Western Times News

Gujarati News

રાજ્યમાં આગામી સમયમાં 8000થી વધુ પોલીસ કર્મીઓની ભરતી કરાશે

રાજ્યના નાગરિકોની સુખાકારી, શાંતિ, સલામતીમાં ઉત્તરોત્તર  વધારો કરવો એ જ અમારો મક્કમ નિર્ધાર: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

·         રાજ્યની પોલીસ આજે ગુનાઓ પકડવા અને શોધવાની સાથે સાથે સામાજિક જવાબદારીઓમાં પણ સહભાગી બની છે એ આપણા સૌ માટે ગૌરવ તમામને અભિનંદન

·         રાજ્યના યુવાનોને ડ્રગ્સના દૂષણમાંથી મુક્ત કરવા આપણે સૌએ મુહિમ ચલાવવી પડશે: અમે “ડ્રગ્સ રિવોર્ડ” પોલીસી થકી પોલીસને મનોબળ પૂરું પાડ્યું: દરિયાકાંઠાના ગેરકાયદેસર બાંધકામો દૂર કરી સીમાઓ સુરક્ષિત કરી

·         વ્યાજખોરીના દૂષણથી નાગરિકોને સુરક્ષિત કરવા રાજ્ય વ્યાપી મુહીમ: 3,500 લોક દરબાર યોજી 1200 ગુનેગારો પકડ્યા

છેલ્લા બે વર્ષમાં માત્ર 100 દિવસમાં 19 ગુનામાં ચુકાદો લાવી 6 ગુનેગારોને ફાંસી 10 ગુનેગારોને આજીવન કેદ આપી ગુજરાત દેશભરમાં મોખરે

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની સુખાકારી, શાંતિ અને સલામતીમાં ઉતારોતર વધારો કરવાના મક્કમ નિર્ધાર સાથે અમારી સરકાર સતત આગળ વધી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના દૂરંદેશી આયોજનના પરિણામે ગુજરાત આજે કાયદો વ્યવસ્થાના સુવ્યવસ્થિત પાલન થકી સુરક્ષા ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોખરે છે.

આજે વિધાનસભા ખાતે ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે જે તે સમયે રાજ્યમાં શાંતિ સલામતી માટેના લીધેલા નિર્ણયો આજે ફળીભુત  થયા છે.  છેલ્લા 22 વર્ષમાં એવું તો શું થયું કે ગુજરાત આજે કાયદો વ્યવસ્થા સંદર્ભે દેશમાં નંબર વન બન્યું છે.

એની પાછળ રાજ્ય સરકારની દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને સુપેરે નિભાવવા માટે પોલીસ અધિકારીઓની કામગીરીમાંથી રાજકીય ખટપટો-અડચણ દૂર કરીને ફરજો નિભાવવામાં સ્વતંત્રતા આપી જેના પરિણામે આ શક્ય બન્યું છે તેમણે ઉમેર્યું. રાજ્યની પોલીસ આજે ગુનાઓ પકડવાની સાથે સાથે સામાજિક જવાબદારીઓમાં પણ સહભાગી બનીને નાગરિકોની સેવામાં સેવાવૃત બની છે તે આપણા સૌ માટે ગૌરવ છે તે તમામને હું રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનું છું.

મંત્રીશ્રી સંઘવીએ ઉમેર્યું કે, રાજ્યના યુવાનોને નશાની ચુંગલમાંથી મુક્તિ અપાવવી એ જ અમારો નિર્ધાર છે ત્યારે દારૂના દુષણને ડામવા માટે આપણે સૌ પક્ષા પક્ષીથી પર રહીને સામાજિક જવાબદારી નિભાવીને સામૂહિક લડત લડીશું તો ચોક્કસ આપણે સફળ થઈશું.

તે જ રીતે પ્રવર્તમાન યુગમાં ડ્રગ્સનું દુષણ જે રીતે વધી રહ્યું છે તેને નાથવા માટે પણ આપણે જાગૃતિ કેળવાય તેના પ્રયાસો કરીને મુહિમ ચલાવી પડશે. ડ્રગ્સને પકડવા માટે પોલીસ કર્મીઓના મનોબળને વધારવા માટે ડ્રગ્સ રીવોર્ડ પોલીસી બનાવનાર એકમાત્ર રાજ્ય ગુજરાત છે. પોલીસની નિષ્ઠા અને નૈતિકતાના પરિણામે જ આજે રાજ્યમાં ક્રાઈમ રેટ ઘટયો છે અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સને દરિયામાંથી ભારતમાં ઘુસતું અટકાવ્યું છે. અહીં દરિયાકાંઠાના વિસ્તારોમાં પેડલરો દ્વારા જે અનઅધિકૃત બાંધકામ કર્યા હતા તે તમામનો સફાયો કરીને અમારી સરકારે દરિયાઈ સુરક્ષા વધુ સુદ્રઢ કરી છે.

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ગુન્હાસખોરી માટે “ઝીરો” ટોલરન્સ્ની નીતિ અપનાવી છે. આ સાતત્યાભરી નીતિના સફળ અને સુચારૂ અમલીકરણના લીધે દેશના અન્યી રાજ્યોની સરખામણીમાં ગુન્હાતખોરીનું પ્રમાણ નહીવત્ત છે. આ સ્થિતિનો શ્રેય ગૃહ વિભાગની શિસ્તબદ્ધ કામગીરી અને ફરજ પાલન છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, જે ગતિએ ગુજરાત રાજ્યે વિકાસની હરણફાળ ભરેલ છે તે લક્ષમાં લેતાં, જાહેર સુલેહ, સલામતિ અને સુરક્ષાના પડકારો પણ વધતાં જ જતા હોય છે. પરંતુ આવા પડાકારોને પહોંચી વળવા ગૃહ વિભાગ અને પોલીસ તંત્રએ આધુનિક શસ્ત્ર સરંજામ, ટેકનોલોજીકલ ઉપકરણો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ફોરેન્સિક વિજ્ઞાનના અસરકારક ઉપયોગથી જાહેર સુલેહ શાંતિ જાળવવામાં સફળતા મેળવી છે.

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ હિંસાત્મક ગુનાઓના ક્રાઇમ રેટમાં દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની સ્થિતિ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતનો ક્રાઇમ રેટ 11.90 છે. જ્યારે છત્તીસગઢમાં 28.8, રાજસ્થાનમાં 29 અને પંજાબમાં 20.80 છે. એટલે કે, સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યનું 32મુ છે. 33મુ દાદરાનગર હવેલી, 34મુ લદાખ, 35મુ લક્ષદ્વીપ અને 36મુ નાગાલેન્ડ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસના જવાનો સામાજીક અને કૌટુંબિક સુખનો ત્યાગ કરી તહેવારો સમયે કુટુંબ સાથે રહેવાના સમયે ફરજને પ્રાધાન્ય આપી ફરજના સ્થળે હાજર રહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની કપરી કામગીરી સફળતાપૂર્વક કરે છે. પ્રજાના કરોડો રૂપિયાના જાનમાલ અને મિલકતની રક્ષા કરે છે.

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સામાન્ય જનોમાં પોલીસની છાપ સારી હોતી નથી. નકારાત્મક બાબતો લોક માનસમાં ઘર કરી ગઈ હોય છે, પણ કોરોના કાળમાં પોલીસ જવાઓએ વૃદ્ધોને દવાઓ, ખોરાક વગેરે સુવિધાઓ આપવાની અદ્વિતિય અને બેનમૂન કામગીરી કરી હતી. એટલું જ નહીં, દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ દળે ધોરણ-૧૦ અને ૧૨માં અભ્યાસ કરતાં દેશના ભવિષ્ય એવા ભૂલકાઓ માટે અકલ્પનીય કામગીરી કરી છે.

