માતાએ એવું તે શું કહ્યુ કે દિકરીએ જીવન ટૂંકાવી દીધું
(એજન્સી)રાજકોટ, શહેરમાં વધુ એક કોલેજીયન યુવતીના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ધુળેટીના દિવસે માતાએ મોબાઇલ મૂકીને પરીક્ષાલક્ષી વાંચન કરવાનું કહેતા કોલેજીયન યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.
આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના સહકારનગરમાં આવેલા દામજી મેપા પ્લોટમાં રહેતી તેમજ કણસાગરા કોલેજમાં કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય વિશ્વા પુનાભાઈ ખાંડેખાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વિશ્વા ખાંડેખાને તેની માતા ભરતી બહેને પરીક્ષા નજીક છે. મોબાઇલ મૂકી વાંચવા બેસી જા, તેમ કહ્યું હતું. જે બાબતનું તેણીને લાગી આવતા તે પોતાના રૂમમાં જતી રહી હતી. ત્યાર બાદ દરવાજાે અંદરથી બંધ કરીને તેને પોતાની ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.
વિશ્વાનો નાનકડો ભાઈ રક્ષિત ખાંડેખા જ્યારે રૂમનો દરવાજાે ખખડાવી રહ્યો હતો ત્યારે અંદરથી દરવાજાે ન ખોલતા તેને પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનોએ લોક તોડી રૂમમાં પ્રવેશ કરતા વિશ્વા લટકતી હાલતમાં જાેવા મળી હતી. તાત્કાલિક અસરથી પરિવારજનો દ્વારા ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી પરંતુ ૧૦૮ની ટીમ દ્વારા વિશ્વાને સ્થળ પર જ મૃત જાહેર કરવામાં આવી હતી. વિશ્વા એક ભાઈ અને એક બહેનમાં મોટી હતી.