Western Times News

Gujarati News

ડીકન યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ સંસ્થાઓ વચ્ચેની પાર્ટનરશીપ પરિણામલક્ષી બનશે: મુખ્યમંત્રી

ભારત અને ઓસ્ટ્રેલિયાના ગાઢ શૈક્ષણિક સબંધોની ઉજવણી માટે  વિશેષ કાર્યક્રમનું આયોજન; ગિફ્ટ સિટી ખાતે સ્થપાશે પ્રથમ ફોરેન યુનિવર્સિટી કેમ્પસ

ભારત અને ઓસ્ટ્રેલિયાના દ્વિપક્ષીય સંબંધો અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો વિશેષ લાભ ગુજરાતને મળશે : મુખ્યમંત્રીશ્રી

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શ્રી એન્થની અલ્બનીઝ એમપી  ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટીના સર્વપ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ સ્થપાવા જઈ રહ્યું છે. Partnership between Deacon University and Indian educational institutions will be fruitful: Chief Minister

ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાના મજબૂત શૈક્ષણિક સબંધોની ઉજવણી માટે અમદાવાદ ખાતે આજે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રી, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડીકન યુનિવર્સિટીને ગુજરાતમાં આવકારતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત આજે દેશનું રોલ મોડેલ બન્યું છે અને તેમના જ માર્ગદર્શનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતને એજ્યુકેશન હબ બનાવવાનું મિશન પણ ગુજરાત સરકારે કાર્યાન્વિત કર્યું છે… સાથે સાથે એજ્યુકેશન પોલીસી અંતર્ગત ભારતની શિક્ષણ નીતિનું આંતરરાષ્ટ્રીય કક્ષાની બનાવવાની પહેલ પણ તેમના જ માર્ગદર્શનમાં કરવામાં આવી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં ફોરેન યુનિવર્સિટી સ્થાપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જોઈન્ટ/ ડ્યુઅલ/ ડિગ્રી ડ્રાફ્ટ રેગ્યુલેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે, એ પરિપ્રેક્ષ્યમાં ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટી ગાંધીનગર નજીક ગિફ્ટ સિટીમાં તેનું આંતરરાષ્ટ્રીય કેમ્પસ શરૂ કરી રહ્યું છે, તે ગુજરાત માટે ગૌરવની વાત છે. ડીકન યુનિવર્સિટીનો ‘ભારતમાં, ભારત  સાથે અને ભારત માટે’નો અભિગમ આવકાર્ય છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત અને ડીકન યુનિવર્સિટી વચ્ચે લગભગ છેલ્લા ત્રણ દશકથી સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ડીકન યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ સંસ્થાઓ, ઉદ્યોગ તથા સરકાર વચ્ચેની પાર્ટનરશીપ પરિણામલક્ષી બનશે, એટલું જ નહીં પરંતુ ઉદ્યોગ જગતમાં ગ્રેજ્યુએટ મેનપાવર ઉપલબ્ધ કરવા ગિફ્ટ સિટીએ નિશ્ચિત કરેલા લક્ષ્યાંકને સાકાર કરવા ડીકન યુનિવર્સિટી-ઈન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ સહાયરૂપ બનશે તેવો વિશ્વાસ છે.

ગિફ્ટ સિટી એ વિશ્વ માટે ભારતનું પ્રથમ ફાઇનાન્શિયલ એન્ડ ટેકનોલોજી ગેટ-વે હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગિફ્ટ સિટીમાં બેન્કિંગ, ઈન્શ્યોરન્સ અને ફાઇનાન્શિયલ માર્કેટમાં અંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે  વૈશ્વિક સ્તરનું  ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે.

જે ઈન્ટરનેશનલ યુનિવર્સિટીઝ ગિફ્ટ સિટીમાં પોતાની બ્રાંચ કેમ્પસ ખોલવા માંગતી હોય તેમને તમામ સહયોગ આપવા ગુજરાત તત્પર છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ  સાથે ગુજરાતે વર્ષ 2018માં સિસ્ટર સિટી એગ્રીમેન્ટ પણ કર્યો છે. એટલું જ નહીં ગુજરાત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લાંબા સમયથી નાગરિક જોડાણ પણ રહ્યું છે. ભારત અને  ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ આપવા  ફ્રી-ટ્રેડ એગ્રીમેન્ટ(એફ.ટી.એ.) એક સક્ષમ માધ્યમ બન્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું હોવાનો ઉલ્લેખ કરી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, બાયલેટરલ રિલેશન્સ અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો વિશેષ લાભ ગુજરાતને મળશે. ઓસ્ટ્રેલિયા અને ભારત એમ બંને દેશોએ દસથી વધુ  સ્ટ્રેટેજિક સેક્ટર્સમાં સંભવિત સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

જેમ્સ એન્ડ જ્વેલરી, એગ્રીકલ્ચર, ટુરિઝમ, હેલ્થ એન્ડ ફાર્મા, તથા એનર્જી જેવા બહુવિધ ક્ષેત્રોમાં ગુજરાત ભારતનું અગ્રણી રાજ્ય છે, ત્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંતર્ગત વર્ષ 2027 સુધીમાં  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પચાસ બિલિયન યુ.એસ. ડોલરના  ટ્રેડ એન્ડ કોમર્સના  સંભવિત લક્ષ્યને હાંસલ કરવા ગુજરાત પણ  મહત્વપૂર્ણ પ્રદાન કરશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઈઓ શ્રી તપન રે, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી એસ. જે. હૈદર સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીશ્રીઓ, યુનિવર્સિટીઝ ઑસ્ટ્રેલિયાના સીઈઓ સુશ્રી કેટરીના જેક્સન, ડીકન યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી જોન સ્ટેનહોપ, ડીકન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી પ્રો. લેન માર્ટીન, ગિફ્ટ સિટી તથા IFSCAના અધિકારીઓ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.