તેમણે ઉમેર્યું હતું કે, ઓખા મરીન પોલીસે પરીક્ષાને ધ્યાનમાં રાખી બેટ દ્વારકાથી ઓખા પહોંચવા માટે અનોખી પહેલ કરી. વિદ્યાર્થીઓ પરીક્ષા માટે મોડા ન પડે તે માટે ઓખા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સ્કૂલના આચાર્ય તથા વાલીઓનો કોન્ટેક્ટ કરી ઓખા મરીન પોલીસની સરકારી બોટની વ્યવસ્થા કરી આપી હતી.

વ્યાજખોરી, લોનમેળા અને મુદ્દામાલ પરત કરવા અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પહેલી કેબીનેટમાં જ વ્યાજખોરીનું દુષણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. વ્યાજખોરીના ચક્રમાં ફસાયેલ લોકો પોતાની આર્થિક મજબૂરીના કારણે નાછુટકે પોતાની જરૂરીયાતોને પોષવા માટે વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે ધિરાણ મેળવેલ હોય છે. આવા લોકો તેમની મજબૂરીનો લાભ ઉઠાવતા દુષણો સામે શોષણનો ભોગ ન બને તે માટે વ્યાજખોરો સામે ગૃહ વિભાગે કડક પગલાં લીધા છે. વ્યાજખોરો સામે પગલાં દ્વારા લોકજાગૃતિ માટે 2389 લોકદરબાર રાજ્યભરમાં કર્યા જેનો લાભ 1.30 લાખ લોકોએ લીધો છે.

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ દાખલારૂપ કામગીરીની વિગતો આપતા શ્રી સુધીર અશોકભાઈ ગોયાણીના કેસમાં રૂ.૧.૬૦ કરોડ વ્યાજે લીધા હતા. જેની સામે વ્યાજખોરોએ રૂ.૩.૧૨ કરોડની રકમ માટે પઠાણી ઉઘરાણી કરતા હતા. તેમાંથી તેમની મુકતી કરાવી હતી તેની જાણકારી આપી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન રાજ્ય સરકારે વ્યાજખોરો સામે સકંજો કસીને સંતોષ માનેલ નથી. પરંતુ જે લોકો વ્યાજખોરીમાં બરબાદ થઈ ગયા છે તેવા લાચાર અસહાય લોકોને મદદ કરવા માટે જુદી જુદી બેંકોની મદદથી રાજયના ૩૮ પોલીસ જીલ્લાઓમાં લોન મેળાઓનું આયોજન કરી ૨૧,૯૭૮ લોકોને કિફાયતી અને પરવડે તેવા વ્યાજના નહિવત દરથી રૂ.૨૬૨ કરોડની લોન અપાવવાનું ભગીરથ કામ કર્યું છે. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના, બાજપાઇ બેન્કેબલ લોન યોજના, પી.એમ.સ્વનિધિ યોજના, કિસાન સાથી યોજના, પર્સલન લોન યોજના, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ, દંત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના, જયોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, માનવ કલ્યાણ યોજના, ઔદ્યોગીક સહકારી મંડળીની પેકેજ યોજના હેઠળ લોકોને લોન આપવામાં આવી છે.

અસામાજિક તત્વો દ્વારા કિંમતી જમીનો અને સરકારી મિલકતો પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી છે. દ્વારકા જિલ્લાની બેટ દ્વારકા, હર્ષદ માતા, નાવદરા અને કચ્છની જમીન પર, પોરબંદર, બનાસકાંઠા સહીતની અનેક જિલ્લાઓની સરકારી જમીનમાં ઘણા વર્ષોથી અનઅધિકૃત રીતે કરેલ કબજાને છોડાવીને આવા તત્વોની શાન ઠેકાણે લાવવામાં આવી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વાહન ચોરી કે મોબાઇલ ચોરીની ઓનલાઇન ફરિયાદકરવાનું મિકેનિઝમ આ સરકારે કર્યુ છે. વાહન અને મોબાઇલ ચોરીના ગુનાઓ ઓનલાઇન મોંધવારી માટે ઈ-એફઆઈઆર પ્રોજેક્ટ લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે તા.૨૩/૦૭/૨૦૨૨ના રોજ રાજ્ય સરકારના આ મહત્વકાંક્ષી ઇ-એફ.આઇ.આર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં માત્ર સો દિવસમાં 19 ગુનામાં ચુકાદો લાવી 6 ગુનેગારોને ફાંસી 10 ગુનેગારોને આજીવન કેદ આપી ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે. ગુનાઓના આંકડાના વધારા કે ઘટાડાની માયાજાળમાં પડ્યા સિવાય રાજયના નાગરિકને જરૂરીયાત પ્રાથમિકતા આપી છે. ચોરીના ગુનાઓનો ક્રાઈમ રેટમાં ગુજરાતનું સ્થાન ૨૭મું છે. દેશનો ક્રાઈમ રેટ ૪૨.૯ ટકા છે. અન્ય રાજયના ક્રાઈમ રેટ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં માત્ર ૧૫.૨ ટકા છે, જેની સામે છત્તીસગઢમાં ૨૭.૩ ટકા, રાજસ્થાનમાં ૪૩.૮ ટકા તથા પંજાબમાં ૨૭.૨ ટકા છે.

સાયબર ક્રાઇમની ગુનાખોરી ૨૧મી સદીમાં વધી રહી છે, આ ગુનાઓ માટે ૧૯૩૦ હેલ્પ લાઇન કાર્યરત કરવામાં આવી છે, જેમાં ૩૦ ટેલિફોન લાઇન છે જેથી રાજ્યના નાગરિકોને ફોન વ્યસ્તનો સામનો ન કરવો પડે તેનું ધ્યાન રાખવામાં આવે છે. ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇનમાં આજદિન સુધી ૧૨૨.૪૭ કરોડ રૂપિયા અરજદારના ખાતામાં થી ઉપડી જતા પહેલા બ્લોક કરવામાં આવ્યાં છે. સાથોસાથ ૩૫.૫૩ કરોડ રૂપિયા અરજદારોને પરત કરાયાં છે. ગુજરાત પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ સમગ્ર દેશમાં લેવામાં આવી છે અને આપણા રાજ્યને રોલ મોડેલ તરીકે સ્વીકારીને અનુસરવા સૂચના આપવામાં આવી છે.

કાયદો અને વ્યવસ્થાની સંભાળ સાથે સામાજિક જવાબદારી એવી ખોવાયેલા બાળકોની છે. મા-બાપની બીજાઓને પણ પ્રાથમિકતા આપી છે. ગુજરાત પોલીસ બાળકને શોધવા માટે રાત-દિવસ એક કરે છે. જ્યારે પોલીસ તંત્ર આધુનિક સાધનો તેમજ રાત-દિવસ મહેનત કરીને કોઈ ખોવાયેલ બાળક તેમના માતા-પિતાને પરત કરવામાં આવે છે. આ ખોવાયેલા બાળકો શોધવા માટેના સ્પેશિયલ શાખામાં આશરે ૬૬૮ માણસો કાર્યરત છે. જેમાં વધુ ૧,૦૦૦ સભ્યોનો વધારો કરવાની સરકારનું આયોજન છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨થી તા.૩૧/૦૧/૨૦૨૩ દરમ્યાન ગુમ થયેલા ૪,૧૩૧ બાળકોમાંથી ૩,૨૬૪ બાળકો પરત મેળવવામાં આવ્યાં છે. વર્ષ ૨૦૦૭થી ૨૦૨૨ સુધીમાં ૫૫,૬૧૮ બાળકોમાંથી ૫૩,૦૦૦ બાળકો પરત મેળવવામાં આવ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ખાતે શકિત સેવા કેન્દ્ર દ્વારા ભિક્ષા માંગતા અનાથ બાળકોના વિકાસ માટે એક બેન્ડની શરૂઆત કરવામાં આવી છે તેની વિગતો આપતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ૧૪ થી ૧૮ વર્ષના ૨૧ બાળકો દ્વારા બેન્ડ વગાડવામાં આવે છે. બાળકો વિરુદ્ધના ગુનાઓનો ક્રાઈમ રેટ અંગે મંત્રીશ્રીએ અન્ય સરખામણી કરતાં જણાવ્યું હતું કે, ભારતનો ક્રાઈમ રેટ ૩૩.૬ છે. જ્યારે છત્તીસગઢમાં ૬૧.૬ ટકા, રાજસ્થાનમાં ૨૭.૨ ટકા, પંજાબમાં ૨૯.૨ ટકા છે, જેની સામે ગુજરામાં માત્ર ૨૧.૬ ટકા છે. સમગ્ર ભારતમાં ગુજરાતનું સ્થાન ૨૭મું છે.

