“ગુજરાતમાં વિકાસ અને હકારાત્મક રાજનીતિ સિવાય કોઈ જ રાજનીતિને સ્થાન નથી”
ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ તરફ લઈ જવા ટીમ ૧૮૨ થકી સૌ સંકલ્પબદ્ધ બનીએ : ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
ગુજરાતને બદનામ કરવા નીકળી પડેલા લોકોને રાજ્યની જનતાએ ભાજપા સાથેના વિશ્વાસ થકી સાચી દિશા બતાવી રવાના કર્યા
Ø સામાન્ય નાગરિકની આશા અપેક્ષાઓ અને જરૂરિયાતોને અમે પ્રાધાન્ય આપ્યું એટલે જ પ્રજાનો વિશ્વાસ અને પ્રેમ ઉત્તરોત્તર વધ્યો
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યની અવિરત વિકાસયાત્રા થકી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આપણે સૌ સભ્યો ટીમ-૧૮૨ સંકલ્પબદ્ધ બની નૂતન ગુજરાતનું નિર્માણ કરીએ. “There is no place for any politics except development and positive politics in Gujarat”
આજે વિધાનસભા ખાતે રાજ્યપાલશ્રીના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, સંત, સુરા અને દાતારની આ પાવનભૂમિ પર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતને બદનામ કરવા નીકળી પડેલા લોકોને રાજ્યની જનતાએ ભાજપા સાથેના સાચા વિશ્વાસ થકી સાચી દિશા બતાવી રવાના કર્યા છે.
પ્રજાનો વિશ્વાસ અમારા ઉપર ઉત્તર વધ્યો છે અને ન ભૂતો ન ભવિષ્યતી એવી ૧૫૬ બેઠકો સાથે જ્વલંત વિજય આપ્યો છે. કેમ કે રાજ્યની જનતાનો ભાજપા સાથેનો નાતો એક સિક્કાની બે બાજુ સમાન છે. એટલે અમારી પણ જવાબદારી હવે વધી ગઈ છે જે અમે પરિપૂર્ણ કરીશું.
તેમણે ઉમેર્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસની રાજનીતિના બીજ રોપ્યા અને વિકાસની રાજનીતિ સાથે હકારાત્મક રાજનીતિના પરિણામે આજે ગુજરાતમાં અન્ય કોઈ રાજનીતિને સ્થાન નથી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે ભારત વિશ્વગુરુ બને એ માટેનું સપનું સેવ્યું છે, તે આજે જી-૨૦ની બેઠકોના આયોજનો ભારતમાં થઈ રહ્યા છે એના માધ્યમથી સાકાર થઈ રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતે અનેક સંઘર્ષો-તકલીફો સામે ટીમ ગુજરાત દ્વારા જે પ્રયાસો કર્યા છે તેના પરિણામે જ આજે ગુજરાત દરેક ક્ષેત્રોમાં નંબર-૧ રાજ્ય પુરવાર થઈ રહ્યું છે. જેમાં સૌ ગુજરાતીઓનો પુરુષાર્થ નજરે પડી
રહ્યો છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિધાનસભા ગૃહમાં ગુજરાતના ચોતરફી વિકાસની લેખા જોખા તેમના પ્રવચન થકી રજૂ કરી છે. રાજ્યમાં થયેલો વિકાસ અને છેક છેવાડાના માનવી સુધી પહોંચી રહેલા રાજ્યના યોજનાકીય લાભો પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ સરકારની પ્રતીતિ કરાવે છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ચૂંટણી પહેલા દેશભરની તમામ વિકાસ વિરોધી તાકાતો એક થઈને ગુજરાતને બદનામ કરવા કામે લાગી ગઈ હતી અને ગુજરાત તથા ગુજરાતીઓને બદનામ કરવામાં કોઈ કસર છોડી ન હતી. પરંતુ ગુજરાતની જનતા પણ સવાઈ નીકળી અને આવી તમામ તાકાતોને જાકારો આપી દીધો.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, બનાસકાંઠા સહિત રાજ્યના સરહદી વિસ્તારોમાં પહેલા પીવાના પાણીના પણ ફાફા હતા. આજે આ વિસ્તારોમાં દેખાતા લીલાછમ ખેતરો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશીતાને આભારી છે. અત્યારે ક્યારેક વીજળી જતી રહેતી હોવાની ફરિયાદ આવે છે, પરંતુ પહેલાં ક્યારેક જ વીજળી આવતી હતી તેવા દિવસો હતા. પાણી અને વીજળી માટે ગુજરાતમાં અકલ્પનીય કાર્ય થયું છે જેનો લાભ ગુજરાતના નાગરિકો હાલ મેળવી રહ્યા છે.
