રજલવાડા ગામે ભાષા મેળો યોજાયો
(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર,જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ તથા પ્રાથમિક શાળા રજલવાડાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ભાષા મેળો ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું ઉદઘાટન નાયબ શિક્ષણ નિયામક કે.એન.ઉનડકટ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમમાં અતિથિ વક્તા તરીકે ડી.એસ ભાભોર,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.જે વટાણાવાળા અને મુખ્ય વક્તા તરીકે ભરૂચ જિલ્લાના સાહિત્યકાર દર્શનાબેન વ્યાસ દ્વારા માતૃભાષા સંવર્ધન તેના વ્યાપ વિસ્તાર અને માતૃભાષા વિશે આપણા કર્તવ્ય વિશે માર્ગદર્શન વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં ભાલોદની બાળાઓ દ્વારા પ્રાર્થના ગીત,રજલવાડા શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત,ગરબો તથા ગુજરાતનું ગૌરવ ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના સાંપ્રત સાહિત્યકાર જે.સી વ્યાસ, કે.કે રોહિત,ભગુભાઈ ભીમડા,કવિ જતીન “અભિગમ”, પંકજભાઈ,ભદ્રેશભાઈ,રામીબેન ઝાલા,હેતલબેન ચૌધરી જેવા સાહિત્યકારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બચુભાઈ વસાવા,તાલુકા શિક્ષક સંધના પ્રમુખ ઈશ્વરભાઈ વસાવા તથા મહામંત્રી અતિન્દ્રસિંહ ગોહિલ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત થયા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે ગુજરાતી કાવ્ય ગાન, હિન્દી કાવ્ય ગાન, સંસ્કૃત કાવ્ય ગાન, સમુહગાન, ભાષા ક્વિઝ,કાવ્યલેખન,વકૃત્વ જેવી સાત સ્પર્ધાઓ આયોજિત થઈ હતી.શિક્ષકો માટે છંદોગાન,કાવ્યલેખન સ્પર્ધા યોજવામાં આવી હતી, સમગ્ર કાર્યક્રમ લોક ભાગીદારીથી આયોજિત થયેલો હતો.