વિજયનગર તાલુકાની ધોલવાણી રેન્જ કચેરી ખાતે વિનામૂલ્યે વાંસ વિતરણ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) મોડાસા, સાબરકાંઠા વન વિભાગ હેઠળની વિજયનગર તાલુકામાં આવેલી ધોલવાણી રેન્જ કચેરી ખાતે જંગલ વિસ્તારની આજુબાજુ વસવાટ કરતા તમામ લોકોને વાંસ વિતરણ કરવાનો કાર્યક્રમ આજરોજ યોજીને રેન્જમાં ભેગા કરાયેલા ૬૮ હજાર જેટલા વાંસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં ચાર વર્ષ કરતા વધુ અને જૂના થયેલ વાંસનો સમાવેશ થાય છે.
ધોલવાણી રેન્જ હેઠળના જંગલ વિસ્તારમાં ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન વાંસ સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી . આ કામગીરી દરમ્યાન વાંસના ઝૂંડમાંથી વાંકા ચૂકા અને સડી ગયેલી વાંસ દુર કરી ચાર વર્ષ કરતા વધારે જૂના અને પરિપક્વ થયેલ હોય તેવી કુલ- ૬૮૦૦૦ જેટલી વાંસની વળીઓ યોગ્ય પદ્ધતિથી કાપીને ધોલવાણી રેન્જ કચેરી ખાતેના સેન્ટ્રલ ડેપોમાં લાવી એકત્રિત કરવામાં આવેલ હતી.
આ રીતે એકત્રિત કરેલ વાંસની તમામ વળીઓ જિલ્લા વન અધિકારી શ્રી હર્ષકુમાર જે ઠક્કરે જંગલ વિસ્તારની આજુબાજુ વસવાટ કરતા તમામ લોકોને વિના મૂલ્યથી વિતરણ કરી દેવાની આપેલ સૂચના અન્વયે ધોલવાણી રેન્જના કાર્યવિસ્તારમાં આવતા તમામ ગામડાના લોકોને વાંસ વિતરણ કાર્યક્રમ અંગેની અગાઉ થી જાણ કરવામાં આવતા તારીખ ૫/૩/૨૦૨૩ ના રોજ મોટી સંખ્યામાં લોકો વાંસ મેળવવા માટે હાજર રહ્યા હતા જે અન્વયે આખો દિવસ વાંસ વિતરણ કરવાનો કાર્યક્રમ શરૂ રાખવામાં આવેલ હતો.
વાંસ વિતરણ કાર્યક્રમ માં વાંસ લેવા આવનાર દરેક લાભાર્થી નો આધાર કાર્ડ નંબર અને નામ નોધી વિના મૂલ્ય થી વાંસ આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમ દરમ્યાન ધોલવાણી રેન્જના આરએફઓ જયેન્દ્રસિંહ આર વાઘેલા અને તમામ સ્ટાફ વાંસ મેળવવા આવેલા લાભાર્થીઓ સામે એક લાઈનમાં ઊભા રહી ને હાથ જાેડીને તમામ લોકોને જંગલ વિસ્તારનું બિન અધિકૃત દબાણ અને આગથી થતું નુકશાન અટકાવવાની કામગીરીમાં સહયોગી બનવા વિનતી કરી હતી અને જંગલો નું મહત્વ સમજાવી જંગલોનું રક્ષણ અને સૌવર્ધન કરવાનો સંદેશ આપી વાંસ વિતરણ કરવાનો કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવેલ હતો.