દુધધારા ડેરીમાં સતત પાંચમી ટર્મ માટે પ્રમુખ તરીકે ઘનશ્યામ પટેલની વરણી
ભરૂચ, ભરૂચની દુધધારા ડેરીમાં સતત પાંચમી વખત ઘનશ્યામ પટેલની બિનહરીફ વરણી થતા ડેરીની છાવણીમાં આનંદની લાગણી છવાઈ છે. ઘનશ્યામ પટેલે પ્રમુખ તરીકેની નિયુક્તિ થતા જ દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટ દીઠ રૂપિયા ૨૫ થી ૩૦નો વધારો જાહેર કરતા પશુપાલકોમાં ખુશીનો માહોલ ઉભો થયો છે.પ્રમુખ તરીકેની વરણી પૂર્વે ઘનશ્યામ પટેલે ડેરીના દહીંના પ્લાન્ટને એક્સપાન કરવા સાથે ૧૬ જેટલા સ્ટાફ ક્વાટર્સનું લોકાર્પણ પણ કર્યા હતા.
ભરૂચની દૂધધારા ડેરીમાં પ્રમુખ તરીકેની ચૂંટણી જીલ્લાના પ્રાંત અધિકારી યુ.એન.જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને મહામંત્રી ફતેસિંગ ગોહિલની હાજરીમાં ડેરીના પ્રમુખ તરીકે સર્વાનુમતે ઘનશ્યામ પટેલની સતત પાંચમી વખત બિનહરીફ વરણી થતા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોએ તેમને વધાવી લીધા હતા.
ઘનશ્યામ પટેલ સહકારી અને રાજકીય ક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવે છે.નર્મદા જિલ્લાની ધારીખેડા સુગરમાં તેઓ છેલ્લા ૩૦ વર્ષથી તેઓ નેતૃવ કરે છે. નર્મદા જીલ્લા ભાજપના પ્રમુખ તરીકેનો કાર્યભાર સાંભળતા ઘનશ્યામ પટેલ અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ જાેડાયેલા છે.પ્રમુખ તરીકેની વરણી બાદ ઘનશ્યામ પટેલે પશુપાલકોના હિતમાં દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ રૂપિયા ૨૫ થી ૩૦ નો વધારો જાહેર કરતા પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે.