ભરૂચ:હોળી-ધૂળેટીના તહેવારમાં એસ ટી.વિભાગ દ્વારા ૭૫ બસો દોડાવવાનું આયોજન
(પ્રતિનિધિ) ભરૂચ, રોજગારી અર્થે ભરૂચ જીલ્લામાં સ્થાયી થયેલા આદિવાસી પરિવારો હોળી પર્વ મનાવવા વતન તરફ વાટ પકડતા ભરૂચ એસ.ટી ડેપો દ્વારા વધુ ૭૫ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જીલ્લામાં રોજગારી અર્થે આદિવાસી સહિત શ્રમિક પરિવારો સ્થાયી થતા હોય છે
પંરતુ હોળી – ધુળેટી નો તહેવાર સૌથી મોટી તહેવાર માનવામાં આવે છે.જેના કારણે શ્રમિકો આ તહેવાર મનાવવા માટે પોતાના વતન જતા હોય છે.જેઓ સમયસર અને સહેલાઈથી પહોંચી શકે તે માટે ભરૂચ એસ ટી વિભાગ દ્વારા ૭૫ બસોની ફાળવણી કરવામાં આવી છે.
ભરૂચ એસટી વિભાગીય નિયામક દ્વારા હોળી ધુળેટી પર્વને લઈને તા.૪ થી ૬ માર્ચ દરમ્યાન આદિવાસી વિસ્તારો ઝાલોદ, દાહોદ, ગોધરા, ડેડીયાપાડા,સાગબારા વિસ્તારો માટે ૭૫ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી ભરૂચ એસટી વિભાગીય નિયામક વી.એચ.શર્માએ આપી હતી.જેમાં ભરૂચ, જંબુસર, અંકલેશ્વર,રાજપીપળા સહિત ઝઘડીયાના ડેપો પરથી વ્યવસ્થા કરવામાં આવી છે.
ભરૂચ ડેપો ઉપરથી જીએનએફસી કંટ્રોલ પોઈન્ટ ઉપરથી દાહોદ – ઝાલોદ માટે એક્સ્ટ્રા ૨૬ બસો,જંબુસર ડેપો ઉપરથી ૧૦ બસો, અંકલેશ્વર ડેપો ઉપરથી ૨૨ બસો,રાજપીપળા ડેપો ઉપરથી ૧૦ બસો અને ઝઘડીયા ડેપો ઉપરથી ૭ બસોની ફાળવણી કરી કુલ ૭૫ એક્સ્ટ્રા બસો આગામી ૪ થી ૬ માર્ચ એમ ૩ દિવસ સુધી બસો દોડાવવામાં આવનાર છે.
સાથે સાથે ટ્રાફિક,વિજિલન્સ,લાયન્સ ચેકીંગનો સ્ટાફ પણ ચોવીસ કલાક આ સમય દરમ્યાન હાજર રહેશે. આમ હોળી – ધુળેટીના તહેવારોમાં મુસાફરોની સુવિધા વધારવા સાથે ભરૂચ એસ.ટી વિભાગ આવક પણ મેળવી શકાશે.