અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રણવીસિંહ ડાભીએ ખેડૂતોના રાહત પેકેજને આવકાર્યું
(પ્રતિનિધિ)મોડાસા, અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રણવીસિંહ ડાભીએ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર તમામ ખેડૂતો માટે જાહેર કરેલ આ રાહત પેકેજને આવકાર્યું છે અને તેનો લાભ દરેક ખેડૂત ખાતેદારને મળે એવુ પેકેજ જાહેર કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા છે.
રાજ્ય સરકારે પછોતરા વરસાદથી નુકસાન થયેલા તમામ ખેડૂતોને ઓછામાં ઓછા ખાતેદાર દીઠ ચાર હજારની સહાય સીધી ખાતામાં જમા કરવાની આજે કરેલી જાહેરાત મુજબ એકલા અરવલ્લી જિલ્લામાં અંદાજે એક લાખ ૧૬ હજાર ખેડૂત ખાતેદારોને ચાર હજાર લેખે રૂ.૪૬ કરોડ ૪૦ લાખની રકમ જે તે ખાતેદારના બેંક ખાતામાં જમા કરાવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં ૨૪૮ ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે ૧૮૩૬૯ ગામોનાં અંદાજે ૫૬.૩૬ લાખ ખેડૂતોને માટે રૂ.૩૯૯૫ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.નોંધપાત્ર એ છે કે ગુજરાત રાજ્યની સ્થપનાંથી અત્યાર સુધી પ્રથમ વખત રાજ્યના બધા જ તાલુકાઓના બધા જ ખાતેદાર ખેડૂતોને આવરી લઈને રાજ્ય સરકારે આર્થિક સહાય કરી હોય તેવું આ પ્રથમ સહાય પેકેજ છે.આ પેકેજની આ રકમ પૈકી રૂ.૧૬૪૧ કરોડ રાજ્યના બજેટમાંથી ચુકવવામાં આવશે.
જ્યારે રાજ્યના ૨૩ જિલ્લાના ૪૨ તાલુકા એવા છે કે જ્યાં તાલુકા મથકે ઓછો વરસાદ નોંધાયો છે પરંતુ કૃષિ વિભાગના ક્લસ્ટરમાં મુકાયેલ ઓટોમેટિક વેધર સ્ટેશનના આંકડા મુજબ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયેલ છે એવા આ તાલુકાઓમાં અંદાજે ૧૪૬૩ ગામના અંદાજે ૪.૭૦ લાખ ખેડૂત ખાતેદારોને એસ.ડી.આર.એફ.ના ધોરણ મુજબ હેકટર દીઠ રૂ.૬૮૦૦ લેખે વધુમાં વધુ બે હેકટરની મર્યાદામાં અંદાજે રૂ.૩૯૨ કરોડની સહાય ચૂકવાશે.