Western Times News

Gujarati News

સોજીત્રામાં વીજ કનેક્શન કપાયા

નોટીસો બાદ એમજીવીસીએલની લાલ આંખ : સોજીત્રા પાલિકાનો વહિવટ ખાડે ગયો

(પ્રતિનિધિ) પેટલાદ, સોજીત્રા નગરપાલિકા દ્ધારા નગરજનોને ગટરની સુવિધા આપવામાં આવી રહી છે. જે પેટે પાલિકા વેરા પણ વસૂલ કરે છે. પરંતુ પાલિકા ગટરના વીજ કનેક્શન પેટે એમજીવીસીએલના બીલ ભરવામાં અખાડા કરતાં હતાં. લાખોના બાકી વીજ બીલ નહીં ભરતા એમજીવીસીએલના અધિકારીઓએ સોજીત્રા પાલિકા સામે લાલ આંખ કરી ગટરના વીજ કનેક્શન કાપી નાખ્યાં છે. આમ જીલ્લામાં ખંભાત બાદ સોજીત્રા પાલિકાનો વહિવટ ખાડે ગયો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ સોજીત્રા નગરપાલિકા દ્ધારા પ્રજાની સુખાકારી માટે ગટરની સુવિધા પુરી પાડવામાં આવે છે. જે પેટે પાલિકા દ્ધારા જુદા જુદા વેરા પણ ઉઘરાવવામાં આવે છે. હાલ પણ સરકારના આદેશ મુજબ દસ ટકા વેરા વળતર યોજના સોજીત્રા નગરપાલિકા હદ વિસ્તારમાં લાગુ છે. છતાં ચાલુ નાણાંકીય વર્ષ પૂર્ણ થવાના આરે છે તો પણ માત્ર ૧૫ ટકા વેરા વસૂલાત હોવાનું ચીફ ઓફિસર કિરણ શુક્લાએ જણાવ્યું હતું. સોજીત્રા પાલિકાની નબળી વસૂલાતને કારણે આર્થિક સ્થિતી કથળી ગઈ છે.

માટે જ પાલિકાના સ્વભંડોળમા પણ માત્ર બે લાખ રૂપિયા જેટલું બેલેન્સ છે. તેમાંય છેલ્લા ઘણાં સમયથી ગટરના વીજ કનેક્શનના બાકી બીલની રકમ ભરવામાં આવી ન હતી. જેથી એમજીવીસીએલ દ્ધારા બાકી રકમ ભરવા પાલિકાને નોટીસ ફટકારી તાકીદ કરવામાં આવ્યા હતા. પરંતુ સત્તાધિશોના પેટનું પાણી ન હાલતા આજે તેના ભોગ નગરજનોને બનવાનો વારો આવ્યો છે.

ગટરના વીજ કનેક્શન પેટે રૂ.૨૧.૭૬ લાખ જેટલી રકમ ભરવાની બાકી છે. જેથી આજરોજ એમજીવીસીએલની ટીમ સોજીત્રા પાલિકા અને ગટર પંપ હાઉસ ખાતે પહોંચી હતી. પરંતુ બાકી રૂ.૨૧.૭૬ લાખ પેટે માત્ર રૂ.૭૬૦૦૦ આપતા ગટરના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જેને કારણે આજથી સોજીત્રા નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી ગટરના પંપ હાઉસનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જેથી નગરજનોને પડનાર હાડમારી અંગે પૂછતાં ચીફ ઓફિસર કિરણ શુક્લાએ જણાવ્યું હતું કે જાે વીજ પુરવઠો નહીં મળવાને કારણે પંપ હાઉસ બંધ રહે તો ગટરનું પાણી નિકાલ ના થાય. જેથી વધુ દિવસો આવું રહે તો ગટરની લાઈનો ચોક-અપ થવાની સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.