Western Times News

Gujarati News

વ્યારા તથા વડનગર રમતગમત સંકુલ ખાતે અદ્યતન સ્પોર્ટસ હોસ્ટેલ બનાવાશે

Sama Vadodara Sports complex

પ્રતિકાત્મક

  • ગુજરાત વૈવિધ્યપૂર્ણ વારસાનું સંરક્ષણ અને સંવર્ધન થાય તથા નવી પેઢી સંસ્કૃતિ-કલા પરત્વે અભિમુખ થાય તે માટે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સતત પ્રયાસરત

ગુજરાત રાજ્ય સમૃધ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક, સાહિત્યિક વારસો ધરાવે છે. આ વૈવિધ્યપૂર્ણ વારસાનું સંરક્ષણ અને સંવર્ધન થાય તથા નવી પેઢી સંસ્કૃતિ-કલા પરત્વે અભિમુખ થાય તે માટે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સતત પ્રયાસરત છે.

રાજ્યમાં રમતગમત ક્ષેત્રે કૌશલ્યવાન યુવા રમતવીરોને પ્રોત્સાહન આપી, તાલીમ અને સંસોધનો પુરા પાડી, યુવા રમતવીરોની પ્રતિભાનો દેશ અને દુનિયાને પરિચય થાય તે માટે બહુ આયામી આયોજનો અને વૈવિધ્યપૂર્ણ યોજનાઓનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવી રહ્યો છે તેમ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે. State-of-the-art sports hostels will be constructed at Vyara and Vadnagar sports complexes

મંત્રીશ્રીએ કહ્યુ કે, ગુજરાતનાં યુવાનોમાં રમત પ્રત્યે અભિમુખતા વધે, રમત કૌશલ્યો વિકસે, ખેલદિલીની ભાવના વધુ દ્રઢ થાય, યુવાનો ઓજસ્વી, તેજસ્વી અને બળવાન બને તે હેતુથી કામ કરી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ધદ્રષ્ટિ સાથે “ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત”ના મંત્ર સાથે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ વિભાગ આગેકદમનાં જુસ્સા સાથે આગળ વધી રહ્યો છે.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, તાજેતરમાં રમાયેલી ટોક્યો ઓલમ્પિક્સમાં સૌ પ્રથમ વખત ગુજરાતની ૬ મહિલા રમતવીરોએ ભાગ લીધો જે સૌ ગુજરાતીઓ જ નહિ, સમગ્ર ભારતવાસીઓ માટે ગૌરવની બાબત છે. ગુજરાતમાં સ્પોર્ટ્સનાં નવા યુગની આ માત્ર શરૂઆત હોવાનું કહી તેમણે ઉમેર્યુ કે, ઈંગ્લેન્ડના બર્મિંઘમ ખાતે આયોજીત કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨માં પણ ગુજરાતના ૬ રમતવીરોએ ભાગ લીધો હતો.

જેમા હરમિત દેસાઇએ ગોલ્ડ મેડલ જીતીને તથા ગુજરાતની દિકરીઓ ભાવિના પટેલ તથા સોનલ પટેલે પેરા ગેમ્સમાં મેડલ મેળવીને રાજ્યનું નામ રોશન કર્યુ છે. આ યાત્રાને આગળ વધારવા અને ગુજરાતને સ્પોર્ટિંગ ઇવેન્ટ અને પ્રવૃત્તિઓ માટે હબ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં એથલેટ્સને સંસાધનો અને ટેકો મળે, ઉચ્ચ સ્તરે શ્રેષ્ઠતા હાંસલ કરી શકે તે માટે ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ માટે મજબૂત સિસ્ટમ અમલીકરણ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, દેશના અન્ય રાજ્ય વ્યાપક માળખાકીય અને સંસ્થાકીય સુવિધાઓની જરૂરિયાતને કારણે નેશનલ ગેમ્સ હોસ્ટ કરવા તૈયાર નહોતા ત્યારે સાત વર્ષનાં લાંબા અંતરાલ બાદ માત્ર ૧૦૦ દિવસ જેટલા ટૂંકા સમયમાં ગુજરાતે પ્રતિષ્ઠિત ૩૬મી નેશનલ ગેમ્સ સપ્ટેમ્બર-ઓક્ટોબર ૨૦૨૨ માં સફળતાપૂર્વક હોસ્ટ કરીને બીજા રાજ્યો માટે ઝળહળતું ઉદાહરણ પુરું પાડ્યું છે.

ગુજરાતમાં યોજાયેલી ૩૬મી નેશનલ ગેમ્સ ભારતની સૌથી મોટી મલ્ટીસ્પોર્ટ મેગાસ્પોર્ટ ઇવેન્ટ હતી, જેમાં ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ૩૬ રમતગમત શાખાઓનાં સર્વિસ બોર્ડનાં ૧૪૫૦૦ થી વધુ એથલેટ્સ, કોચ અને સપોર્ટ સ્ટાફે ભાગ લીધો. ઇતિહાસમાં સૌપ્રથમ વખત, આ સ્તરની રમત માટે કોઇપણ નવું સ્પોર્ટ્સ માળખું ઊભું કર્યા વગર ગુજરાતે, અન્ય રાજ્યોને નવાં મોડલની શીખ આપી છે.

ઉપલબ્ધ પ્રાઇવેટ સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યુટસ, કન્વેન્શન સેન્ટર અને શિક્ષણ કેન્દ્રોમાં સુધારા-વધારા કરીને તેને નેશનલ ગેમ્સ માટે વિશ્વ સ્તરની સ્પોર્ટ્સ સુવિધાઓ તરીકે તૈયાર કરવામાં આવી. ગર્વની વાત છે કે ૩૬મી નેશનલ ગેમ્સમાં ગુજરાતે ‘મેડલ ટેલી’માં ૧૨મું સ્થાન હાંસલ કરીને નેશનલ ગેમ્સની શરૂઆતથી અત્યાર સુધીમાં સૌથી શ્રેષ્ઠ દેખાવ કર્યો છે.

આપણાં એથ્લેટસએ રાજ્ય માટે ૧૩ ગોલ્ડ, ૧૫ સિલ્વર અને ૨૧ બ્રોન્ઝ મેડલ મળીને કુલ ૪૯ મેડલ જીતીને વિવિધ સ્પોર્ટસમાં અત્યાર સુધીનો અભૂતપૂર્વ દેખાવ કર્યો. તેમની સફળતા રાજ્યની સ્પોર્ટિંગ સમુદાયની પ્રતિભા અને સખત મહેનતનો પુરાવો છે.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ એ ‘ખેલે તે ખીલે’ ના અભિગમ સાથે ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના નારા સાથે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. તેમ રમતના માધ્યમથી યુવા શક્તિને રાષ્ટ્રીય ચેતનાના જાગૃત નાગરિક બનવવાનો રાજ્ય સરકારનો આ પ્રયાસ છે.

ગ્રાસ રૂટથી ઉચ્ચ સ્તર સુધી, ગુજરાત સરકાર સ્પોર્ટ્સ ઇકો-સિસ્ટમને મજબૂત કરવા સતત પ્રયાસ કરી રહી છે. રાજયમાં ૨૦૧૦થી નિયમિત દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેણે આજે ભારતની ગ્રાસરૂટ સ્તરની મોટામાં મોટી મલ્ટિ-સ્પોર્ટ્સ હરિફાઇનું સ્વરૂપ લીધું છે.

વર્ષ ૨૦૨૨માં યોજાયેલા ૧૧ માં ખેલ મહાકુંભમાં ૫૫ લાખ રજિસ્ટ્રેશનનો રેકોર્ડ થયો હતો અને તેને ભવ્ય સફળતા મળી હતી. ચાલુ વર્ષે ખેલ મહાકુંભ હેઠળ જિલ્લા અને રાજય કક્ષાએ વિજેતા થનાર ખેલાડીઓને કુલ રૂ.૪૦ કરોડ જેટલી રકમના પુરસ્કાર અને આયોજન માટે રૂ.૭૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ સાથે દિવ્યાંગ ખેલાડીઓને માટે પણ દર વર્ષની જેમ સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવશે. જેના માટે રૂ. ૨ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ જણાવ્યુ કે, વિદ્યાર્થીઓને શાળા જીવન દરમિયાન જ શિક્ષણની સાથે ખેલકુદ અંગેની યોગ્ય તાલીમ મળી રહે તે માટે ઇનસ્કૂલ અને ડીસ્ટ્રીક લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના અમલમાં મૂકાયેલી છે. હાલ ૨૯ જિલ્લાઓમાં ૪૧ ડીસ્ટ્રીક લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) કાર્યરત છે, જેમાં કુલ ૪૮૦૦થી વધારે વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે વિવિધ રમતોમાં નિષ્ણાંત કોચ અને ટ્રેનર દ્વારા પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. જયારે ર૩૯ શાળાઓમાં  ઇનસ્કૂલ યોજના શરૂ  કરવામાં આવી છે. જેમાં  આશરે  ૧.૨૫ લાખ જેટલા વિધાર્થીઓએ આનો લાભ લીધો છે.

મંત્રીશ્રીએ કહ્યુ કે, આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિભાશાળી ખેલાડીઓને તથા ઓલિમ્પિક કક્ષાના રમતવીરો તૈયાર કરવાના ધ્યેય સાથે શક્તિદૂત યોજના અમલમાં મૂકી છે. જેમાં ૬૪ ખેલાડીઓની શક્તિદૂત તરીકે પસંદ કરી તે પૈકી ૨૩ ખેલાડીઓને ઓલિમ્પિકના ટાર્ગેટેડ ખેલાડી તરીકે ધનિષ્ઠ તાલીમ આપી તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ચાલુ વર્ષમાં આ યોજના હેઠળ રૂ.૧.૫૦ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. એટલુ જ નહિ, રાજ્ય સરકાર શક્તિદૂત યોજનાનો લાભ વધુમાં વધુ ખેલાડીઓને મળી રહે તે માટે શક્તિદૂત યોજના ૨.૦ પર કામગીરી કરી રહી છે. આ યોજનાનો અમલ થવાથી ખેલાડીઓની પસંદગીમાં પારદર્શકતા આવશે.

ખેલાડીઓની પસંદગીની પ્રક્રિયામાં સુધારો કરવામાં આવશે, ખેલાડીઓને મળવાપાત્ર નાણાકીય સહાયમાં વધારો પણ થશે તથા આ યોજનાનો લાભ લેનાર ખેલાડીની સંખ્યામાં વધારો થશે. આ ઉપરાંત, પ્રથમવાર આ યોજનામાં દિવ્યાંગ ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવશે. શક્તિદૂત યોજના ૨.૦ અંતર્ગત તમામ ધારાસભ્યશ્રીઓને ઇમેઇલ કરીને આ યોજનામાં ખેલાડીઓ માટે હજુ શું શ્રેષ્ઠ કરી શકાય તેના સૂચનો પણ મંગાવવામાં આવશે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાષ્ટ્રકક્ષાની તથા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના વિજેતા ગુજરાતના ખેલાડીઓને રાજય સરકાર દ્વારા રૂ.૧૦ હજાર થી રૂ.૫ કરોડ સુધીની રકમના ખેલપ્રતિભા પુરસ્કાર આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ચાલુ વર્ષે ૧૭૨ વિજેતા ખેલાડીઓને ૬ કરોડ રૂપિયાના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા છે.

મંત્રીશ્રીએ માળખાકીય સુવિધાઓ અંગે માહિતી આપતા ઉમેર્યુ કે, રાજય સરકાર વર્ષ-૨૦૦૬થી સરદાર પટેલ રમત સંકુલ યોજના થકી રમતગમતની માળખાગત સુવિધાઓનો વિકાસ કરી રહી છે. હાલમાં ૧૯ જિલ્લાઓમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ કાર્યરત છે, વધુમાં ૧૧ જિલ્લા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં જરૂરીયાત મુજબ અદ્યતન સુવિધાઓ સાથેની કામગીરી પ્રગતિ હેઠળ છે.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર ખાતે જીલ્લા રમત સંકુલના નિર્માણ અંગેની નવી બાબત રજૂ કરવામાં આવી છે તથા ગાંધીનગર અને તાપી જિલ્લામાં રમત સંકુલના નિર્માણની કામગીરી પ્રગતિમાં છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સામાન્ય તથા આદિજાતિ વિસ્તારમાં રહેતા પ્રતિભાશાળી યુવાનોને રમતગમત અંગેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વર્ષ ૨૦૨૩-૨૪માં જિલ્લા તથા તાલુકા કક્ષાએ રમત સંકુલોનું નિર્માણ,

જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા હાઈ પરફોર્મન્સ સેન્ટર બનાવવા બાબતની કામગીરીનું આયોજન છે. આ આયોજનો માટે ચાલુ વર્ષે ૩૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વધુમાં ખેલાડીઓને વિવિધ સ્પર્ધાઓ અને કેમ્પ દરમિયાન નિવાસની સુવિધા મળી રહે તે માટે ૧૬ અદ્યતન સ્પોર્ટસ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યુ છે. ઉપરાંત વ્યારા તથા વડનગર રમતગમત સંકુલ ખાતે અદ્યતન સ્પોર્ટસ હોસ્ટેલ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે.

આ વિવિધ પહેલ દ્વારા, ગુજરાતનું સ્પોર્ટિંગ વિઝન, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં વિઝન સાથે એક થઇ ભારતને વિશ્વનું સ્પોર્ટસ સુપરપાવર બનાવે તેવી ઇચ્છાશક્તિ સાથે ગુજરાત કામ કરી રહ્યુ છે.

જેના પરિણામે સ્પોર્ટસ અને ફિટનેસ માટે ગુજરાત હંમેશા અગ્રેસર રહેશે તેવિ વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. ગુજરાતનું સ્પોર્ટસ સેક્ટર વિકસી રહ્યું છે અને તેને વધુ સુદૃઢ અને સક્ષમ બનાવવા માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.