ડાકોર પદયાત્રી રૂટ પર ૯ સ્થળોએ મેડીકલ બુથ તથા 5 સારવાર કેન્દ્રો તૈયાર કરાયા
ફાગણી પૂનમના મેળા માટે ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ
(પ્રતિનિધિ)નડિયાદ, ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશિષ્ટ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. મેળામાં આવનાર પદયાત્રીઓ તથા ભાવિક ભક્તોની આરોગ્યલક્ષી જરૂરિઆત તથા ઈમર્જન્સી માટે કુલ ૯ સ્થળોએ મેડીકલ બુથ તૈયાર કરવામાં આવ્યા છે.
જે પૈકી રણછોડજીનું મંદિર – કનીજ, ઈશ્વર ફાર્મ આમસરણ – મોદજ, ખાત્રજ ચોકડી, સિહુંજ ચોકડી, મહુધા ચોકડી, નાની ખડોલ બસ સ્ટેન્ડ પાસે, અલીણા ચોકડી, કૃષ્ણધામ બોરડી પાસે તથા વન કુટીર ચેતરસુંબા ખાતે મેડિકલ બુથ તૈયાર રાખવામાં આવ્યા છે.
પદયાત્રી રૂટ પર કુલ પાંચ પ્રાથમિક સારવાર કેન્દ્રોમાં આયુર્વેદિક/ હોમિયોપેથિક સારવાર મળી રહે તે માટે સારવાર કેન્દ્રો પર આયુર્વેદિક/ હોમિયોપેથિક તબીબોને ફરજ પણ સોંપવામાં આવી છે આ ઉપરાંત પીવાના પાણીનું વોટર ક્વોલેટી મોનિટરિંગ આર.સી. ટેસ્ટ દ્વારા તથા કુલ ત્રણ મોબાઇલ ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.
આ મોબાઈલ ટીમ રાસ્કાથી ખાત્રજ ચોકડી, ખાત્રજથી મહુઘા ચોકડી તથા મહુધાથી વનકુટીર એમ ત્રણ રૂટ પર મોનીટરીંગ કરશે. આ સાથે ડાકોર શહેરી વિસ્તારમાં ૩ મોબાઈલ ટીમો દ્વારા પીવાના પાણીની ટાંકી ટેન્કરોનું ક્લોરીનેશન હાથ ધરવામાં આવશે અને આર.સી. ટેસ્ટની ચકાસણી હાથ ધરવામાં આવશે.
ડાકોર નગર સેવાસદન અને ગ્રામપંચાયતોની આરોગ્ય સંલગ્ન (પીવાનું પાણી / સેનીટેશન) અંગે સુપરવિઝન અને મોનીટરીંગ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. તદ્ ઉપરાંત ડાકોર શહેરી વિસ્તારમાં – આરોગ્ય કર્મચારીઓની ટીમો દ્વારા ધર્મશાળાઓ, હોટલો, લારી-ગલ્લાઓ તથા આશ્રયસ્થાનોમાં ક્લોરીનેશન સેનીટેશન અંગેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ ઉપરાંત ડાકોર ખાતે પૂનમના આગલા દિવસથી સંભવિત ઈમરજન્સી સેવાઓને ધ્યાને લઈ ૪ સ્થળોએ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાઓ ડાકોર રણછોડજીના મંદિર ખાતે ફાગણી પૂનમ એક્ઝીટ પોઇન્ટની બહાર આઈસીઆઈસીઆઈ એટીએમ,
શ્રીજી મીઠાઈ ઘરની બાજુમાં, નગરપાલિકા ડાકોર ખાતે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડાકોર ખાતે તથા ગળતેશ્વર ખાતે એમ કુલ ૪ સ્થળોએ રાખવામાં આવી છે.આ ઉપરાંત ડાકોર ખાતે રેફરલ સેન્ટર અને ખેડા ડાકોર, નડીઆદ ખાતે બેઈઝ હોસ્પિટલ સતત કાર્યશીલ રહેશે.
સિવિલ હોસ્પીટલ ખેડા નડીઆદ તરફથી પદયાત્રી રૂટ ઉપર મોબાઈલ મેડીકલ ટીમો પણ તૈનાત કરવામાં આવશે. વધુમાં જીડ્ઢૐ-ડાકોર ખાતે ઈમરજન્સી રીર્ઝવ ટીમ મેડીકલ ઓફીસરની ૧ર – ૧ર કલાકના અંતરે રાઉન્ડ ધ ક્લોક ડયુટી ગોઠવવામાં આવી છે અને મહુધા ચોકડી – ડાકોર ખાતે મેડીકલ ઓફીસરની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
વધુમાં આકસ્મિક પરિસ્થિતને પહોંચી વળવા જરૂરી દવાઓ સાથેની સાધનસામગ્રીથી સુસજ્જ રેફરલ સેવાઓ માટે ખાત્રજ ચોકડી, મહુધા ચોકડી અને પ્રા.આ.કેન્દ્ર અલીણા ખાતે કુલ ૩ એમ્બ્યુલન્સની સેવાઓ (વાન) ઉપસસ્થિત રહેશે. જિલ્લા કક્ષાનો આરોગ્ય કન્ટ્રોલ રૂમ (૦૨૬૮-૨૫૩૨૬૬૩) મેલેરિયા – આરોગ્ય શાખા, જુની જિલ્લા પંચાયત મિશન રોડ, નડિયાદ ખાતે તથા ડાકોર નગરપાલિકા ખાતે સ્થાનિક કન્ટરોલ રૂમ (૦૨૬૯૯-૨૪૪૬૩૪) કાર્યરત રહેશે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીએ જણાવ્યું છે