મહિલા વિરુદ્ધના ગુનાઓનો ક્રાઈમ રેટ અંતર્ગત મંત્રીશ્રીએ જણાવ્યું કે, અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતનો ક્રાઈમ રેટ સૌથી ઓછો માત્ર ૨૨.૦૧ ટકા છે. જ્યારે ભારતના સરેરાશ ક્રાઈમ રેટ ૬૪.૫ ટકાની સામે છત્તીસગઢમાં ૪૯.૮ ટકા, રાજસ્થાનમાં ૧૦૫.૦૪ ટકા તથા પંજાબમાં ૩૯.૨ ટકા છે. સમગ્ર ભારતમાં ગુજરાતનું સ્થાન ૩૨મું છે. જ્યારે ૩૩મું સ્થાન મણિપુર, ૩૪મું પોંડિચેરી, ૩૫મું લદાખ અને ૩૬મું નાગાલેન્ડનું છે. મહિલા વિરુદ્ધના ગુનાઓમાં બળાત્કાર, અપહરણનો સમાવેશ થાય છે. આમ, ગુજરાત મહિલાઓની સલામતી માટે સર્વશ્રેષ્ઠ રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે.

રાજ્યની મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે ગૃહ વિભાગ કટિબદ્ધ છે. આ શ્રેય વડાપ્રધાનશ્રી, કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અને તેઓએ નિર્ધારીત કરેલ નીતિઓ જેવી કે, અભયમ હેલ્પલાઈન, દરેક જીલ્લામાં મહિલા પોલીસ સ્ટેશન, ૨૬ જીલ્લામાં ઈન્વેસ્ટીગેશન યુનિટ ફોર ક્રાઈમ અગેઈન્સ વુમન, પોલીસ સ્ટેશન બેઈઝ સ્પોર્ટ સેન્ટર, વન સ્ટોપ ક્રાઈસીસ સેન્ટર, વુમન હેલ્પડેસ્કડ, સી-ટીમ, સુરક્ષા સેતુ યોજના, ગરીમા પ્રોજેકટ, પોક્સોનું અમલીકરણને જાય છે.

ગૃહમંત્રીએ નાની દીકરીઓના શારીરિક શોષણના બનાવોમાં પોલીસતંત્રએ અમુક કેસમાં ૨૪ કલાકમાં અને બાકીના કેસોમાં ૧૫ થી ૪૦ દિવસના સમયગાળામાં તપાસ પૂર્ણ કરી છે. રેકર્ડબ્રેક સમયમાં નામ.કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરીને કાર્યવાહી કરી છે અને નામ. કોર્ટે ૨૦ દિવસથી લઈને ૯૦ દિવસની સમય-મર્યાદામાં આરોપીઓને ફાંસીની સજા, આજીવન કેદની સજા ફટકારીને દાખલારૂપ કામગીરી કરી છે.

સ્વયંસિદ્ધા પ્રોજેકટ અંગે માહિતી આપતાં ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં દારૂના વેચાણ સાથે સંકળાયેલ ગરીબ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે રાજ્યમાં સુરક્ષા સેતુ યોજના હેઠળ કામગીરી કરવામાં આવે છે. ખેડા જિલ્લામાં સ્વયંસિદ્ધા નામનો પાયલટ પ્રોજેકટ શરૂ કરી તેને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવા માટેની સોનેરી તક આપી છે. ખેડા જીલ્લાના મહેમદાવાદ ખાતે ૧૦૫ જેટલી મહિલાઓને સીવણ કલાસ, બ્યુટીવેલનેસની તાલીમ આપવામાં આવે છે. તાલીમમાં આવતી તાલીમાર્થી મહિલાઓને ભથ્થું પણ આપવામાં આવે છે.

જેથી મહિલાઓ ભવિષ્યમાં દારૂના વ્યવસાયમાં ન જોડાય. આજદિન સુધીમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલ ગરીબ, લાચાર ૧૫,૬૩૨ મહિલાઓને આ વ્યવસાય છોડાવીને સીવણ તાલીમ, ભરત ગુથણ, બ્યુટીપાર્લર, પશુપાલન, વેપાર, સિરામીક યુનીટ કે અન્ય ખેતી વિષયક રોજગારી અપાવી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે,  ગુજરાતના પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવે છે. પોલીસ તંત્રમાં પોલીસ પોપ્યુલેશન રેશિયો મુજબ પોલીસ કર્મચારી/અધિકારીઓની ભરતી કરવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ૧૦ વર્ષમાં લગભગ એક લાખ જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવેલ છે.

વર્ષ ૨૦૨૦-૨૨માં ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સપેકટરથી કોન્સ્ટેબ્યુલરીના વિવિધ સંવર્ગોમાં કુલ ૧૧,૮૪૧ની ભરતી કરવામાં આવી છે. આગામી આશરે ૮૦૦૦ પોલીસ કર્મચારીઓ/ અધિકારીઓની ભરતીનું રાજ્ય સરકારનું આયોજન છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ ડ્રોન પોલીસી અંગે કહ્યું હતું કે, ગુજરાત રાજયે ડ્રોનના વપરાશને ધ્યાનમાં લઈને ડ્રોનના ઉપયોગ સંચાલન અને અન્ય કામગીરીના સંદર્ભે સર્વગ્રાહી અને સર્વસમાવેશક એવી ડ્રોન પોલીસી લોંચ કરી છે. ડ્રોન મારફતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી, જંતુનાશક દવાઓનો છંટકાવ, વન્ય પ્રાણીઓ પર દેખરેખ તેમજ ગેરકાયદેસર વૃક્ષ છેદન અટકાવવા, વીજ ચોરી અટકાવવા રેતીનું ગેરકાયદેસર ખનન અટકાવવા, સરકારી અનાજના ગોડાઉનોમાંથી અનાજની ચોરી અટકાવવા તેમજ ગેર કાયદેસર દેશી દારૂની ભઠ્ઠીઓઓને નેસ્તનાબૂદ કરવા ઉપયોગ કરવામાં આવી રહેલ છે. ડ્રોન પોલીસીના અમલના પરિણામે ૨૫,૦૦૦ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થનાર છે.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, દિન-પ્રતિદિન શહેરોમાં ટ્રાફિક સમસ્યાઓને લઈ ટ્રાફિક જવાનો સાથે થતાં ઘર્ષણને ટાળવા બોડીવોર્ન કેમેરા લગાવવામાં આવ્યાં છે. ટ્રાફિકના નિયમોના ભંગ કર્યો તેવા વાહનોના દસ્તાવેજોની ચકાસણી દરમિયાન વાહનચાલકો દ્વારા પોલીસના જવાનો સાથે ઘર્ષણના બનાવોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