મંત્રી શ્રી સંઘવીએ ગૃહમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન અને બનાસકાંઠાના લાખો પશુપાલકોના સખત પરિશ્રમથી બનાસ ડેરીમાં આમૂલ પરીવર્તન આવ્યું છે. બનાસકાંઠાના વિકાસમાં બનાસ ડેરીની નોંધપાત્ર ભૂમિકા છે. બનાસ ડેરી દ્વારા માસિક રૂ.૧ હજાર કરોડની રકમ પશુપાલકોને ચૂકવવામાં આવે છે.
નર્મદાના પાણી થકી બનાસકાંઠા હવે દાડમ અને ખારેકની નિકાસ કરતો જિલ્લો બન્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. કચ્છ આજે નર્મદાના પાણીથી હરિયાળીવાળા જિલ્લા તરીકે ઓળખાતો થયો છે તેમ જણાવી મંત્રી શ્રી કહ્યું હતું કે કચ્છમાંથી અનેક કૃષિ પેદાશોની વિદેશમાં નિકાસ થાય છે. કચ્છી નાગરિકોની મહેનત અને માં નર્મદાના પાણીથી કચ્છની રોનક
બદલાઈ છે.
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અને મા કાર્ડના અમલથી સારવાર માટે લાખો પરિવારોએ એકત્રિત કરેલા નાણાની બચત થઈ છે. હજારો માતાઓના ઘુંટણના વિનામૂલ્યે ઓપરેશન કરીને તેમને ચાલતા કર્યા છે તેના આશીર્વાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને મળ્યા છે તેમ મંત્રી શ્રી ગૃહમાં ઉમેર્યું હતું.
ગુજરાતમાં મેડિકલ કોલેજમાં અને બેઠકોમાં નોંધપાત્ર વધારો થયો છે તેમ જણાવી મંત્રીશ્રી કહ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે તાલુકા કક્ષાએ ડાયાલિસિસ કેન્દ્રો શરૂ કરીને હજારો દર્દીઓની સેવા કરીને સાથેસાથે લાખો રૂપિયા પણ બચાવ્યા છે.
ગુજરાતમાં મા કાર્ડ હેઠળ વિનામૂલ્યે સારવાર માટે અપાતી રૂ.૫ લાખની રકમ વધારીને હવે રૂ.૧૦ લાખ કરવામાં આવનાર છે. જેનાથી હજારો પરિવારોને આધુનિક સારવાર વિનામૂલ્યે મળી રહેશે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.
મંત્રી શ્રી સંઘવીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, PMJAY- મા કાર્ડ અંતર્ગત અંદાજે એક કરોડથી વધુ નાગરિકોને આવરી લેવાયા છે. નાગરિકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવા ઉપલબ્ધ કરાવવા રાજ્યમાં 300થી વધુ પીએમ જન ઔષધિ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી શ્રી મોદીજીના નેતૃત્વમાં સૌરાષ્ટ્રની જનતા માટે રાજકોટમાં AIIMS પણ આગામી સમયમાં કાર્યરત થશે જેનાથી સૌરાષ્ટ્રના લાખો નાગરિકોને ઉત્તમ સારવાર મળી રહેશે તેમ મંત્રી શ્રી ગૃહમાં ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ ગુજરાતમાં યાત્રાધામોના વિકાસ માટે થઈ રહેલા કાર્ય અંગે વાત કરતા કહ્યું હતું કે, અંબાજી ગુજરાતની આસ્થાનું કેન્દ્ર છે. રાજ્યના નાગરિકો એક સાથે તમામ શક્તિપીઠોના દર્શન કરી શકે તેવા નેક ઉદ્દેશ સાથે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ અંબાજી ગબ્બર પર્વત ૫૧ શક્તિપીઠો બનાવવામાં આવી છે.
