Western Times News

Gujarati News

મ્યુનિ. સત્તાધીશો દેવુ કરી ખાનગી કંપનીઓને ઘી પીવડાવી રહ્યા છે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક સ્વાયત સંસ્થા છે જે પ્રજા પાસેથી કર વસુલ કરી પ્રજાલક્ષી કાર્યો કરે છે જેમાં રોડ, પાણી, ડ્રેનેજ અને લાઈટ મુખ્ય આવશ્યક સેવાઓ છે આ ઉપરાંત એએમટીએસનો મરજીયાત સેવા તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે.

શહેરમાંથી ઓકટ્રોય નાબુદ થયા બાદ મ્યુનિ. કોર્પો.ની આર્થિક સ્થિતિ સતત કથળતી રહી છે તેમાં પણ વર્તમાન નાણાંકિય વર્ષમાં રેવન્યુ આવક કરતા રેવન્યુ ખર્ચમાં મોટો વધારો જાેવા મળ્યો છે જેના કારણે પ્રાથમિક સુવિધાના કામો થતા નથી અને નાગરિકો હેરાન પરેશાન થઈ રહયા છે

તદ્દઉપરાંત કર્મચારીઓના પગાર, સ્થાયી ખર્ચ કોન્ટ્રાકટરોના પેમેન્ટ વગેરે માટે દેવુ કરવું પડે તેવી નોબત આવી ગઈ છે તેમ છતાં મ્યુનિ. કોર્પોરેશન પ્રજાને કોરાણે હડસેલી અન્ય ખાનગી કંપનીઓ જેવી કે રિવરફ્રંટ, મેટ, જનમાર્ગ વગેરેને દર વર્ષે કરોડો રૂપિયાની સખાવત કરે છે આમ મ્યુનિ. સત્તાધીશો દેવુ કરીને અન્યને ઘી પીવડાવી રહયા છે જેના કારણે ચોફેર વ્યાપક રોષ જાેવા મળી રહયો છે.

શહેરમાંથી ઓકટ્રોય દર નાબુદ થયા બાદ મ્યુનિ. કોર્પોરેશનને સ્થાયી ખર્ચ પેટે દર મહિને રૂા.૪પ૦૦ કરોડની ખોટ થાય છે મતલબ કે સરકાર તરફથી ઓકટ્રોય ગ્રાંટની રકમ સ્થાયી ખર્ચ કરતા રૂા.૪પ કરોડ ઓછી મળે છે. આમ મ્યુનિ. કોર્પોરેશનને દર વર્ષે રૂા.૬૦૦ કરોડ જેટલી રકમ માત્ર સ્થાયી ખર્ચમાં જ નુકસાન થાય છે

જયારે રાજય સરકાર તરફથી સ્વર્ણિમ જયંતિની ગ્રાંટમાંથી દર વર્ષે રૂા.૪૦૦ થી પ૦૦ કરોડના વિકાસ કામો થાય છે તે સિવાય પ્રજાકીય કામો કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાના ફંડ પર આધાર રાખવો પડે છે પરંતુ કોર્પોરેશનને દર વર્ષે સરેરાશ રૂા.૩પ૦૦ કરોડની આસપાસ રેવન્યુ આવક થાય છે

જેનો મોટો હિસ્સો સ્થાયી ખર્ચ, પગાર, પેન્શન પાછળ વપરાય છે અને નાગરિકોના કામો અટવાય છે. આમ છતાં મ્યુનિ. સત્તાધીશો દર વરસે કરોડો રૂપિયા મેડીકલ એજયુકેશન ટ્રસ્ટ જનમાર્ગ લિમિટેડ અને રિવરફ્રંટ પ્રાઈવેટ લીમીટેડ નામની કંપનીઓને વિના વ્યાજે પરત ન લેવાની શરતે આપી રહી છે

તેવા આક્ષેપ કરતા કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલભાઈ શેખે જણાવ્યું હતું કે કોર્પોરેશનના શીરે હાલ લગભગ રૂા.૧૦૦૦ કરોડ કરતા વધુ રકમનું દેવું છે. જેમાં જીએસએફસી લોન પેટે રૂા.૭૦૦ કરોડ, રૂા.ર૦૦ કરોડના બોન્ડ, રૂા.૮૦ કરોડની સરકારી લોન તથા જીઆરસીસીના રૂા.રપ કરોડનો સમાવેશ થાય છે

તેમ છતાં મ્યુનિ. કોર્પોરેશને છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન બીઆરટીએસને રૂા.૩૦૧ કરોડ, રિવરફ્રંટ લિમિટેડને રૂા.ર૬૧ કરોડ તથા મેડીકલ એજયુકેશન ટ્રસ્ટને રૂા.૧૬૬ કરોડ આપ્યા છે જીપીએમસી એક્ટ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રજા પાસેથી જે વેરો વસુલ કર્યો છે તે વેરાની રકમ તેમજ અન્ય આવકનો ઉપયોગ માત્ર પ્રજાલક્ષી કામો પાછળ જ થઈ શકે છે

પરંતુ અહીં ચિત્ર કંઈક અલગ જ જાેવા મળી રહયુ છે અને નિયમ-કાયદાની વિરૂધ્ધ જઈ આ ત્રણ ખાનગી કંપનીઓએ દર વર્ષે કરોડો રૂપિયાની રકમ આપવામાં આવી રહી છે જેના માટે મ્યુનિ. કોર્પોરેશને ગેપ ફંડ લોન અને ગ્રાંટ જેવા નામ આપ્યા છે પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે મેડીકલ એજયુકેશન ટ્રસ્ટને કયા નિયમ અંતર્ગત ગ્રાંટ આપવામાં આવી રહી છે

તેમજ રિવરફ્રંટ લિમિટેડ અને જનમાર્ગ લિમિટેડને ક્યા નિયમ અંતર્ગત ગેપ ફંડ રકમ આપવામાં આવે છે. જીપીએમસી એક્ટમાં કોર્પોરેશનની ફરજીયાત તથા મરજીયાત સેવાનો ઉલ્લેખ થયેલ છે પરંતુ આ ત્રણ સંસ્થાઓનો કોઈ ઉલ્લેખ નથી કારણ કે મરજીયાત જાહેર પરિવહન સેવા તરીકે એએમટીએસનો સ્વીકાર કરવામાં આવ્યો છે

તેમજ મરજીયાત આરોગ્ય સેવામાં વી.એસ. હોસ્પિટલનો સ્વીકાર કરવામાં આવ્યો છે તેથી આ તમામ સંસ્થાઓને નિયમ વિરૂધ્ધ ફંડ આપવામાં આવી રહયું છે. ચોંકાવનારી બાબત એ છે કે આ ત્રણેય સંસ્થાઓ કોર્પોરેશનના ફંડ પર નિર્ભર છે તેમ છતાં તેનું ઓડિટ કોર્પોરેશનના ચીફ ઓડિટ વિભાગ પાસે કરવામાં આવતું નથી

તેમજ તેના બજેટ પણ મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ સમક્ષ રજુ કરવામાં આવતા નથી જયારે મરજીયાત તરીકે જે સેવાઓનો સ્વીકાર કર્યો છે તેવા એએમટીએસ અને વી.એસ.હોસ્પિટલના બજેટ પણ સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ રજુ થાય છે તથા તેના ઓડીટ પણ કોર્પોરેશનના ચીફ ઓડિટર કરી રહયા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.