વાપી ખાતે ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સેમિનાર યોજાયો
વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ મા-ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે માર્ચ-૨૦૧૯માં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં શાળાનું ૩૦ ટકા કે તેથી ઓછું પરિણામ આવ્યું હોય તેવી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પરિણામ સુધારણાના હેતુથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે માટે મેરીલ એકેડમી-વાપી ખાતે બેદિવસીય શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં મનોવૈજ્ઞાનિક રમતો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, મોટીવેશન સેશન સહિત વિજ્ઞાન પ્રવાહના મુખ્ય વિષયોનું તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ ૨૦૨૦માં લેવાનારી બોર્ડની જાહેર પરીક્ષામાં વિદ્યાર્થીઓ તણાવમુક્ત તેમજ હકારાત્મક વલણ સાથે કારકિર્દીની સીમાચિહનરૂપ જવલંત સફળતા પ્રાપ્ત કરે તેમજ શાળાઓના પરિણામ સુધારણા જેવા ઉમદા હેતુસર આ સેમિનારનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું.
આ સેમિનારમાં શિક્ષણ નિરીક્ષક રાજેશ્રી એલ.ટંડેલ, વાપીના સીઇઓ અમિત મહેતા સહિત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા.