રિન્યુએબલ એનર્જી-ગ્રીન હાઇડ્રોજન-માઇનીંગ-સ્ટીલ ક્ષેત્રે ગુજરાત સાથે સહભાગીતાની તત્પરતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાતે વિયેતનામના ભારત સ્થિત રાજદૂત
(માહિતી) ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત વિયેતનામના ભારતસ્થિત રાજદૂત શ્રીયુત ગુયેન થાન્હ હાઇ એ ગાંધીનગરમાં લીધી હતી. આ સૌજ્ન્ય મુલાકાત બેઠક દરમ્યાન તેમણે ગુજરાત સાથે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન તથા માઇનીંગ એન્ડ સ્ટીલ ક્ષેત્રે સહભાગીતા માટેની તત્પરતા દર્શાવી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્ય સરકારના જરૂરી સહયોગ માટે સકારાત્મક પ્રતિસાદ આપતાં કહ્યું કે ગુજરાત-વિયેતનામ વચ્ચે હાલ જે પરસ્પર વેપાર-વણજ નો સહયોગ છે તેને વધુ ગતિપૂર્વક આગળ લઇ જવા રાજ્ય સરકાર ઉત્સુક છે. ભૂપેન્દ્ર પટેલે વિયેતનામના રાજદૂતની ગુજરાતની આ પ્રથમ મુલાકાતમાં તેમને આવકારતા એમ પણ જણાવ્યું કે, ગુજરાતના પર્યટન-પ્રવાસન સ્થાનો, સ્ટેચ્યુ ઓફ યુનિટિ તથા મહત્વના ધાર્મિક સ્થળોની તેઓ અનુકુળતાએ અવશ્ય મુલાકાત લે.
ઊદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતીમાં આ સૌજ્ન્ય મુલાકાત બેઠકની ચર્ચા દરમ્યાન વિયેતનામ રાજદૂત શ્રીયુત ગુયેન થાન્હ હાઇ એ ગુજરાતમાંથી કપાસ, સુકી ડુંગળી, સુકુ લસણ તથા સી-ફૂડ ની વિયેતનામમાં નિકાસની વિપૂલ સંભાવનાઓ અંગે પણ વિસ્તૃત વિગતો આપી હતી. આ બેઠકમાં એ વિષયે પણ ચર્ચા કરવામાં આવી હતી કે પાછલા કેટલાક વર્ષોમાં ગુજરાત-વિયેતનામ વચ્ચે પિપલ-ટુ-પિપલ કોન્ટેક્ટમાં વધારો થવાથી ગુજરાતના વધુ પ્રવાસીઓ વિયેતનામની મુલાકાતે જતા થયા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને વિયેતનામના ભારતસ્થિત રાજદૂત બંને એ આગામી સમયમાં આ પિપલ-ટુ-પિપલ કોન્ટેક્ટ વધુ વ્યાપક બનાવવા અંગે પણ ચર્ચા દરમ્યાન ભાર મુક્યો હતો. શ્રીયુત ગુયેન થાન્હ હાઇ એ જણાવ્યું કે, ગુજરાતે ડિજીટલ ટ્રાન્સફોરમેશન અને એનર્જી જનરેશન સેક્ટરમાં જે મહારથ હાંસલ કરેલી છે તેમાંથી વિયેતનામને ઘણું શિખવા મળી શકે તેમ છે. વિયેતનામ રાજદૂતે ગુજરાત-વિયેતનામ વચ્ચે સિસ્ટર સિટી રિલેશન માટે વિચારની દિશામાં પણ આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં પ્રસ્તાવ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યું કે ગુજરાતમાં એવું ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ એન્વાયરમેન્ટ છે કે એકવાર ગુજરાત સાથે વેપાર-ઊદ્યોગમાં સહભાગીતા કરનારા દેશો પછી ગુજરાત સિવાય કયાંય જતા નથી. વિયેતનામ રાજદૂતે પણ રાજ્યના સર્વગ્રાહી વિકાસની સરાહના કરતાં આ બાબતનું સમર્થન કર્યુ હતું. અ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી કમલ દયાની, ઊદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા તેમજ વિયેતનામના ઓનરરી કોન્સ્યુલર શ્રી સૌરિન શાહ વગેરે ઉપસ્થિત હતા.