Western Times News

Gujarati News

તુર્કી, ચીન-તાજિકિસ્તાન, જાેશીમઠ હિમાલય માટે અમંગળનાં એંધાણ !

તુર્કી-શિરીયાથી ચીન સુધીના પેટાળમાં આવેલા પાતાળખડકોમાં હિમાલયનાં પણ મૂળિયાં સંકળાયેલા છે. કોઈ એક છેડે હિલચાલ થાય તો વહેલી મોડી બીજા બધા છેડે પણ હિલચાલ થઈને જ રહે છે. તેથી જ નિષ્ણાતો ભારતના ભાગે આવતી હિમાલય પર્વતમાળામાં અતિ ભયાનક ભૂકંપની આગાહી કરી રહ્યા છે

હિમાલય પર્વતમાળાથી દૂર પશ્ચિમના તુર્કીમાં સિરીયાને અડતી સરહદે છઠ્ઠી ફેબ્રુઆીરના રોજ ૭.૮ રિકટર સ્કેલનો અતિ ભયાનક ભૂકંપ આવ્યો. હજારો ઈમારતો પડી ભાંગી, પ૪,૦૦૦ માણસોનો ભોગ લેવાઈ ગયો. નવ કલાકે ૧૦૦ કિલોમીટર દૂર ફરીથી ૭.૭ નો ભૂકંપ આવ્યો. ઠેકઠેકાણે ધરતીમાં કેટલાય મીટર પહોળી તિરોડો પડી થઈ. ભૂકંપનું મૂળ ધરતીમાં ૧૦ કિલોમીટર ઉડે હતું.

ર૩ ફેબ્રુઆરીએ હિમાલય પર્વતમાળાની નજીક ચીનમાં તાજિકિસ્તાનને અડીને આવેલી સરહદે ૭.ર રિકટર સ્કેલનો ભયાનક ભૂકંપ આવ્યો. અહીં પણ ધરતીમાં ઠેકઠેકાણે અનેક મીટર પહોળી અનેઅનેક કિલોમીટર લાંબી તિરાડો પડી ગઈ. અનેક સ્થળે ધરતી સો-બસો મીટર ઉંડે બેસી ગઈ છે. આ ભૂકંપનું મુળ પણ ધરતીમાં ૧૦ કિલોમીટર ઉડે હતું.
બંને સ્થળે ભૂકંપનું કેન્દ્ર ધરતીમાં ૧૦ કિલોમીટર ઉડે એટલે કે પાતાળ ખડકો (પ્લેટસ)ના સાંધામાં હતું. જયાં પશ્ચિમમાં અરેબિયન પાતાળખડક છે અને પૂર્વમાં ભારતીય પાતાળખડક યુરેશિયન પાતાળખડકની નીચે ઘૂસી રહ્યો છે ભારતીય પાતાળખડક ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન નીચેનો વિરાટ ખડક છે.

તે ઉત્તર દિશાના યુરેશિયન પાતાળખડક સાથે અથડાઈને નીચે ઘુસતો ગયો તેથી જ હિમાલય પર્વતમાળાઓ રચાઈ છે બંને પાતાળખડકની અથડામણની સ્પીડ વર્ષના બે મિલિમીટરની હતી. એટલી જ સ્પીડે તે આજે પણ યુરેશિયન પાતાળ ખડકની નીચે બળજબરીથી ઘુસી રહ્યો છે. સ્પીડ ભલે ઓછી છે, પરંતુ ભારતીય પાતાળખડક વિરાટ છે અને તેની તાકાત પ્રચંડ શબ્દ પણ વામણો લાગે એવી ભયાનક છે. પરિણામે પાતાળખડક ઉપર પથરાયેલી ધરતીનો દસથી બાર કિલોમીટરના થરમાં ધીમેધીમે કરચલી પડતી ગઈ. ૪.૭ કરોડ વર્ષ પહેલાં એક કરતા ત્રણ મુખ્ય કરચલીઓ ઉપસી આવી. ભારતીય પ્લેટ યુરેશિયન પ્લેટની નીચે ઘુસતી જ રહી એટલે યુરેશિયન પ્લેટ ઉભી થતી રહી, ઉપરની ધરતીમાં કરચલીઓ પણ ઉંચી થતી થતી ત્રણ હિમાલય પર્વતમાળા બની.

