Western Times News

Gujarati News

રાજ્ય કક્ષાની હેકાથોનમાં વલસાડની સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ વિજેતા

ફૂલોના રીસાયકલીંગનો પ્રોબ્લેમ સોલ્વ કરવા બદલ રૂ. ૫૦ હજારના ઈનામ સાથે પ્રથમ ક્રમ મેળવ્યો

(પ્રતિનિધિ) વલસાડ, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી) ગુજરાત દ્વારા રાજ્યમાં વિવિધ સરકારી વિભાગો તથા ઔદ્યોગિક એકમોના ટેકનિકલ તથા નોન ટેકનિકલ પ્રોબ્લેમ્સનું વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તમ સોલ્યુશન મળી શકે તે હેતુસર રાજ્ય સ્તરની હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓની બે ટીમ વિજેતા બની હતી.

વલસાડની સરકારી ઈજનેરી કોલેજના કેમિકલ વિભાગના વિદ્યાર્થીઓ આદિત્ય સપકલ, શ્રેય બરસવાડે, કિર્તી બોબરે, વિરલ પટેલ, વિપરાજ સિંગ તથા આલોક સિંગ અને પલક મુંજાણીની ટીમને વિભાગના અધ્યાપક ડો. સંજય શ્રીવાસ્તવ દ્વારા ગાઈડ કરવામાં આવ્યા હતા. આ ટીમ દ્વારા દ્વારકા મામલતદાર ઓફીસ દ્વારા રજૂ કરવામાં આવેલા “મંદીરમાં ચઢાવવામાં આવતા ફૂલોના રીસાયકલીંગ”ના પ્રોબ્લેમ પર રીસર્ચ કાર્ય કરવામાં આવ્યું હતું.

આ ફૂલો એક વાર ઉપયોગમાં લેવાયા બાદ તેમાંથી મોસકીટો રીપેલેન્ટ બનાવી ફૂલોના રીસાયકલીંગનો પ્રોબ્લેમ સોલ્વ કરી બતાવ્યો હતો. હેકાથોન માટે નિમાયેલી એક્સપર્ટ કમીટિને રાજ્યભરમાંથી આવેલી વિવિધ ટીમોએ દર્શાવેલા સોલ્યુશન પૈકી આ ઉત્તમ સોલ્યુશન જણાયું હતું અને ટીમને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવી હતી. તેઓની આ સીદ્ધિ બદલ રાજ્ય સરકાર તફથી તેઓને રૂ.૫૦,૦૦૦/- નું ઈનામ આપવાની ઘોષણા કરાઈ હતી. આ જ ટીમ દ્વારા આ પ્રોજેકટ તાજેતરમાં પૂના ખાતે આવેલી પ્રખ્યાત MIT એકેડેમી ઓફ એન્જિનિયરિંગ દ્વારા યોજાયેલ નેશનલ કોન્ફરન્સમાં પોસ્ટર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં પણ તેઓ બેસ્ટ પોસ્ટર તરીકે વિજેતા થયા હતા.

વલસાડની સરકારી ઈજનેરી કોલેજની બીજી એક ટીમ દ્વારા રાજયના Agriculture, Farmers Welfare & Co-operation Department દ્વારા રજુ કરાયેલા “બાયોમાસ બેઝ્‌ડ એનર્જી સોલ્યુશન” પર સંશોધન કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં કેમિકલ વિભાગના વિદ્યાર્થીઓ જસમીત કોર, વિરલ પટેલ, આલોક સિંહ અને પ્રતિક લીંબાચીયાની ટીમને સંસ્થાના કેમિકલ વિભાગના પ્રોફેસર રાહુલ પ્રજાપતિ દ્વારા ગાઈડ કરવામાં આવી હતી.

ટીમ દ્વારા બાયોમાસમાંથી વિવિધ કેમિકલ બનાવવાની ઇનોવેટીવ પ્રક્રીયા રજૂ કરતાં આ પ્રોજેક્ટને રાજ્ય સ્તરે ત્રીજા ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. તે બદલ ટીમ રૂ. ૨૦,૦૦૦/- નું ઈનામ જીતી છે. સંસ્થાના વિદ્યાર્થીઓ ટેકનિકલ શિક્ષણ મેળવી તેનો ઉપયોગ ઈન્ડસ્ટ્રી અને અન્ય વિભાગોના પ્રશ્નોનાં નિરાકરણ માટે કરે તે ખૂબ જ જરૂરી છે. આ માટે સંસ્થાના આચાર્ય ડો. વી. એસ. પુરાણી દ્વારા વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.