રાયણવાડિયા ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ઘર-આંગણે વ્યક્તિલક્ષી સહાય
વિધવા સહાય યોજનાના 47 લાભાર્થીઓને પાસબુકનું વિતરણ,
1838 અરજીઓનો હકારાત્મક નિકાલ
ગોધરા: રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી કામગીરીમાં ગતિશીલતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શકતા સાથે વ્યક્તિલક્ષી પ્રશ્નોના ત્વરીત નિકાલ માટે સેવા સેતુના પાંચમાં તબક્કાનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકાના રાયણવાડિયા ગામે ગ્રામ્ય કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. વહીવટીતંત્ર દ્વારા અપાતી 57 પ્રકારની સેવાઓ એક જ છત્ર હેઠળ ઉપલબ્ધ કરાવાતા નાગરિકોએ મોટી સંખ્યામાં તેનો લાભ લીધો હતો અને અરજદારોના વ્યક્તિલક્ષી પ્રશ્નો અને અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.
રાયણવાડિયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં નાગરિકોએ મોટી સંખ્યામાં ઉમટી પડી આવક/જાતિના દાખલા, જન્મ-મરણના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડમાં નામ ઉમેરવા/કમી કરવા, ૭/૧૨ – ૮-અ ઉતારા, વિધવા સહાયના ખાતા, વયવંદના અને પ્રધાનમંત્રી આવાસયોજના, લર્નિંગ લાઈસન્સ, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના, બેંક ધિરાણ યોજના સહિત વિવિધ વ્યક્તિલક્ષી યોજનાઓના લાભો મેળવ્યા હતા.
આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિધવાસહાયના 47 લાભાર્થીઓને પાસબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકાપંચાયત હાલોલ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત પર્યાવરણ ફ્રેન્ડલી ૨૦૦ થેલીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.