર આવ્યા અને બિટ્ટુ બાજુના લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા.
ગોળી લાગવાથી ગૌતમ કુમાર, રોશન કુમારની સાથે મુનારિક રાય, નાગેન્દ્ર રાય અને ચનારિક રાય ઘાયલ થયા હતા. બાદમાં ગૌતમ અને રોશનનું સારવાર દરમિયાન મોત થઈ ગયુ હતું. ભારે પોલીસ દળ સામે આક્રોશિત ગ્રામીણોએ ઉમેશ રાયના મેરેજ હોલમાં ઉભેલી કાર ઉપરાંત અન્ય વાહનો સહિત મેરેજ હોલના આગ ચાંપી દીધી હતી. આનાથી પણ લોકોનું મન ન ભરાયુ તો લોકોએ ઉમેશ રાયના ઘરમાં પણ આગ ચાંપી દીધી હતી.SS2.PG