ભારતીય પાતાળખડકની પહોળાઈ ઈરાન, તિબેટ અને ચીન સુધી છે. આ તમામ વિસ્તારમાં ભારતીય પાતાળખડક નીચેથી માથું ઘુસાવીને યુરેશિયન પાતાળખડક પર દબાણ કરી તેને ઉંચો કરી રહ્યો છે હિમાલય પર્વતમાળાને ઉંચી કરી રહ્યો છે. તેનો પશ્ચિમ છેડો અરેબિયન અને આફ્રિકન પાતાળખડકને પણધકેલી છે. તેથી તુર્કી અને ચીનના ભૂકંપ પછી તિબેટ અને ભારતના હિમાલયમાં પણ અનેક ગણો વિનાશક ભૂકંપ આવશે.

હિમાલય પર્વતમાળા ધરતીમાં કરચલીઓ તરીકે સર્જાઈ હોવાથી તેમાં ધરતીનું દસ-બાર કિલોમીટરનું પડ ભાંગતૂટ થઈને ઉચકાયું છે. તેથી પર્વતમાળાની અંદર ભાંગતૂટવાળા નંબળા પડ છે. ભારતીય પ્લેટ દર વર્ષે બે મિલિમીટરના હિસાબે આજે પણ યુરેશિયન પ્લેટમાં ઘુસતી જાય છે. તેથી હિમાલય પર્વતમાળાની કરચલીઓ દર વર્ષે પાંચ મિલિમીટર(અડધો સેન્ટીમીટર) ઉંચી થતી જાય છે. પર્વતમાળા ઉંચી થતી જાય છે તેમ તેમ અંદરની ભાંગતૂટ વધતી જાય છે. અંદર પોલાણ વધતું જાય છે.

હિમાલય પર્વતમાળાના કારણે દક્ષિણના મહાસાગરો પરથી વરાળ બનીને આકાશે ચઢતા વાદળો ઉતર બાજુ જઈ શકતા નથી. હિમાલય પાર કરવા વાદળોએ વધુ ને વધુ ઉંચે જવું પડે છે. ઉચે જતા ઠંડી વધે છે તેથી વાદળો વરસી પડે છે. પરિણામે હિમાલય પર્વતમાળાના દક્ષિણ ભાગમાં (આપણા દેશ તરફ) ભારેથી અતિભારે વરસાદ થતો રહે છે. વરસાદના ધોધમાર પાણી હિમાલય પર્વતમાળામાંથી ડઝનબંધ નદીઓ બની ઢોળાવ મુજબ આડુંઅવળું વહે છે. એકબીજામાં મળીને મોટી નદીઓ બનાવતી રહે છે. આ પાણી હિમાલયનો ઢોળાવ હોવાથી પુરવેગે નીચે વહેતું રહે છે. તેમાં ધૂળ-માટી, કાંકરા, પથ્થર પણ નીચે ખેંચાઈ આવતા રહે છે. ભાંગતૂટ થયેલા ધરતીના પડમાંથી અંદરના પોલાણોમાં પણ પાણીના ઝરણાં વહેતા રહે છે. તે અંદરથી માટી, રેતી, કાંકરા વગેરે ખેંચી જાય છે તેથી અંદર પોલાણ વધતું જાય છે.

ધરતીનો અનેક મીટરનો થર ઢોળાવ પર જામ્યો હોય અને તેની નીચે ઝરણાઓ વહીને માટી ભીની બનાવે. પોલાણ બનાવે તો સ્વાભાવિક છે કે ઢોળાવના થર નીચે સરકી જાય તેને આપણે ભુસ્ખલન કહીએ છીએ. હિમાલયની ધરતી જેમ જેમ ઉંચકાતી જાય અને અંદરથી ભાંગતૂટ થતી જાય તેમ તેમ તેની અંદર પોલાણ સર્જાતુ રહે છે. આ પોલાણ બે-પાંચ મીટરથી બસો-પાંચસો હજાર મીટર સુધી હોઈ શકે. અંદરનું પોલાણ ઉપરની ધરતીનો ભાર ન ખમી શકે તો ઉપરની ધરતી ધીમે ધીમે નીચે બેસવા લાગે છે. ખાસ કરીને ચોમાસામાં માટી ભીની થઈ વજનદાર બનતા આવી ઘટનાઓ જાેશીમઠની જેમ છાશવારે બનતી રહે છે. એ વિસ્તારમાં રોડ-રસ્તા બનાવવા. બંધ બાંધવા, હાઈડ્રો-ઈલેકિટ્રક પ્રોજેકટ બનાવવા ભારે મશીનો ચલાવવાથી ભુસ્ખલન અને ધરતી બેસવાની ઘટનાઓ વધી જાય છે પરંતુ આ પ્રવૃતિ બંધ કરી દેવાથી ભુસ્ખલન કે ધરતી બેસવાની ઘટનાઓ બંધ થવાની નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.