વંદે ભારતના નિર્માણ માટે રશિયન કંપનીએ સૌથી ઓછી બોલી લગાવી
નવી દિલ્હી, ભારતીય રેલવેને અત્યાર સુધી ૧૦ વંદે ભારત ટ્રેનો મળી ચુકી છે. દેશમાં વંદે ભારત ટ્રેનો પર સતત કામ ચાલી રહ્યું છે. ઘણી કંપનીઓએ વંદે ભારત ટ્રેનોની મેન્યુફેકચરિંગ અને જાળવણી પ્રોજેક્ટ્સ માટે બોલી લગાવી છે. તેમાં, રશિયન ફર્મ ટ્રાન્સમેશહોલ્ડિંગ (ટીએમએચ) અને રેલવે વિકાસ નિગમ લિમિટેડ (આરવીએનએલ) વચ્ચેના સંયુક્ત સાહસે ૨૦૦ લાઈટવેટ વંદે ભારત ટ્રેનોના મેન્યુફેકચરિંગ અને જાળવણી માટે સૌથી ઓછી બોલી લગાવી હતી.
માહિતી મુજબ કંસોર્ટિમે આશરે ૫૮,૦૦૦ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી, જેમાં એક ટ્રેન સેટના નિર્માણનો ખર્ચ ૧૨૦ કરોડ રૂપિયા છે. જે આઈસીએફ-ચેન્નઈ દ્વારા નિર્મિત છેલ્લી વંદે ભારત ટ્રેનોના ખર્ચ ૧૨૮ કરોડ કરતા ઓછો છે. બીજી સૌથી ઓછી બોલી ટીટાગઢ-બીએચઈએલની હતી, જેણે એક વંદે ભારતના નિર્માણનો ખર્ચ ૧૩૯.૮ કરોડ રૂપિયા સુધીનો નક્કી કર્યો હતો.
ટીએચએમ-આરવીએનએલએ બીએચઈએલ-ટીટાગઢ વેગન્સથી ઓછી બોલી લગાવી હતી, જેનાથી સાફ થાય છે કે રશિયન કંપની ભારતીય બજારમાં પ્રવેશની ઈચ્છા ધરાવે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ રશિયન કંપની વંદે ભારત ટ્રેનનું નિર્માણ કરશે. જાે કે હજુ સુધી આની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ બે કંપનીઓ સિવાય ફ્રાન્સની રેલવે કંપની એલ્સટોમ, સ્વિસ રેલવે રોલિંગ સ્ટોક ઉત્પાદક સ્ટેડલર રેલ અને હૈદરાબાદ સ્થિત મીડિયા સર્વો ડ્રાઇવ્સનું સંયુક્ત સાહસ મેધા-સ્ટેડલર, બીઈએમએલઅને સીમેંસનું સંયુક્ત સાહસ પણ વંદે ભારતની બોલીમાં સામેલ હતું. આ કોન્ટ્રેક્ટ ૫૮,૦૦૦ કરોડ રૂપિયાનો છે. જેમાં ૨૦૦ વંદે ભારત ટ્રેનોનું નિર્માણ અને આગલા ૩૫ વર્ષો સુધી તેમની જાણવણી પણ સામેલ છે.
વંદે ભારત એક સેમી હાઇસ્પીડ ટ્રેન છે, જેમાં ૧૬ સ્વ-સંચાલિત કોચનો સમાવેશ થાય છે. વંદે ભારત ટ્રેનમાં જીપીએસઆધારિત માહિતી સિસ્ટમ, સીસીટીવીકેમેરા, વેક્યૂમ આધારિત બાયો ટોયલેટ, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર સહિતની તમામ સુવિધાઓ છે. નવી વંદે ભારત ટ્રેનોમાં બેસવાની સુવિધા, એર કંડીશનિંગમાં એંટી-બેક્ટેરીયલ સિસ્ટમ અને માત્ર ૧૪૦ સેકેંડમાં ૧૬૦કિમી/કલાકની ગતિ આપવાની ક્ષમતા જેવા જેવા સુધારાઓ કરાશે. SS2.PG