તેમણે આનંદની લાગણી વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, આ વર્ષે લગભગ સાડા ત્રણ લાખ કરતા પણ વધુ શ્રદ્ધાળુઓએ અંબાજી ખાતે શક્તિપીઠોના દર્શન કર્યા. મુખ્યમંત્રીશ્રીએ પણ રાજ્યના વયો વૃદ્ધ વ્યક્તિઓ અંબાજી યાત્રાધામના દર્શન કરી શકે તે માટે શ્રવણ તીર્થ યોજના અંતર્ગત ૭૫ ટકાની રાહત આપી અને અંબાજી શક્તિપીઠના વિનામૂલ્ય દર્શન કરાવી લોકોની માનતાઓ પૂરી કરી છે. જેમ આ વર્ષે લોકોએ અંબાજી શક્તિપીઠના દર્શન કર્યા તેમ વર્ષ ૨૦૨૪માં લોકો અયોધ્યા ખાતે નિર્માણાધીન રામ મંદિરના પણ દર્શન કરશે, તેમ તેમને વધુમાં ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા અને બેટ દ્વારકામાં અનેક લોકો દેશ વિદેશથી દર્શનાર્થે આવે છે. આવી પવિત્ર નગરીમાં પણ કેટલાક લોકોએ સરકારી જમીન પર કરેલા ગેરકાયદે બાંધકામોને અમારી સરકારે હટાવવાનું કામ કર્યું છે.
આવા બાંધકામો ઉપરાંત વીજ ચોરો સામે પણ ૪૦ કરોડ જેટલું ફાઇન લગાવીને અમારી સરકારે દાખલો બેસાડ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ઉજ્જવલા જેવી યોજનાઓ આજે મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની છે. સાથે જ આદિવાસી વિસ્તારોની વાત કરીએ તો આદિવાસી ભાઈ બહેનોનો પણ સૌથી વધુ વિકાસ અમારી ભાજપ સરકારમાં થયો છે.
સમગ્ર વિશ્વની નજર આજે ભારત પર છે અને ભારત આજે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, તેમ કહેતા મંત્રીશ્રી ઉમેર્યું હતું કે, જે દેશની ગુલામીથી આઝાદ થયાને આજે ૭૫ વર્ષ પૂર્ણ થયા એ જ દેશને વટીને આજે ભારત ઇકોનોમીમાં પાંચમા ક્રમે પહોંચ્યો છે.
રશિયા યુક્રેનના યુદ્ધ વચ્ચે પણ ભારત એક જ એવો દેશ હતો જેને ભારતના વિદ્યાર્થીઓને યુદ્ધ વિરામ કરાવીને ત્યાંથી બહાર કાઢ્યા હતા. તુર્કીમાં ભૂકંપ સ્વરૂપે આવેલી કુદરતી આફતમાં પણ ભારતની સેનાના જવાનોએ દિવસ રાત જોયા વગર કરેલી બચાવ કામગીરીને સમગ્ર વિશ્વએ બિરદાવી છે.
મંત્રીશ્રીએ ગુજરાતમાં મહિલા સશક્તિકરણ માટે થઈ રહેલા કામોને બિરદાવતા કહ્યું હતું કે, રાજ્યની મહિલાઓ વ્યવસાય, રોજગારી, ગૃહ ઉદ્યોગ જેવા કાર્યોથી પગભર થઈ શકે તે માટે દેશમાં સૌથી સારી કામગીરી ગુજરાતમાં થઈ રહી છે. દેશમાં નારી ગૌરવ જેવી નીતિ અમલમાં મૂકનાર સૌ પ્રથમ રાજ્ય પણ ગુજરાત છે. આજે ગુજરાતની વિધાનસભામાં ૧૫ મહિલા સભ્યશ્રીઓ બેઠા છે, એ જ તેનું ઉત્તમ ઉદાહરણ છે.