આત્માને ઓળખ્યા વિના ભવના ફેરામાંથી મુક્તિ નથી, ખુદને ઓળખો
પોશીનામાં પૂ.રામજીબાપા અને પૂ.નરસિંહબાપાનો સત્સંગ યોજાયો
તસવીરઃ બકોર પટેલ (પ્રતિનિધિ)મોડાસા, સાબરકાંઠા જિલ્લામાં ઇડર પોશીના ગામે પૂ.સંત રામજીબાપા (ધોલવાણી વાળા)અને પૂ.સંત નરસિંહબાપા(કાંકણોલ વાળા)નો દિવ્ય સત્સંગ મેળાવડો યોજાયો હતો. ગામજનો દ્વારા ઉમંગભેર બન્ને સંતોનું સામૈયું કરી ધન્યતા અનુભવી હતી.
આ પાવન સત્સંગ સમારોહમાં બન્ને સમર્થ સંતોએ દિવ્ય વાણી દ્વારા મુમુક્ષુઓ,ભાવિકોને રસ અંતરભાવ માં રસ તરબોળ કરી દેતા જણાવ્યું હતું કે બહાર શોધવાથી કઈ નહિ મળે,ખુદમાં જ દિવ્ય આત્માનો પરિચય કરી લેવો. મહામુલો આ માનવ જન્મ મળ્યો છે એને માયા અને આસક્તિમાં રચ્યાપચ્યા રહીને ક્યારેય એળે જવા દેવા જેવો નથી.
પૂ.શ્રીમદ્દ રામજીબાપા(લક્ષ્મીપુરા), પૂ.શ્રીમદ્દ નાથુબાપા (મુનાઈ)અને પૂ.શ્રીમદ્દ જેસિંગબાપા ગાંઠિયોલ વાળા સદગુરૂ ભગવંતોના દિવ્ય અમૃત વચનો થકી આપણે ચોર્યાશીના ફેરામાંથી મુક્તિ મેળવવાની છે.
માટે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરામાંથી મુક્તિ નથી અને ખુદને ઓળખો, આપણને જગાડવા આવા સમર્થ સંતોએ એમની દિવ્ય વાણી અને અલૌકીક વચનો ની આપણને ભેટ ધરી છે. છળ, કપટ,મારું-તારું અને માલિકીપણુંમાં મોહ અને આસક્તિ આત્માની ઓળખમાં બાધારૂપ છે,
સંતો ની કૃપા થકી જ એ આસક્તિ ટળે તેમ છે.એક શ્વાસ પણ વધુ લેવાની કોઈની તાકાત નથી,ગમે તેટલા રૂપિયા,પૈસા,દોમદોમ સાહ્યબી હશે તોય એના થકી એક શ્વાસ વધારી શકાય એમ નથી.અવધિ પુરી થઈ એટલે મોટા મહારથી પણ એક પળ ય અહીં રહેવા સમર્થ નથી.
આપણે સંસારમાં બધી જ બાબતોની કાળજી રાખીએ છીએ,રૂપિયા, મિલકત, બૈરાં-છોકરાં,ઘર, બંગલા આ બધાની ચિંતા કરીએ છીએ પણ આત્માનો પળભાર ય વિચાર કરવાની કે ચિંતન કરવાની ફુરસદ નથી. પોશીનામાં સત્સંગ સમારોહમાં મોટી સંખ્યામાં સૌએ સંતોની દિવ્યવાણીનો લ્હાવો લીધો હતો.આ પાવન સત્સંગમાં સાથે શિવુંદાદા ( ખેડવાળા) અને સુખાનંદ મહારાજ. (ભાલુસના આશ્રમ)પણ ઉપસ્થિત રહ્યા હતા.