Weather:ગુજરાતમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગરમીને પગલે સોલા સિવિલમાં હિટ સ્ટ્રોક વોર્ડ ઉભો કરાયો
અમદાવાદ, ગુજરાતમાં સત્તાવાર રીતે ગરમીની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે માર્ચ અને એપ્રિલમાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત માર્ચ મહિનામાં માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી ૪ અને ૫ માર્ચના રોજ દક્ષિણગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક નગરોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વધતી ગરમીને કારણે અમદાવાદના સોલા સિવિલમાં હિટ સ્ટ્રોક વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે.
વધતી કાળઝાળ ગરમીને કારણે અમદાવાદમાં હિટ સ્ટ્રોકના દર્દીને સારવાર મળી રહે તે માટે સિવિલ અને સોલા સિવિલમાં ૧૨થી ૧૫ બેડનો અલાયદો વોર્ડ શરૂ કરાશે. આ અંગે સિવિલના આરએમઓ ડો. પ્રદીર પટેલે મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, માર્ચથી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દી માટે અલાયદો વોર્ડ શરૂ કરાશે.
આ ઉપરાંત અન્ય સિનિયર ડોક્ટરે પણ જણાવ્યુ કે, ગયા વર્ષે પણ હોસ્પિટલમાં ૧૨ બેડનો હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરાયો હતો. તે રીતે આ વખતે પણ હિટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરવામાં આવશે.
મંગળવારે દિવસ દરમિયાન રાજ્યના ૮ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૬ ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેમાં ભૂજનું તાપમાન ૩૮.૭ ડિગ્રી સાથે સૌથી વધુ રહ્યુ હતુ.
ગરમી અંગે આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, ૪૮ કલાક લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. ત્યારબાદના ૩ દિવસમાં લઘુતમ તાપમાન બેથી ચાર ડિગ્રી વધી શકે છે. આગામી ૪૮ કલાક બાદ મહત્તમ તાપમાનમાં પણ ચાર ડિગ્રીનો વધારો થશે.
જેના કારણે ગરમીનું પ્રમાણ વધશે. આ સાથે હવામાન નિષ્ણાતોના મતે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે.
ચોથી માર્ચના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. માવઠાની સંભાવનાને પગલે ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. મંગળવારે ભૂજમાં ૩૮.૭ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૬ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં ૩૭.૪ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધ્યું હતું.