પંજાબ ભારતનું અભિન્ન અંગ નથી : અમૃતપાલ સિંહ
ચંદીગઢ, ખાલિસ્તાન સમર્થક અને શીખ ઉપદેશક અમૃતપાલ સિંહ દ્વારા ભારત વિરુદ્ધ વિવાદિત નિવેદનો આપવાનો સિલસિલો યથાવત છે. હવે તેમણે એવું નિવેદન આપ્યુ છે કે, પંજાબ ભારતનું અભિન્ન અંગ નથી. તે આટલામાં જ ન અટક્યા. તેમણે કહ્યું કે પંજાબની તસવીર લાહોર અને નનકાના સાહિબ વિના પૂર્ણ જ નથી થતી. એક ઈન્ટરવ્યુમાં અમૃતપાલે કહ્યું હતુ કે, ભારતીય પાસપોર્ટ એક દસ્તાવેજ છે અને તેનાથી તે ભારતીય નથી બની જતો.
બીજી તરફ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગે બુધવારે ડીજીપીને પત્ર લખીને અજનાલા પોલીસ સ્ટેશનમાં થયેલા હુમલાની તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે, ‘અમૃતપાલના સાથી તુફાન સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને બાદમાં પોલીસે તેને છોડી દીધો હતો. અહીં સવાલ એ થાય છે કે શું તુફાન સિંહ નિર્દોષ હતો?પત્રમાં રાજા વડિંગે પંજાબમાં વાતાવરણ બગાડવાની આશંકા પણ વ્યક્ત કરી છે. રાજા વડિંગે કહ્યું કે, અમૃતપાલના સમર્થકો સામે કાર્યવાહી થવી જાેઈએ.
અમૃતપાલ સિંહના પોતાને ભારતીય ન માનવાના નિવેદન પર ભૂતપૂર્વ રાજદ્વારી કેસી સિંઘે કહ્યું છે કે, કટ્ટરપંથી શીખ ઉપદેશક અને સ્વ-શૈલીના અલગતાવાદી અમૃતપાલ સિંહે પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવો જાેઈએ કારણ કે, અમૃતપાલે કહ્યું હતું કે, તે પોતાને ભારતીય નાગરિક નથી માનતો. અમૃતપાલ ગયા વર્ષે ભારત પરત ફર્યા અને શીખ ઉપદેશક બનતા પહેલા દુબઈમાં એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતો હતો.
તેમણે અભિનેતા-કાર્યકર દીપ સિદ્ધુ દ્વારા સ્થાપિત સામાજિક સંસ્થા ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો જેનું ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને રવિવારે કહ્યું હતું કે, ખાલિસ્તાન સમર્થકોને પાકિસ્તાન અને અન્ય દેશોમાંથી ભંડોળ મળી રહ્યું છે અને રાજ્ય પોલીસ આ મુદ્દાનો સામનો કરવા સક્ષમ છે. SS2.PG