કસ્બા પેઠ અને ચિચવાડ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય
મુંબઈ, મહારાષ્ટ્ર પેટાચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અહીં ભાજપ પોતાની પ્રતિષ્ઠિત બેઠક જાળવવામાં નિષ્ફળ ગઈ છે. ભાજપની આ બેઠક પર કોંગ્રેસે લાંબા સમય બાદ જીતી હાંસલ કરી છે. ભાજપ પાસેથી ગઢ પર કબજાે જમાવવો એ કોંગ્રેસની મોટી ઉપલબ્ધિ મનાઈ રહી છે. મહારાષ્ટ્રની કસ્બા પેઠ અને ચિચવાડ પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. આ બંને બેઠકોમાંથી ભાજપની ગઢ કહેવાતી કસ્બા પેઠ પર કોંગ્રેસ-એનસીપી ગઠબંધને કબજાે જમાવ્યો છે. આ બેઠકમાં ૨૭ વર્ષથી ભાજપ પાસે હતી, જાેકે હવે કોંગ્રેસની જીત થઈ છે. આ બેઠક પર રાજ્યમાં સત્તાધારી ગઠબંધન પક્ષ ભાજપ-શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના ગઢ પર કોંગ્રેસે પગદંડો જમાવી દીધો છે, તો ગઢ કહેવાતી કસ્બા પેઠ બેઠકની પ્રતિષ્ઠા જાળવવામાં ભાજપ નિષ્ફળ ગઈ છે.
કસ્બા પેઠ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ધંગેકર અને ભાજપના ઉમેદાવાર હેમંત રસાને વચ્ચે ચૂંટણી જંગ હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવારને ૧૦,૦૦૦થી વધુ મતોથી પરાજય આપ્યો છે. ધંગેકરને ૭૨,૫૯૯ મત મળ્યા હતા, તો આ મતવિસ્તારમાં હેમંત રસાનેને ૨૦ રાઉન્ડના અંતે ૬૧,૭૭૧ મતો મળ્યા છે. પોતાની જીતનો શ્રેય મતદારોને આપતા ધાંગેકરે જણાવ્યું કે, આ મતદારોની જીત છે કારણ કે તેઓએ મને જીતાડવાની જવાબદારી લીધી હતી. હું મતવિસ્તારના લોકો માટે સખત મહેનત કરીશ અને મારા પર મૂકેલા વિશ્વાસને પૂર્ણ કરવાના તમામ પ્રયાસો કરીશ.
તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે, એનસીપી નેતા અજિત પવાર અને શિવસેના (યુબીટી)ના આદિત્ય ઠાકરેએ તેમને અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો. ભાજપે કહ્યું કે, કેટલીક ખામીઓ રહી ગઈ હશે, જેના કારણે હારનો સામનો કરવો પડ્યો. હારનું વિશ્લેષણ કરીને ખામીઓ દૂર કરવા વિચારણા કરાશે. બીજીતરફ મહારાષ્ટ્રની ચિંચવાડ બેઠક પર ભાજપની જીત થઈ છે. ચિંચવાડ બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ જગતાપની પત્ની અશ્વિની જગતાપનો વિજય થયો છે. તેમણે એનસીપીના નાના કાટેને હરાવી દીધા છે. ભાજપે ભલે એક બેઠક બચાવી હોય, પરંતુ કસ્બા પેઠ બેઠક ગુમાવવી તેના માટે મોટો આંચકો મનાય છે.
મહારાષ્ટ્રમાં બે વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો ગુરુવારે આવી ગયા છે. આ બેઠકો કસ્બા પીઠ અને પિંપરી-ચિંચવાડ છે. આ બેઠકો ભાજપના દિવંગત ધારાસભ્યો મુક્તા તિલક અને લક્ષ્મણ જગતાપના નિધન બાદ ખાલી પડી હતી, જેના પર પેટાચૂંટણી માટે ૨૬ ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. કોંગ્રેસે તમિલનાડુની ઈરોડ ઈસ્ટ સીટ પર જીત મેળવી છે. આઈએનસી ઉમેદવાર ઈવીકેએસ એલનગોવને એઆઈએડીએમકેના કેએસ ધનારાસરુ ને ચૂંટણીમાં હરાવ્યા છે. કોંગ્રેસ અને ડીએમકે ગઠબંધન આ સીટ પર ચૂંટણી લડ્યું હતું, જેના ફાયદા પણ દેખાઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળની પેટાચૂંટણીમાં કોંગ્રેસે સાગરદિઘી વિધાનસભા બેઠક પર જીત મેળવી છે. ટીએમસી નેતા સુબ્રત સાહાના મૃત્યુ બાદ આ સીટ પર ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસના બાયરન બિસ્વાસે અહીં ટીએમસી નેતા દેબાશીષ બેનર્જીને હરાવ્યા છે અને લગભગ દોઢ વર્ષ બાદ કોંગ્રેસ જીતવામાં સફળ રહ્યું છે. SS2.PG