ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી બેઠક તોફાની બની
ત્રણ કલાક ચાલેલી મેરેથોન બેઠકમાં પાણી વેરામાં ૫૦ ટકાનો વધારાના મુદ્દે વિપક્ષનો વિરોધ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગરપાલિકાના વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૧૬૮ કરોડ રૂપિયાનો વ્યાપ ધરાવતાં બજેટ સહિત અન્ય એજન્ડાના મુદ્દે મળેલ ખાસ સામાન્ય સભામાં પાણી વેરાના વધારાના મુદ્દે વિપક્ષે વિરોધ નોંધાવવા સાથે પ્રધાન મંત્રી આવાસના મુદ્દે શાસક પક્ષ પર પસ્તાળ પાડી હતી. ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી ખાસ સામાન્ય સભા પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી.
જેમાં શાસક વિપક્ષ વચ્ચેની ચર્ચા અને આક્ષેપોના કારણે ત્રણ કલાક જેટલી ચાલતા મેરેથોન બેઠક સાબિત થઈ હતી. બેઠક ની શરૂઆત માં જ વિપક્ષે આક્રમક રીતે શાસક પક્ષને ભીંસમાં લેવાનો પ્રયાસ કરતા વાતાવરણ ગરમાયું હતું.જેમાં સાબુગઢ પાસે બનાવવામાં આવેલ ઝૂપડપટ્ટીના રહીશો માટેના પ્રધાનમંત્રી આવાસની ફાળવણી નહી કરવા તેમજ પ્રજાના નાણાં નો વ્યય કરાયો હોવાનું જણાવી વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.આ ઉપરાંત ૨૦૧૮ બાદ ભરૂચ નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૩ – ૨૪ ના બજેટમાં પાણી વેરા માં ૯૯૦ રૂપિયાના ૧૫૦૦ એટલેકે ૫૦ ટકાનો વધારો અને સફાઈ વેરા માં પણ ૫ ટકા ના સૂચિત વધારા ના મુદ્દે વિપક્ષે વિરોધ કરી વાંધો રજું કર્યો હતો તો શાસક પક્ષે આ અંગે વાંધા સૂચનો મંગાવીને બાદ અમલ માટે હા ભણી હતી.
ભરૂચ નગરપાલિકાના આગામી વર્ષના બજેટનો રૂ.૧૬૮ કરોડ ના બજેટ માં આવક અને જાવક ના પલ્લા સરખા કરવામાં આવ્યા છે.જેમાં આગામી વર્ષ માં ખંડેર બનેલ રંગ ઉપવનના નવીનીકરણ કરવા ની તેમજ કોન્વેન્ટ સ્કુલ પાસે બનનારા ઓવરબ્રિજ સહિત ના આયોજન માટેની જાેગવાઈ કરવામાં આવી છે.મેરેથોન બેઠક બાદ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ આગામી આયોજનો અંગે માહિતી આપવા સાથે પાણી પૂરું પાડવામાં રૂ.૧૩ કરોડ થી વધુ નો ખર્ચ થતો હોય તે સામે વેરા માંથી માત્ર ૩ કરોડ ની જ આવક થતી હોય પાણી વેરો વધારવો પડે તેમ કહી વેરા વધારા નો બચાવ કર્યો હતો.
વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદે કોરોનાના બે વર્ષના કપરા સમય બાદ પાલિકા દ્વારા વેરામાં વધારો કરવા સામે સખત વિરોધ વ્યક્ત કરી આ મુદ્દે પ્રજા વચ્ચે જવાની ચીમકી ઉચ્ચારી હતી.તેઓએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કર્યો હતો. બજેટલક્ષી ખાસ સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન નરેશ સુથારવાલા,શાસક પક્ષના નેતા રાજશેખર દેશનવર,વોટર વર્કસ સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તો વિપક્ષ માંથી દંડક હેમેન્દ્ર કોઠીવાલા,સલીમ અમદાવાદી,ઈબ્રાહીમ કલકલ સહિતના સભ્યો ચર્ચામાં સામેલ થયા હતા.