ફલેટ ખરીદતાં પહેલાં ચેતી જજોઃ બિલ્ડરે 7 માળનું રહેઠાણ ગેરકાયદેસર બાંધ્યું
જુહાપુરામાં ગેરકાયદેસર ઉભી કરાયેલી સાત માળની ઈમારત તોડી પડાઈ-બિલ્ડરે સાત માળનું આખું બિલ્ડીંગ ગેરકાયદેસર બાંધી દીધું
અમદાવાદ, અમદાવાદમાં બિલાડીના ટોપની જેમ ગેરકાયદેસર બાંધકામ ફૂટી નિકળ્યા છે. ગેરકાયદેસર બાંધકામો પર નિરંકુશ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
આ કાર્યવાહીના ભાગરૂપે શહેરના જુહાપુરા વિસ્તારમાં એગ્રીકલ્ચર ઝોનમાં બનાવેલી સાત માળની રેસિડેન્સિયલ બિલ્ડિંગ તોડી પડાઈ છે. એએમસીની કાર્યવાહી સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. The builder constructed the entire seven-storey building illegally
શહેરના જુહાપુરા વિસ્તારમાં સવેરા હોટલની પાછળ ફતેવાડી કેનાલની નજીક નોન ટીપી વિસ્તાર અને એગ્રીકલ્ચર ઝોનમાં સાત માળનું ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બાંધકામને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
સવારે સરખેજ પોલીસના બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગની ટીમે આ ગેરકાયદેસર બાંધકામ તોડવાની શરૂઆત કરવામાં આવી હતી. નોન ટીપી વિસ્તારમાં બનાવેલા ગેરકાયદેસર બાંધકામમાં કેટલાક લોકો તો રહેવા પણ આવી ગયા હતા. પોલીસ દ્વારા આ તમામ લોકોને મકાન ખાલી કરાવી અને કોર્પોરેશનની ટીમે બુલડોઝલથી તોડવાની કામગીરી શરૂ કરી હતી.
આ ઉપરાંત જુહાપુરામાં બે માળનું બનેલું ગેરકાયદેસર આખું કોમ્પ્લેક્સ પણ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના જણાવ્યા મુજબ, આજે સવારે જુહાપુરા વિસ્તારમાં ફતેવાડી કેનાલ નજીક જે નોન ટીપી વિસ્તાર છે અને હજી એગ્રીકલ્ચર ઝોન છે ત્યાં સાત માળનું રહેણાંક બિલ્ડીંગ ઊભું કરી દેવામાં આવ્યું હતું.
ગેરકાયદેસર રીતે સાત માળનું આ રહેણાંક મકાન ઊભું કરી અને તેમાં કેટલાક લોકો પણ રહેવા આવી ગયા હતા. જેથી એસ્ટેટ વિભાગ દ્વારા તેઓને નોટિસ આપી અને ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. છતાં પણ તેઓએ ખાલી કર્યું નહોતું અને બાંધકામ દૂર ન કરવામાં આવતા આજે એસ્ટેટ વિભાગની ટીમ સવારે પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં પહોંચી હતી અને તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
બિલ્ડિંગના રહેવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા તેઓને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા. ઉપરાંત બે માળનું ગેરકાયદેસર બાંધકામ પણ જુહાપુરા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું તેને પણ તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જુહાપુરા અને આસપાસના વિસ્તારોમાં આવા ગેરકાયદેસર બાંધકામો કેટલાય સમયથી કરી દેવામાં આવ્યા છે. જેને હવે એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે આ મોટું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે.