નડીઆદની સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજમાં વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ) નડીઆદ, કૉલેજમાં સ્ટુડન્ટ મોડી આવે તો દંડ આપવાનો અને પ્રિન્સીપાલ મોડા આવે તો કેમ દંડ નહિ લેવાનો? સ્ટુડન્ટ રજા પાડે તો ઘરે કાગળ લખાય તો પ્રિન્સીપાલ રજા પાડે એનું શું? આ કૉલેજ છે કે સ્કૂલ છે? કોલેજનું વાતાવરણ વિધાનસભા કરતા પણ કેમ કડક કરી દીધું છે? અમે બધા મોટી ઉંમરના થઇ ગયા છતાં કૉલેજમાં ફોન કેમ વાપરવાં દેવામાં આવતા નથી? આવા-આવા પ્રશ્નોની ઝડી ગઈકાલે ખેડા જીલ્લાની મહિલા કોલેજની સ્ટુડન્ટે પોતાના આચાર્ય સામે અને કૉલેજના સ્ટાફ સામે જયારે જાહેરમાં વરસાવી ત્યારે વાતાવરણ હાસ્ય હિલ્લોળથી ભરાઈ ગયું હતું.
નડીઆદના મીલ રોડ વિસ્તારમાં આવેલી સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજનો વાર્ષિકોત્સવ આજે અનોખી રીતે ઉજવાઈ ગયો. જેમાં હાસ્ય અદાલત ભરવામાં આવી હતી. આ અદાલતમાં સ્ટુડન્ટે ભેગાં થઇને આચાર્ય અને કૉલેજના દરેક સ્ટાફ સામે આરોપો મૂક્યાં હતા, અંતે નકલી નામદાર ન્યાયમૂર્તિએ એનો ચુકાદો પણ આપ્યો.ન્યાયમૂર્તિ તરીકે કૉલેજના જ પૂર્વ વિદ્યાર્થીની અને નડીઆદ નગરપાલિકાના કાઉન્સિલર પ્રીતીબેન વાઘેલાએ સેવાઓ આપી હતી.
તેમણે પોતાના ચુકાદામાં જણાવ્યું કે જે-જે ગુનાઓ સ્ટુડન્ટોએ જણાવ્યા છે તે બહુ સંગીન છે, જે માફ કરી શકાય તેમ નથી. માટે આચાર્ય અને સ્ટાફ અત્યારે જે વર્તન અને પ્રવૃત્તિ કરી રહ્યાં છે તે આગામી પાંચ વર્ષ સુધી કરતા રહે તેવો હાસ્યપ્રદ ચુકાદો તેમણે જણાવ્યો હતો.આ સમારંભમાં સંઘર્ષ સાથે જેણે સિધ્ધિ મેળવી છે તેવી દિકરીઓને સન્માનવામાં આવી હતી.