ત્યારે ટ્રાફીકના નિયમોના ભંગના કેસોમાં દ્રશ્ય-શ્રાવ્ય પુરાવાઓ કેસને સાબીત કરવા ટ્રાફીક જવાનોને પોર્ટેબલ બોડી વોર્ન કેમેરા આપવાનો એક ક્રાંતિકારી નિર્ણય ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. રાજયમાં ટ્રાફીક જવાનોને અંદાજે ૧૦,૦૦૦ બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યાં છે અને અમદાવાદ શહેરમાં ૨,૫૬૦ બોડી વોર્ન કેમેરા આપવામાં આવેલ છે.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યની સંવેદનશીલ સરકારે ગુજરાતને ઉડતા ગુજરાત ન બને તે માટે ડ્રગ્સના વિષચક્રનો સંપૂર્ણપણે ખાત્મો બોલાવવા માટે કમર કસી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓએ એક-બીજાના પરામર્શમાં રહીને ડ્રગ્સ વિરુદ્ધ ડ્રગ્સ માફીયાઓ સામે અભિયાન ચલાવ્યું છે.

ડ્રગ્સના ૨૫૧ કેસમાં ૭૮૫ આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી દઈને ૫.૪૩લાખ કી.ગ્રા.નો ગાંજો, અફીણ, ચરસ, હેરોઈન, બ્રાઉન સુગરનો મોતનો સામાન પકડીને ગુજરાતના યુવાધનને નશાથી દુર રાખવાનો પ્રયાસ કરેલ છે. વિવિધ તપાસ એજન્સીઓની રેડ દરમ્યાન પકડાયેલ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ.૫,૩૩૮/- કરોડની કીંમત થવા જાય છે.

તદ્દઉપરાંત ૨૦૧૭થી ૨૦૨૨ દરમ્યાન વિદેશી દારૂના ૧.૫૪ લાખ કેસો નોંધવામાં આવેલ છે. જેમાં ૨.૨૮ લાખ આરોપીઓ સંડોવાયેલા છે. જે પૈકી ૨.૧૭ લાખ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનાઓમાં ૪.૦૭ કરોડ બોટલો જપ્ત કરવામાં આવેલ છે. જેની કિંમત રૂ.૮૦૫.૬૭ કરોડ થવા જાય છે. આ ગુનાઓમાં વપરાયેલા ૫૬ હજારથી વધુ વાહનો પણ જપ્ત કરવામાં આવેલ છે. જેની કિંમત રૂ.૧૦૬૦.૧૧ કરોડ થવા જાય છે.

જયારે દેશી દારૂના ૭.૪૮ લાખ કેસો નોંધવામાં આવેલ છે. જેમાં ૭.૭૫ લાખ આરોપીઓ સંડોવાયેલા છે. જે પૈકી ૭.૮૬ લાખ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનાઓમાં ૨૧૭.૧૧ કરોડ બોટલો જપ્ત કરવામાં આવેલ છે. જેની કિંમત રૂ.૧૫૫૬ કરોડ થવા જાય છે. આ ગુનાઓમાં વપરાયેલા ૧૦,૮૦૨ હજારથી વધુ વાહનો પણ જપ્ત કરવામાં આવેલ છે.

જેની કિંમત રૂ.૫૨૮.૫૬ કરોડ થવા જાય છે.                 ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું  હતું કે, રાજસ્થાનનો ક્રાઇમ રેટ ૩.૮ તથા પંજાબનો ક્રાઇમ રેટ ૩૨.૮ છે. આજે કેન્દ્રમાં નરેન્દ્રભાઇ અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઇની ડબલ એન્જીન સરકારમાં રાજ્યનો એન.ડી.પી.એસ. ગુનાઓમાં ક્રાઇમ રેટ ૦.૭ છે. જે સમગ્ર દેશના તમામ રાજ્યોમાં (કેન્દ્રશાશિત પ્રદેશ સિવાય) સૌથી ઓછો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.