SBI દ્વારા નરોલી પંચાયતમાં લોન મેળો યોજાયો
(પ્રતિનિધિ) સેલવાસ, દાદરા નગર હવેલીના નરોલી ગ્રામ પંચાયત ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના અધિકારીઓ દ્વારા કેમ્પ લગાવી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ભારત સરકારની વિવિધ યોજના જેવી કે મુદ્રા યોજના સ્ટેન્ડ અપ યોજના, ફ્રી ફાયનાન્સ કાર યોજના અંતર્ગત લોન મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં ૧૬૪ જેટલી અરજીઓ આવી હતી જેમાંથી ૪૬ અરજીઓ સ્વીકારવામાં આવી હતી અને અંદાજીત ૩ કરોડ ૭ લાખ રૂપિયાની લોન આપવામાં આવી હતી અને બાકીના અરજદારોને એક બે દિવસમાં કાર્યવાહી કરી લોનની સ્વીકૃતિ આપવામાં આવશે.
આ કેમ્પમાં બેંક અધિકારીઓએ સાઈબર ફ્રોડ, મ્યુચ્યુઅલ ફંડ, ઈન્શ્યોરન્સ અંગે પણ લાભાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી. આ અવસરે નરોલી પંચાયતના સરપંચ લીનાબેન પટેલ, પંચાયત સભ્ય શ્રી યોગેશસિંહ સોલંકી, જુલી સોલંકી, પંચાયતના સભ્યો, એસબીઆઈ બેન્કના અધિકારી કર્મચારી સહિત નરોલી ગામના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.