લોકશાહી અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ભારતનું જી -૨૦ અધ્યક્ષપદ દેશના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક ઘટના ઃ દેવુસિંહ ચૌહાણ
જી-૨૦ અંતર્ગત જિલ્લા કક્ષાનો અડોસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષસ્થાને યોજયો
(માહિતી) નડિયાદ, ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પલાણા આઈ.ટી.આઈ કોલેજ ખાતે કેન્દ્રીય સંચારમંત્રી શ્રી દેવુંસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર, નડિયાદ કચેરી દ્વારા અડોસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ યોજાયો હતો. અડોસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ અંતર્ગત યુવાનોને ભારત દ્વારા યજમાનપદે શરુ થયેલી જી-૨૦ સમિટ વિશે જાણકારી આપવામાં આવી અને જી-૨૦ સમિટથી ભારત કઈ રીતે આવનારા સમયમાં અન્ય દેશોની સરખામણી કરી શકશે તે બાબતની ચર્ચા કરવામાં આવી.
યુવા સંસદ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, વિશ્વના ભલા માટે ભારતની ભૂમિકા વિશ્વના દેશો સ્વીકારે છે. આદિકાળથી ભારત ‘વસુધૈવ કુટુંબકમ-સમગ્ર વિશ્વ જ એક પરિવાર’ની ભાવના મૂર્તિમંત કરી રહ્યું છે. જી -૨૦ અધ્યક્ષતા ભારતની એકતા અને વૈશ્વિક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. સાથોસાથ મંત્રીશ્રીએ વિધાર્થીઓ સમક્ષ પાર્લિયામેન્ટમાં કરવામાં આવતી કામગીરી વિસ્તૃત માહિતી આપી અને જી-૨૦ અંતર્ગત ભારતને તા. ૧ ડિસેમ્બર,૨૦૨૨ થી ૩૦ નવેમ્બર-૨૦૨૩ સુધી જી-૨૦ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. તેની વિધાર્થીઓ સાથે ચર્ચા કરી હતી.
વધુમાં મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે તા.૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ ભારતે ઈન્ડોનેશિયા પાસેથી જી -૨૦નું પ્રમુખપદ સંભાળ્યું અને ૨૦૨૩માં દેશમાં પ્રથમ વખત જી-૨૦ નેતાઓની સમિટની યજમાની કરી રહ્યું છે. દર વર્ષે સભ્ય દેશો ક્રમશઃ અધ્યક્ષપદ સંભાળે છે. ભારત માટે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ના અવસરે જી-૨૦ અધ્યક્ષપદ “અમૃત કાળ”ની શરૂઆત પણ કરે છે, જે ૨૦૨૨માં દેશની સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠથી શરૂ થતા ૨૫ વર્ષનો સમયગાળો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના મત મુજબ ભારતની જી -૨૦ અધ્યક્ષતા એકતાની વૈશ્વિક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. તેથી જી -૨૦ થીમ ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ છે
જિલ્લા કક્ષાના અડોસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમમાં ૫ થી ૭ ટીમ બનાવીને જી -૨૦ સંમેલન અંતર્ગત ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને નિબંધ સ્પર્ધા, ગરબા જેવી પ્રતિયોગિતામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને નહેરુ યુવા કેન્દ્રની કચેરી દ્વારા કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી શ્રી મહેશ રાઠવા, આઈ.ટી.આઈ પલાણાના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ શ્રી બી.એમ.પટેલ અને શ્રી વસૈયા, મામલતદાર શ્રી ઝાલા અને આઈ.ટી.આઈ કોલેજના અને અન્ય વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.