સોમનાથ ખાતે માસિક શિવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
સોમનાથ, સોમનાથ ખાતે અર્વાચીન પ્રણાલિકા અનુસાર માસિક શિવરાત્રી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ વદ તેરસ એટલે કે માસિક શિવરાત્રીના અવસર પર સોમનાથ મંદિરમાં રાત્રિના ૧૦ઃ૦૦ કલાકે જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી, ટેમ્પલ ઓફિસર શ્રી નિમેષભાઈ શાહ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, અને ભક્તજનો જાેડાયા હતા.
પરંતુ આ પૂજા સવિશેષ એટલા માટે બની રહી હતી કારણકે ૪૨ વર્ષ સુધી સોમનાથની સેવા કરનાર અને આ માસિક શિવરાત્રી બાદ નિવૃત્ત થઈ રહેલ પ્રક્ષાલન પૂજારી અરવિંદગિરિને સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ અને ટ્રસ્ટ દ્વારા પૂજાના મુખ્ય યજમાન બનાવી અને અદકેરું વિદાયમાન આપવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરના પૂજારીશ્રી દ્વારા શાસ્ત્રોકત વિધિ-વિધાન સાથે જ્યોત પૂજન અને જ્યોત પ્રાગટ્ય કરાવવામાં આવ્યું હતું.
માસિક શિવરાત્રીની પ્રણાલિકા અનુસાર રાત્રિના ૧૨ઃ૦૦ વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રિ પર કરવામાં આવતી આ મહાઆરતી સ્થાનિક તેમજ બહારથી આવતા શ્રદ્ધાળુઓમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. જેથી હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ‘હર હર ભોલે, જય સોમનાથ’ના નાદ સાથે મહા આરતીનો લાભ લેવા પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવની મધ્યરાત્રીની આ મહાઆરતી શ્રદ્ધાળુઓને વિશેષ ઉર્જા અને અલભ્યતાનો અનુભવ થાય છે.